પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

તમારા એકલાનું જ રક્ષણ લઈને જવું છે.” ગાંધીજી એમને ખભે હાથ મૂકી જેમ જેમ ચાલતા ગયા તેમ તેમ જગ્યા થતી ગઈ અને ઠેઠ મોટર ઊભી હતી ત્યાં સુધી તેઓ સહેલાઈથી પહોંચી ગયા.

સરદાર તે દિવસે વડોદરા પ્રજામંડળના કામસર અમરેલી ગયા હતા. વિરોધીઓનું નિશાન ગાંધીજી કરતાં સરદાર વધારે હોય એમ માનવાને એ ઉપરથી કારણ લાગે છે કે તે જ દિવસે રાજકોટથી અમરેલીના એક મુસલમાન ઉપર તાર ગયેલો કે સરદાર વલ્લભભાઈ રાજકોટ આવવા અમરેલીથી ક્યારે નીકળે છે અને કયે રસ્તે આવે છે તે તારથી જણાવો. પેલો માણસ ઉદ્દેશ નહીંં સમજ્યો હોય એટલે સરદારને ઉતારે જ પૂછવા ગયો. તાર સરદારના હાથમાં આવતાં જ આની પાછળ કાંઈ મેલી રમત હોવાનો તેમને વહેમ ગયો. એટલે પોતાના નીકળવાનો વખત અને પાછા જવાનો રસ્તો બંને ભળતાં જ આપ્યાં. રાજકોટ આવ્યા પછી તોફાનની ખબર પડી એટલે પોતાનો વહેમ પાકો થયો. ગાંધીજીને મળ્યા ત્યારે પેલા તારની અને પોતે આપેલા ભળતા જવાબની વાત તેમણે કહી સંભળાવી. ગાંધીજીએ કહ્યું. “વાહ રે સત્યાગ્રહ !” પછી બંને જણ ખૂબ હસ્યા.

તા. ૧૮મીએ ઠાકોરસાહેબે ગાંધીજીના કાગળનો જવાબ આપ્યો. તેમાં મુસલમાનો, ભાયાતો તથા દલિતવર્ગના કોઈ માણસને કમિટીમાં ન રાખવા વિષે દિલગીરી દર્શાવી, પણ તેમાં મહત્ત્વની વાત તો ઠાકોરસાહેબે એ જણાવી કે રાજ્યના કાયદાના સલાહકારના અભિપ્રાય પ્રમાણે આ સાત નામોમાંથી ફક્ત એક જ ગૃહસ્થ રાજકોટ રાજ્યના વતની છે.

ગાંધીજીએ થાકીને તા. ૧૯મીએ રેસિડેન્ટ મિ. ગિબ્સનને કાગળ લખ્યો અને તેમને વચ્ચે પડવા વિનંતી કરી. વધુમાં જણાવ્યું કે ઠાકોરસાહેબે સરદાર પર તા. ૧૯-૧-’૩૯ના રોજ કાગળ લખેલો તેમાં તેમણે આપેલાં સાત નામોમાંથી ચાર તેમણે સ્વીકાર્યા હતાં. વડા ન્યાયાધીશ આગળ રજૂ કરેલા કેસમાં વતની ન હોવાને કારણે માત્ર બે નામોનો વિરોધ કરવામાં આવેલો. છતાં હવે સાતમાંથી છ નામ સામે વિરોધ કરવામાં આવે છે. પછી તા. ૨૦મીએ ગિબ્સનને રૂબરૂ મળ્યા તે વખતે તેમને એકાએક એક ખેલદિલીવાળી દરખાસ્ત સ્ફુરી આવી અને તેમની આગળ તે રજૂ કરી : “પરિષદે આ કમિટીમાંથી બિલકુલ નીકળી જવું. ઠાકોર સાહેબ આખી કમિટીની નિમણૂક પોતાના જાહેરનામાની રૂએ પોતે જ કરે. એ કમિટીએ પોતાનો રિપોર્ટ એક માસ અને ચાર દિવસની અંદર આપવો. પ્રજાપરિષદના સાત સભ્યો એ રિપોર્ટને તપાસે અને તેમને જરૂર લાગે તો પોતાનો ભિન્ન રિપોર્ટ કરે. એ બંને રિપોર્ટ હિંદના વડા ન્યાયાધીશ આગળ રજૂ કરવામાં આવે અને તેમનો જે