પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩

"અમને લીમડીના શહેરીઓ તથા ગામડાંના લોકો તરફથી સંખ્યાબંધ અરજીઓ મળી છે, જેમાં કહેવામાં આવે છે કે, 'અમને પ્રગ્નમંડળની નીતિ પસંદ નથી. વળી રાજ્યની પ્રજાને નામે પરિષદ બોલાવવાનો પ્રજામંડળને કશો હક્ક નથી. કારણ પ્રજામંડળ રાજ્યની પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા નથી, માટે પ્રજામંડળે બોલાવેલી તા. ૧૯મીની પરિષદ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ.' રાજ્યે મેળવેલા આંકડા પ્રમાણે રૈચતનો ૭૫ ટકા ભાગ પરિષદની વિરુદ્ધ છે. બાકી રહેલા રપ ટકાએ જોકે વિરોધ નોંધાવ્યો નથી તોપણ એ બધા પરિષદની તરફેણમાં હોય એમ માનવાને કારણ નથી. ઠાકોરસાહેબ સુધારા આપવા માટે તૈયાર છે અને ગામડાંમાં તો પંચાયતો સ્થાપીને સ્થાનિક સ્વરાજ આપી પણ દીધું છે. એટલે પણ પરિષદ ભરવાનું કશું કારણ નથી. રાજ્યના મોટા ભાગના લોકોનો સખત વિરોધ હોવા છતાં પરિષદ ભરવી એ સલાહ ભરેલું નથી. આવા સંજોગોમાં પરિષદ ભરવામાં આવે તો ગંભીર સ્થિતિ ઊભી થવાનો ભય છે. તેમ છતાં પરિષદ ઉપર પ્રતિબંધ મૂકીને રાજ્ય પ્રજાના પ્રાથમિક હક્કની આડે આવવા માગતું નથી. માત્ર એટલી ચેતવણી આપે છે કે ગંભીર પરિસ્થિતિ ઊભી થવાનો ભય હોવા છતાં પરિષદ બોલાવવામાં આવશે અને તેથી કંઈ તોફાનો થશે તો એની પૂરેપૂરી જવાબદારી પ્રજામંડળ ઉપર રહેશે.”

આ ઉપરાંત ગામડાંમાં એવી જાહેરખબરો ચોંટાડવામાં આવી કે તા. ૧૬-૨-'૩૯ના જાહેરનામાના અનુસંધાનમાં જણાવવામાં આવે છે કે, રાજ્યના બહુમતી લોકોની વિરુદ્ધ થઈને જે પરિષદ ભરવામાં આવે છે તેમાં ભાગ લેનાર રાજ્યના વિરોધી ગણાશે. સ્થાનિક અમલદારોએ તેમનાં નામઠામ લખી લઈ અમને ખબર આપવી.

સનાતન મંડળ તથા મુસ્લિમ જમાત પણ નિષ્ક્રિય નહોતી રહી. તેમણે તા. ૧૮મી ફેબ્રુઆરીએ એક પત્રિકા કાઢી તેમાં જણાવ્યું કે,

"પ્રજામંડળ કેવળ વાણિયાઓનું મંડળ છે અને રાજ્યના મોટા ભાગના લોકો તેની વિરુદ્ધ છે. એટલે રાજ્યની સનાતની પ્રજા તથા મુરિલમ પ્રજા પરિષદમાં દાખલ થઈને પોતાનો વિરોધ શાંતિપૂર્વક નોંધાવશે. જો વાણિયા મંડળ પરિષદના દરવાજા બંધ કરીને અથવા દરવાજા આગળ સાંકળબધી રચીને અમને જતા રોકશે તો અમે તે તોડીને જઈશું. અમે વાણિYઆ મંડળને ચેતવીએ છીએ કે, કોઈ પણ ભેગે અમે પરિષદના મંડપમાં દાખલ થવાના છીએ. અને તેમ કરતાં સુલેહનો ભંગ થશે તો તે માટે એ વાણિયા મંડળ જવાબદાર ગણાશે.”

આ જાતની ધમકીઓ છતાં, જુદાં જુદાં ગામડાંમાંથી, લગભગ પંદરસો ખેડૂતો તા. ૧૮મીની સાંજે છ વાગ્યે લીમડી આવી પહોંચ્યા. લીમડીના શહેરીઓએ એમનું સ્વાગત કરવા મોટા સરઘસના રૂપમાં સામૈયું કાઢ્યું. બીજી તરફથી સનાતન મંડળ તથા મુસ્લિમ જમાતને નામે લીમડી રાજયના ગુંડાઓ તથા તોફાની તત્ત્વોનું પણ એક સરઘસ નીકળ્યું. તેમાં