પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

જેવું નથી. (તે વખતે કુલ ૩,૦૦૦ હિજરતીઓ બહાર રહેલા હતા. બાકીના પોતપોતાને ગામ પાછો ફર્યા હતા.) લડતનું સંચાલન કરનારાઓને મારી સલાહ છે કે, આવા ઢીલા પડેલા લોકોને રાજ્યને શરણ થતા અટકાવવાનો પ્રયાસ તેઓ ન કરે. સમાજમાં એવા લોકો હોય છે કે જેઓ પોતાની માલમિલકતને પોતાની ઇજ્જત કરતાં વધુ વહાલાં ગણે છે. આવા લોકો કોઈ પણ સ્વાતંત્ર્યની ચળવળને બોજારૂપ જ હોચ છે. લીમડીમાંની જેમની માલમિલક્ત લુંટાઈ ગઈ છે તેમણે અધ્ધર સ્થિતિમાં અથવા તત્કાળ સમાધાન થવાની આશામાં ન જ રહેવું જોઈએ. તેઓ રાજ્ય બહાર રહી ઇજ્જતના ધંધારોજગાર કરે અને હંમેશાં દૃઢ શ્રદ્ધા રાખે કે, એક દિવસ એવો ઊગ્યે જ છૂટકો છે જયારે લીમડીની પ્રજા પોતાનું ખોયેલું પાછું મેળવશે. એ દિવસ આવશે- અને તે આવવો જ જોઈએ. એ પેલાં મૂઠ્ઠીભર્ ત્યાગી સ્ત્રી-પુરુષો જેમણે આકરામાં આકરી દમનનીતિ સામે શિર ઝુકાવવા ના પાડી છે, તેમના શરાતનનું અને ફનાગીરીનું ફળ હશે.

“ હું લીમડીના ઠાકોરસાહેબને જાહેર અપીલ કરવા ઇચ્છું છું .... ડાહ્યો રાજવી આવી પ્રજાને દુભાયેલી રાખતાં પહેલાં પચાસ વાર વિચાર કરે. એ તો એવા જ નિર્ણચ કરે કે આવા આવા લોકો આવડાં કષ્ટ માથે લઈ રહ્યા છે ત્યારે ખસૂસ રાજ્યવહીવટમાં સડો હોવો જોઈએ અને પોતાના અમલદારોનો જુલમ અને અન્યાય હોવો જોઈએ.”

પણ લીમડીના રાજ્યકુટુંબને સમાધાન કરવું જ નહોતું. રૂનો બહિષ્કાર લાંબો સમય ચાલુ રહ્યો અને કેટલાંક હિજરતી કુટુંબ આખર સુધી ટકી રહ્યાં.

પછી તો એ રાજા પણ મરી ગયા. એ યુવરાજ પણ મરી ગયા અને તેનો બાળકપુત્ર ગાદીએ આવ્યો ત્યારે ચક્રવર્તી સત્તાએ રીજન્સી કાઉન્સિલ નીમી. એ કાઉન્સિલમાં ફતેહસિંહ પણ એક સભ્ય હતા. એટલે રાજ્યનું વલણ કાંઈ સુધર્યું નહીં, પણ પછી તે કાઉન્સિલ બદલાઈ. એક જ વ્યક્તિને એડમિનિસ્ટ્રેટર તરીકે નીમ્યા ત્યારે તેણે પ્રજામંડળ સાથે સને ૧૯૪૪ કે ૧૯૪પના મે મહિનામાં સમાધાન કર્યું, જેને પરિણામે ખેડૂતોને તેમની બધી જમીન પાછી મળી અને હિજરતને અંત આવ્યો.

ભાવનગર

કાઠિયાવાડનાં દેશી રાજ્યોમાં ભાવનગર પ્રમાણમાં કંઈક ઉદાર અને પ્રગતિશીલ ગણાતું. એના મહારાજા પ્રજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા. એના માજી દીવાન સર પ્રભાશંકર પટ્ટણી સમયને પારખનારા હતા. ગાંધીજી સાથે તેઓ સારા સંબંધ રાખતા.

ત્યાંના પ્રજામંડળે તા. ૧૪-૫-’૩૯ના રોજ ભાવનગર પ્રજાપરિષદ ભરવાનું નક્કી કર્યું અને સરદારને એ પરિષદના પ્રમુખ તરીકે પસંદ કર્યા. સામાન્ય સંજોગોમાં તે એ પરિષદ શાંતિથી ભરાઈ ગઈ હોત અને બીજા