પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૮
સરદાર વલ્લભભાઈ


ઠાકોરસાહેબ ઉપરના કાગળની નકલ મિ. ગિબ્સનને પણ મોકલી અને લખ્યું કે મારી સૂચનાઓના અમલની બાબતમાં આપ બની શકે તેટલો હૃદયપૂર્વકનો સહકાર આપશો એવી હું આશા રાખું છું.

પછી સરદારને ફોન ઉપર નીચેનો સંદેશો મોકલ્યો :

“ મારા નિર્ણયથી અકળાશો નહીં. કેવળ ઈશ્વરનો પ્રેર્યો હું વર્ત્યો છું. બુદ્ધિ પણ બીજું કશું સુઝાડી શકે એમ નહોતું. આની કોઈને વાત ન કરશો. મારી સૂચના દરબાર વીરાવાળા ઠાકોરને કબૂલ રાખવા દે તો ભલે ઠાકોરસાહેબને જ હજી એનો પૂરો જશ મળે. તમે તમારી જગ્યાએથી ન ચસશો. રાજકોટનો ભાર ઉપાડવા હું અહીં છું એટલું બસ ગણજો. મને તો આ મામલા દરમ્યાન ટેલિફોનનાં ખરચ પણ બચાવી લેવાં ગમે. પણ તમારી પ્રકૃતિ હું જાણું છું. તેથી જરૂર પડ્યે વખતોવખત અહીંની ખબરો આપવાને સારુ ટેલિફોન વાપરતાં નહીં અચકાઉં એની ખાતરી રાખજો.”

તા. ૩જીએ બાર વાગ્યા સુધી ઠાકોરસાહેબનો કાગળ ન આવ્યો, એટલે ઉપવાસ શરૂ કર્યા. પ્રાર્થના અને ભજનો પૂરાં થયાં પછી ઠાકોરસાહેબનો જવાબ લઈને ફર્સ્ટ મેમ્બર આવ્યા. એ જવાબ અંગ્રેજીમાં છે. તેનો તરજુમો નીચે આપ્યો છે :

“પ્રિય મહાત્મા ગાંધી,
“તમારો કાગળ ગઈ કાલે મળ્યો. વાંચીને બહુ દિલગીર થયો છું. તમને હું ખાતરી આપી ચૂકયો છું કે તા. ૨૬-૧૨-’૩૮ ના રોજ મેં કાઢેલું જાહેરનામું હજુયે કાયમ છે. કમિટીનાં નામોને લગતી તમારી સૂચનાઓ જાહેરનામાને અનુસરીને નથી. તેમ જ તમે કરેલી બીજી સૂચનાઓ સ્વીકારવાનું મને યોગ્ય લાગતું નથી. રાજ્યનાં જુદાં જુદાં હિતોના સાચા પ્રતિનિધિ હોય એવા યોગ્ય સભ્યોની કમિટી બને એ જોવાની જવાબદારી રાજકોટના રાજા તરીકે મારી છે. મારા રાજ્યના તેમ જ પ્રજાના હિતનો વિચાર કરતાં એ જવાબદારી હું ફગાવી દઈ શકું નહીં. આવી મહત્ત્વની બાબતમાં છેવટનો નિર્ણય બીજા કોઈને કરવા દેવો એ મારે સારુ શક્ય નથી. હું અગાઉ ખાતરી આપી ચૂક્યો છું કે કમિટી પોતાનું કામ શાંત વાતાવરણમાં વહેલામાં વહેલું શરૂ કરી દે એવી મારી તીવ્ર અભિલાષા છે; જેથી કરીને જરૂરી જણાય એવા સુધારા રાજ્યમાં દાખલ કરવામાં ઢીલ થવા પામે નહીંં.

તમારો
ધર્મેન્દ્રસિંહ ”

 


ઉપરનો કાગળ વાંચીને ગાંધીજીએ ઉદ્‌ગાર કાઢ્યા કે, “આ જવાબ તો બળતામાં ઘી હોમવા જેવો છે.” પછી ખાનસાહેબને કહ્યું કે, “આનો રીતસર જવાબ તો હું પછી મોકલીશ. દરમ્યાન હવે બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકે એવી ઠાકરસાહેબને સલાહ આપવાનું તો હું તમને સૂચવું ને ? મારું અનશન શરૂ થયું છે. એટલે હું જીવું છું ત્યાં સુધી તો