પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
સબરસ સંગ્રામ


૧. બ્રિટિશ સામ્રાજ્યમાંથી પોતાની મરજીમાં આવે તો છૂટા થવાનો હિંદુસ્તાનનો હક સ્પષ્ટ રીતે સ્વીકારાવો જોઈએ.
૨. હિંદુસ્તાનને, લોકોને જવાબદાર એવું સંપૂણ રાષ્ટ્રીય રાજ્યતંત્ર મળવું જોઈએ. લશ્કર ઉપર તથા આર્થિક બાબતો ઉપર તેનો કાબૂ હોવા જોઈએ. તેમાં ગાંધીજીએ વાઈસરૉયને લખેલા કાગળમાં જે અગિયાર મુદ્દા જણાવ્યા છે તે બધા આવી જાય.
૩. બ્રિટન હિંદુસ્તાનમાં જે હકો અને છૂટો ભગવે છે, જેમાં હિંદુસ્તાનના કહેવાતા સરકારી દેવાનો પણ સમાવેશ થાય છે, તેમાંથી જે જે વસ્તુઓ રાષ્ટ્રીય સરકારને અન્યાયી અથવા હિંદુસ્તાનના લોકોના હિતની વિરુદ્ધ લાગે તે એક નિષ્પક્ષ પંચને સોંપવાનો હિંદુસ્તાનનો હક હોવો જોઈએ.

૪. પરદેશી કાપડ અને દારૂ ઉપર શાંત રીતે ચોકી કરવાનું કૉગ્રેસ ચાલુ રાખશે. સિવાય કે સરકાર જ દારૂ અને પરદેશી કાપડનો પ્રતિબંધ કરે.
પ. લોકોને મીઠું એકઠું કરવાનો તથા બનાવવાનો હક રહે.
૬. આટલું થાય તો સત્યાગ્રહ પાછો ખેંચી લેવામાં આવે. તેની સાથે જ જેઓને હિંસા કરવાના ગુનાસર સજા નહીં થઈ હોય તેવા સત્યાગ્રહી અને બીજા રાજદ્વારી કેદીઓને છોડી મૂક્વામાં આવે; સૉલ્ટ ઍkટ, પ્રેસ ઍkટ, રેવન્યુ ઍક્ટ અથવા એવા બીજા કાયદા નીચે જેમની મિલકત જપ્ત થઈ હોય તે પાછી આપવામાં આવે; સત્યાગ્રહી કેદીઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યો હોય તે સિવાયનો દંડ રદ કરવામાં આવે; મુખી-તલાટીઓ તથા બીજા સરકારી અમલદારો જેઓએ રાજીનામાં આપ્યાં હોય અથવા સત્યાગ્રહની લડતને અંગે જેમને બરતરફ કરવામાં આવ્યા હોય તેમને પાછા નોકરીમાં લેવામાં આવે; અને વાઈસરૉયે કાઢેલા બધા ઓર્ડિનન્સો રદ કરવામાં આવે.

આ શરતો લઈને શ્રી જયકર તથા શ્રી સપ્રુ વાઈસરૉય પાસે ગયા. તેના તરફથી બહુ જ અસંતોષકારક જવાબ મળ્યો, છતાં તેઓ ફરી પંડિત મોતીલાલજી પંડિત જવાહરલાલજી તથા ડૉ. સૈયદ મહમૂદને નૈની જેલમાં મળ્યા અને તેમનો કાગળ લઈ ગાંધીજી, સરદાર, શ્રીમતી સરોજિની નાયડુ તથા શ્રી જયરામદાસ દોલતરામને યરવડા જેલમાં મળ્યા. તા. ૫-૯-’૩૦ના રોજ ગાંધીજી અને ઉપર જણાવેલા તેમના સાથીઓએ કૉંગ્રેસની માગણી ફરી સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી અને વાઈસરૉયની દરખાસ્તો બિલકુલ સંતોષકારક નથી એમ જણાવ્યું. આમ શ્રી જયકર અને સપ્રુની વિષ્ટિનો અંત આવ્યો.

જેલની અંદર આ વાટાઘાટો ચાલતી હતી ત્યારે બહાર લડત પહેલાં કરતાં પણ વધુ ગરમ થઈ હતી. લાઠીમાર તો સામાન્ય થઈ પડ્યો હતો. બારડોલી તથા બોરસદમાં મહેસૂલ નહીં આપવાને કારણે પોલીસે ઊભા પાક જપ્તીમાં લેવા માંડ્યા હતા તથા લોકો ઉપર અનેક પ્રકારની કનડગત કરવા માંડી હતી. પોલીસના દુર્વતનમાંથી બહેનો પણ બચવા પામતી નહોતી.