પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૪
સરદાર વલ્લભભાઈ

 રાજ્યના લગભગ બધા અમલદારો ભળ્યા. પ્રજામંડળના માણસોને મારવાનું ઠીક પડે અને એમ કરતાં રાજ્યના પડખિયાઓને માર ન પડી જાય તે માટે સનાતન મંડળવાળાને લાલ પટી અને મુસ્લિમ જમાતવાળાને લીલી પટી દેખાય તેવી રીતે રાખવા માટે આપવામાં આવેલી. પ્રજામંડળનું સરધસ જે રસ્તે જવાનું હતું તે જ રસ્તો પોતાને માટે તેમણે પસંદ કર્યો. કોઈ પણ જાતના અનિષ્ટ બનાવ ન બને તે માટે પ્રજામંડળે પોતાનું સરઘસ બીજે માર્ગે વાળી લીધુ અને અથડામણ ટાળી; તોપણ પેલા ગુંડાઓએ પ્રજામંડળના કેટલાક લોકોને હેરાન કર્યા તથા કેટલાક સ્વયંસેવકોને માર પણ માર્યો. ખેડૂતોના ઉતારાની ગોઠવણ પ્રજામંડળની ત્રણ છાવણીઓમાં કરવામાં આવી હતી. ગુડાઓ બસો બસોની ત્રણ ટુકડીઓમાં વહેચાઈ ગયા અને સાંજના છાવણીએાને ઘેરો ઘાલ્યો. છાવણીએાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. છતાં એ લોકોએ હથિયારો બતાવી, માર મારવાની ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું. છેવટે રાત્રે દશ વાગ્યે એક છાવણીમાં તેઓ ઘૂસી ગયા. ખેડૂતોને માર્યા, દીવાબત્તી બંધ કરી દીધી અને સર સામાન ખેરવિખેર કરી નાખ્યો. આખા શહેરમાં ગભરાટ ફેલાઈ ગયો. પ્રજામંડળના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો લોકોને ધીરજ આપવા માટે આખી રાત ગામમાં ફરતા રહ્યા. દરબાર સાહેબનાં પત્ની શ્રીમતી ભક્તિબા, આ પહેરો ભરનારાઓમાં મોખરે હતાં.

પરિષદના વરાયેલા પ્રમુખ દરબાર શ્રી ગોપાળદાસ પરોઢિયે અઢી વાગ્યાની ગાડીમાં લીમડી આવવાના હતા. તેમનું સ્વાગત કરવા પ્રજામંડળના આગેવાનો સ્ટેશને પહોંચ્યા તો ત્યાં જોયું કે જે ગુંડાઓ આગલી રાત્રે શહેરમાં તોફાન કરતા હતા તેઓ સ્ટેશને પહોંચી ગયા હતા. એ લોકો દરબાર ગોપાળદાસ તથા તેમના સાથીઓને ઘેરી વળ્યા તથા તેમને શહેરમાં જતા અટકાવ્યા. આ સમાચાર શહેરમાં પહોંચતાં શહેરમાંથી ઘણા આગેવાનો અને કાર્યકર્તાઓ સ્ટેશન ઉપર જવા નીકળ્યા. પણ પેલા ગુંડાઓએ તેમને રસ્તા ઉપર રોકીને સ્ટેશન તરફ જવા દીધા નહીં. ભક્તિબા એ ગુંડાઓની વચમાં ધસ્યાં. ગુંડાઓએ તેમને ખંજર અને તલવાર બતાવીને ડરાવવા માંડ્યાં પણ તેઓ ડર્યાં નહીં. એટલે તેમને સ્ટેશને જવા દીધાં. છેક સાડા પાંચ વાગ્યે રાજ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સ્ટેશને પહોંચ્યા અને પોતાના રક્ષણ નીચે દરબારસાહેબને શહેરમાં લઈ જવાનું તેણે કહ્યું. દરબારસાહેબ પોતાના સાથીઓને છોડીને જવા તૈયાર નહોતા. એટલે શહેરમાંથી એક મોટરબસ મંગાવવામાં આવી અને બધાંને સહીસલામત પહોંચાડવામાં આવ્યાં. રસ્તા ઉપરના ગુંડાઓ તેમને સંજ્ઞા મળતાં અદશ્ય થઈ ગયા હતા.