પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩

શકિત ન હોય તો પહેલેથી કહી દેજો. હું અપમાનને બરદાસ્ત કરી લેવા તૈયાર નથી. હું તમારો છું તેની સાથે કૉંગ્રેસનો પણ એક અદનો સિપાઈ છું. કૉંગ્રેસમાં મારું જે સ્થાન છે તે જોતાં મારું અપમાન એટલે કૉંગ્રેસનું અપમાન છે, હિંદનું અપમાન છે.”

આ ભાષણની કાર્યકર્તાઓ તથા પ્રજા ઉપર બહુ ભારે અસર થઈ. તેમનામાં નવું ચેતન અને નવો ઉત્સાહ પ્રગટ્યાં. કાર્યકર્તાઓએ કમર કસી અને ભાદરણનો સંદેશ રાજ્યના ગામડે ગામડે પહોંચાડવા ફરવા માંડ્યું. સરદારે પણ વખત કાઢી પલસાણા અને માંગરોળ તાલુકામાં ભાષણો કર્યાં. તેથી રાજ્યના છેક ઉપરી અમલદારો કાંઈક જાગ્યા પણ ખરા. તે વખતે જ રાજયમાં જમીન મહેસૂલની ફરી આંકણીનું કામ ચાલતું હતું. તેનો રિપોર્ટ બહાર પડ્યો એટલે રાજયે જમીનમહેસૂલમાં કુલ વીસ લાખ રૂપિયાનો ઘટાડો કર્યો. વળી કેટલાક રાજકીય સુધારા દાખલ કરી મતાધિકાર કંઈક વિસ્તૃત કર્યો અને ધારાસભાઓમાં પ્રજાનું પ્રતિનિધિત્વ પણ વધાર્યું. અત્યાર સુધી ધારાસભામાં કુલ ૩૧ સભ્ય હતા. તેમાં પ્રજા તરફથી ચૂંટાયેલા સભ્યોની સંખ્યા માત્ર ૧૧ ની હતી. નવા સુધારા પ્રમાણે ધારાસભ્યોની સંખ્યા ૫૫ કરવામાં આવી, તેમાં ૩૭ પ્રજાએ ચૂંટેલા સભ્યો, ૯ અમલદારો અને ૯ રાજ્ય તરફથી નિમાયેલા બિનઅમલદારો એમ રાખવામાં આવ્યું. ૩૭ પ્રજાએ ચૂંટેલા સભ્યોમાંથી ર૭ સર્વ સામાન્ય મતદારમંડળે ચુંટવાના હતા અને ૧૦ ખાસ મતદાર મંડળો જેવાં કે જમીનદારો. ઈનામદાર, વેપારી મંડળ, ઉદ્યોગપતિઓનું મડળ, સહકારી મંડળીઓ તથા મજૂરોના પ્રતિનિધિઓએ ચુંટવાના હતા. એટલે ખાસ હિતોના પ્રતિનિધિઓ ૨૮ અને સર્વસામાન્યના પ્રતિનિધિઓ ર૭ એવી સ્થિતિ થતી હતી. વળી રાજ્યના કારોબારી અથવા પ્રધાનમંડળમાં એક પ્રધાનની પસંદગી મહારાજાએ ધારાસભાના બિનઅમલદાર સભ્યોમાંથી કરવાની હતી. આ પ્રધાનને લોકજ્ઞ પ્રધાન એવું નામ આપવામાં આવ્યું હતું. તેને કેળવણી, સ્થાનિક સ્વરાજ્ય, ગ્રામખિલવણી, આરોગ્ય તથા સહકારી મંડળીઓમાંથી એક અથવા વધારે ખાતાં સોંપવાનાં હતાં. આમ જવાબદાર રાજ્યતંત્રનો આછોપાતળો દેખાવ કરવામાં આવ્યો પણ સત્તાનાં સૂત્રો છેવટને સરવાળે તો મહારાજા અથવા તેમના પ્રતિનિધિ તરીકે દીવાનના હાથમાં જ રહેતાં હતાં.

સરદારનાં ભાષણો અને પ્રજામંડળમાં આવેલી જાગૃતિથી રાજ્યના બીજા અમલદારોમાં ગભરાટ ફેલાયો. રાજયનાં કેટલાંક ખુશામતિયાં છાપાં તેમની વહારે ધાયાં. સરદારે પોતાના ભાષણમાં કહેલું કે રાજ્ય બહારના અમલદારોને વધારે રાખે છે. સરદારે તો વડોદરા રાજ્યના વતનીઓ નહીં તેવા