પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સરદાર વલ્લભભાઈ


તા. ૩–૧૦-૩૦ના રોજ લખે છે :

“તમારો ખેડા જેલમાંથી લખેલે કાગળ મળ્યો હતો. ત્યાર પછી સાબરમતીથી કંઈ લખશો એમ માની રાહ જોતો હતો. પરંતુ તમને તો મહિનામાં એક જ કાગળ લખવાની છૂટ હોવાથી વખતે નહીં લખી શકાય એમ હશે. એટલે તમારી ખબર તો ચિ. ડાહ્યાભાઈ મળવા આવ્યા ત્યારે સૌ. નંદુબહેનનો કાગળ હતો તે ઉપરથી પડી. સાબરમતી ગયા પછી તમને તાવ આવેલો એમ તેમના કાગળ ઉપરથી જાણ્યું. હવે આરામ થઈ ગયો હશે. ત્યાં આ ઋતુમાં મલેરિયા હંમેશાં થાય છે. એટલે જરા સંભાળ રાખવી જોઈએ. પેટ સાફ આવે તે માટે ડૉક્ટર પાસેથી કંઈ દવા નિયમસર લેવી. એટલે કંઈ અડચણ નહીં આવે. સોબત તો કોઈ ને કોઈ મળી રહેતી હશે. સવિતાબહેન એક મહિના માટે ત્યાં આવ્યાં છે. ખેડાવાળા કોઈ ને કોઈ મોકલ્યાં જ કરશે એટલે સોબત મળી રહેશે.

“હિંદી અને મરાઠી તાજું કરી શકાય તો સારું. પણ તમારી પાસે તો કામ લેવામાં આવતું હશે એટલે પૂરતો વખત મળે કે નહીં એ ખબર નથી. કામમાં વખત જાય એ એક રીતે સારું જ છે. અહીં આવ્યા પછી તમે પૂણી મોકલાવી એટલે મેં તો પાછું ચાર શેર સૂતર ખેંચી કાઢ્યું છે. અહીંથી છૂટ્યા પછી કામમાં પડતા પહેલાં અમદાવાદ આવી એક વખત તમને મળી જઈશ. હવે એક મહિનો બાકી છે. . . . મહાદેવ તો મારા પહેલાં છુટ્યા હશે. છૂટીને તરત કામમાં પડતા પહેલાં મને મળી જાય તો ઠીક. ચિ. ડાહ્યાભાઈ આવતા અઠવાડિયામાં મળવા આવશે ત્યારે એમની જોડે ખબર મોકલાવીશ.

“તબિયત બરાબર સંભાળજો. બાપુની ગીતા અને આશ્રમભજનાવલિ સાથે હશે. તેને ઉપયોગ બરાબર કરજો. જેલના નિયમ બરાબર પાળવા. જેલર અને સુપરિન્ટેન્ડેન્ટને પણ આપણા વર્તનથી જીતી લેવાનો પ્રયત્ન કરવો.

“મારી તબિયત સારી છે. સાબરમતીમાં જેટલું વજન ગુમાવ્યું હતું તેટલું પાછું મેળવી બહાર નીકળવાની ઉમેદ છે. બાપુના ઉપર કાગળ લખવો હોય તો મને જુદો લખવાની જરૂર નથી. એમને જ લખવો. શિયાળામાં ટાઢ પડશે. તે વખતે કપડાં ઓઢવા માટે જોઈએ તો નંદુબહેનને ખબર આપજો. બાકી તો જેલમાંથી કામળા મળશે. એનો ઉપયોગ કરવો એ જ સારું.

“ચિ. ડાહ્યાભાઈ આવતા અઠવાડિયામાં શુક્રવારે કે શનિવારે આવવાનો છે. બિચારો એકલો બહાર રહ્યો છે એટલે મૂંઝાય છે. નોકરી છોડવાનો વિચાર કરી રહ્યો છે. મેં તો એને જેમ કરવું હોય તેમ કરવાની રજા આપેલી છે.

“જેલ કમિટીમાંથી વખતે કોઈ મળવા આવે તો તેમની સાથે પણ ઠીક સભ્યતાથી વાત કરવી. મિ. ડેવિસ વખતે તપાસ કરે તો કંઈ અડચણ હોય તો તેમને ખબર આપજો. બાકી તો જેલમાંથી બીજું શું લખવાનું હોય ? અને બીજું શું લખી શકાય ? એકબીજાની તબિયતના સમાચાર મળી શકે એટલે બસ. તમારી સાથે બીજી બહેનો હોય તેમની મહોબત કરજો, અને તેમને ખૂબ ધીરજ અને હિંમત આપજો.

લિ.
બાપુના આશીર્વાદ”