પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૪
સરદાર વલ્લભભાઈ

ચુકાદો આવે તે બંને પક્ષ માન્ય રાખે.” પણ દરબાર વીરાવાળાએ આ દરખાસ્ત સ્વીકારી નહીંં. પછી તા. ર૩મીએ મિ. ગિબ્સનને કાગળ લખીને ગાંધીજીએ જણાવ્યું કે મેં આપેલાં સાત નામોમાંથી કેટલા રાજ્યના વતની છે અને કેટલા નથી એનો નિર્ણય કરવાનું ત્યાંના જ્યુડિશ્યલ કમિશનરને સાંપવું. તે જ દિવસે ગાંધીજીને કૉંગ્રેસની મહાસમિતિની બેઠક માટે કલકત્તા જવા નીકળવાનું હતું. રાજકોટથી મુંબઈ જતાં રસ્તામાં ‘હાર્યો’ એ નામનો લેખ તેમણે લખ્યો. તેમાં તેમણે જણાવ્યું છે કે,

“પંદર દિવસની આ અંતરવ્યથા પછી હું જોઈ શક્યો છું કે જો ઠાકોરસાહેબને કે દરબાર વીરાવાળાને એમ લાગતું હોય કે ઉપરી સત્તાના દબાણને લીધે તેમને કશું આપવું પડે છે, તો મારી અહિંસા નિષ્ફળ લેખાવી જોઈએ. અહિંસાની દૃષ્ટિએ તો એમના દિલમાંથી એવી લાગણી મારે નાબૂદ કરવી જ જોઈએ. તેથી તક મળતાં જ દરબાર વીરાવાળાની એવી ખાતરી કરાવવા મેં પ્રયાસ કર્યો કે ચક્રવર્તી સત્તાની મદદ માગવામાં મને કશો આનંદ નહોતો અને નથી. અહિંસા ઉપરાંત રાજકોટ જોડેનો મારો સંબંધ પણ મારા ઉપર આવો અંકુશ મૂકે એમ છે. મેં દરબાર વીરાવાળાને ખાતરી આપી કે મને અનાયાસે સ્ફુરી આવેલી અને મિ. ગિબ્સન આગળ કરેલી મારી દરખાસ્ત ઉ૫લી દિશામાં કરેલા મારા પ્રયાસનું જ પરિણામ હતું. તરત જ તેમણે મને સંભળાવ્યું: “પણ જો તમે ઠાકોરસાહેબની કમિટીના રિપોર્ટથી ન સંતોષાઓ તો જાહેરનામાની રૂએ તેને કસવાનો હક તો માગો જ છો ને ? વળી પરિષદ ભિન્ન રિપોર્ટ કરે તો તમે પાછા એ બેઉ રિપોર્ટ વડા ન્યાયાધીશ પાસે તપાસાવવા માગો છો. આને તમે દબાણની લાગણી નાબૂદ કરવાનો પ્રયાસ કહો છો ? ઠાકોરસાહેબ ઉપર વિશ્વાસ મૂકવા તૈયાર હો તો ઠેઠ સુધી તેમની ઉપર અને એમના સલાહકાર ઉપર વિશ્વાસ કાં નથી મૂકતા ? તમે માગો છો તે કદાચ પૂરેપૂરું નહીં મળે પણ જે કંઈ મળશે તે તેમના સદ્‌ભાવ સાથે મળ્યું હશે, અને તેના પૂરા અમલની તેમાં બાંયધરી હશે. પરિષદવાળા ઠાકોરસાહેબ વિષે તથા મારે વિષે શું શું બોલ્યા છે તે તમે જાણો છો ? પોતાના રાજ પાસે સુધારા મેળવવા ઇચ્છતી પ્રજાનો આ રસ્તો છે ?” દરબાર વીરાવાળાનાં આ વચનમાં કડવાશ, અને પરિષદના લોકો પ્રત્યેનો તિરસ્કા૨ ટપકતાં હતાં. પણ અહિંસાના અપૂર્ણ અમલના એકાએક થયેલા ભાનને પ્રતાપે એમણે કરેલા ઘા પાછા વાળવાને બદલે, મનુષ્ય સ્વભાવના મૂળમાં પડેલી ભલાઈ વિષેની મારી આસ્થાની ઊણપ તથા મારી અહિંસાની કંગાલિયત બતાવનારું એમની દલીલમાં રહેલું વજૂદ મેં પિછાન્યું.
“મેં સાથીઓ આગળ ઉકેલને સારુ આ નવી દૃષ્ટિ રજૂ કરી. તેમણે મને અનેક વેળા કહ્યું હતું કે રાજકોટની તમામ આફતનું મૂળ દરબાર વીરાવાળા જ છે. અને એ જાય એ રાજકોટને પૂરું સ્વરાજ મળ્યા બરાબર છે. મેં તેમને સમજાવ્યું કે એ તો સુરાજ્ય થયું, સ્વરાજ્ય નહીં. મેં કાર્યકર્તાઓને કહ્યું કે