પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

વિશ્વાસ છે કે અને રાજકોટની પ્રજાને જે એમનું છે તે મળે જ છૂટકો છે. દરમ્યાન આ સુધારાઓ જે મારી નજરે કેવળ અનિષ્ટ રૂપ છે તેને મરી જવા દેવા રહ્યા. જે રાજકોટવાસીઓમાં સ્વાભિમાનનો છાંટો સરખો હોય તેણે તેમાં સામેલ થવાથી દૂર રહેવું જોઈએ. જો તેઓ મારું માને તો રાહ જુએ, પ્રાર્થના કરે અને અક્ષરશઃ કાંતે. તેઓ જોશે કે એમ કરવાથી તેઓ અહિંંસાને એકમાત્ર સાચે માર્ગે રાજકોટમાં સાચી સ્વતંત્રતાના કાંતનારા નીવડશે.”

સરદારની મનોવૃત્તિ આ આખા કિસ્સા પ્રત્યે કેવી હતી તે આ કિસ્સો બની ગયા પછી કેટલેક વખતે એક જાહેર ભાષણમાં કાઢેલા તેમના નીચેના ઉદ્‌ગારો ઉપરથી જણાઈ આવે છે :

“કેટલાક માને છે કે વીરાવાળાએ મને છક્કડ ખવરાવી, સર પેટ્રિકને કાઢવામાં એણે મને વાપર્યો. પણ એમ કહેનારા એની પાછળ કામ કરી રહેલી શક્તિઓને ઓળખતા નથી. તેઓ રાજ્યપ્રકરણનો કક્કોયે જાણતા નથી. એ બધું કેમ થયું એ તો ભવિષ્યમાં પડદો ચિરાયા પછી લખાશે. પણ રાજકોટમાં સંતને જે ઉપવાસ કરાવ્યા છે, જે રીતે સંતને દૂભવ્યા છે તેનો તો ઈશ્વર ઇન્સાફ કરશે જ, અને ઇન્સાફ કરી જ રહ્યો છે. સંતને દૂભવેલા કદી સુખી થયેલ નથી.”

૨૬
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩
વડોદરા, લીમડી, ભાવનગર
વડોદરા

આગળ ઉપર કહેવાઈ ગયું છે કે ૧૯૩૮–’૩૯ નાં વર્ષો આપણાં દેશી રાજ્યોની અપૂર્વ જાગૃતિનાં હતાં. મૈસૂર, ત્રાવણકોર, કોચીન, ઓરિસાનાં ધેનકનાલ તથા તલચેર, રાજસ્થાનના જયપુર તથા ઉદેપુર, ઉત્તરનું કાશ્મીર અને કાઠિયાવાડમાં રાજકોટ વગેરે રાજ્યોએ જવાબદાર રાજ્યતંત્ર માટે જુસ્સાદાર લડત આપી હતી. વડોદરા આપણાં પ્રથમ પંક્તિનાં દેશી રાજ્યોમાંનું એક હતું અને તે બહુ પ્રગતિશીલ ગણાતું. ત્યાં જવાબદાર રાજ્યતંત્ર મેળવવાના હેતુથી પ્રજામંડળ ઘણાં વરસોથી સ્થપાયેલું હતું. એ પ્રજામંડળ જ્યાં સુધી વડોદરા શહેરમાં જ કામ કરતું ત્યાં સુધી રાજ્યે એની બહુ પરવા ન કરી. પણ ૧૯૩૦ થી ૩૪ ની લડત પછી એણે ગામડાંમાં પ્રવેશ કરવા માંડ્યો, ત્યારથી રાજ્યની એના ઉપર ખફા નજર થઈ હતી. પ્રજામંડળના પ્રમુખ તરીકે સરદારે તા. ૨૮–૧૦–’૩૮ના રોજ વડોદરા પ્રજામંડળ