પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦૬
સરદાર વલ્લભભાઈ

માણસોને વધારે રાખે છે એમ કહેલું, પણ તેનો અનર્થ કરી બહારના એટલે મરાઠાઓને રાખે છે અને ગુજરાતીઓને બાતલ રાખે છે એવો પ્રચાર આ છાપાંઓએ કરવા માંડયો. ભાદરણનાં અને બીજાં ભાષણોમાંથી કેટલાંક વાક્યોને વિકૃત કરી સરદારના મોંમાં મૂક્યાં. તેની સાથે ડૉ. ખરે તથા વીર નરીમાનને સરદારે ભારે અન્યાય કર્યાના આક્ષેપે તો હતા જ.

તા. ૨૦-૨-'૩ના રોજ વડોદરા શહેર અને જિલ્લા તરફથી માનપત્ર અને થેલી અર્પણ કરવા સરદારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે નનામી ઝેરી પત્રિકાઓ શહેરમાં વહેંચવામાં આવી અને પ્રાન્તાભિમાનની લાગણીને અપીલ કરી મહારાષ્ટ્રીઓને ઉશ્કેરવાનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં સરદારના માનમાં નીકળેલા સરધસ ઉપર ગુંડાઓને રોકી પથરા ફેકાવવામાં આવ્યા. સરદારની મોટર ઉપર પણ સારી પેઠે પથરા પડ્યા. છતાં નવાઈની વાત એ છે કે પોલીસ બિલકુલ વચ્ચે પડી નહીં અને તોફાન અટકાવવા કશા પ્રયત્ન તેના તરફથી કરવામાં આવ્યા નહીં. સાંજે જે સભા રાખી હતી તે પણ તોફાની લોકોએ ભરવા દીધી નહીં. સભા માટે આવેલી બહેનોની એ લોકોએ છેડતી કરવાની શરૂઆત કરી, પણ સ્વયસેવકોએ ફરી વળી તેમની આસપાસ મજબૂત સાંકળબંધી કરી અને તેમને સહીસલામત બહાર પહોંચાડી દીધી. છેવટે આ તોફાનીઓએ મંડપ વગેરેને તોડીફાડીને ખૂબ નુકસાન કર્યું. રસ્તામાં જે દુકાનવાળાઓએ સરદારના માનમાં પોતાને ત્યાં શણગાર કર્યા હતા તે બધા શણગાર તોડીફાડી બાળી મૂક્યા. ગુંડાઓએ કેટલીક દુકાનોને લૂંટવાનો પણ પ્રયત્ન કર્યો.

આમ તા. ૨૦ મીએ સરદારની સભા રમખાણને લીધે ન થઈ શકી. એટલે એ જ સભા તા. ૨૧મીએ અલકાપુરીમાં રાખવામાં આવી. આ સભામાં સરદારને વડોદરા રાજય પ્રજામંડળ તરફથી રૂ. રપ,૦૦૧ની થેલી આપવામાં આવી હતી જે તેમણે પ્રજામંડળના કાર્ય માટે વાપરવા પાછી આપી હતી. આ રકમમાં બીજાં વધુ નાણાં ભેગાં કરી પ્રજામંડળે જે ભાડાના મકાનમાં કચેરી ચાલતી હતી તે મકાન ખરીદી લીધું અને રૂ. ૧,૮૦,૦૦૦ ને ખર્ચે ત્રણ મજલાનું ભવ્ય મકાન બાંધ્યું. આ મકાનનું નામ શ્રી સરદાર ભવન અને મકાનના સભામંડપનું નામ અબ્બાસ હૉલ રાખવામાં આવ્યું. તે દિવસની સભા પણ ભાંગી પાડવાની પત્રિકાઓ તો નીકળી. કાળા વાવટા સાથેનું એક મોટું સરઘસ પણ શહેરમાં ફરી તોફાનો કરતું સભાભંગના નિશ્ચયથી અલકાપુરી પહોંચ્યું. પોલીસેએ આ સરઘસને પણ અટકાવ્યું નહીં, જોકે એ લોકો આ બીજા દિવસની સભા ભાંગી શક્યા નહીં. કારણ સભાસ્થાન આગળ પોલીસખાતાના ધણા વડા અમલદારો