પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩

બંધાવરાવ્યો. પછી બીજા જે ભાઈઓ ઘાયલ થઈ ને આવ્યા હતા, તેમને મળી આશ્વાસન આપ્યું. જે ભાઈ મૃત્યુ પામ્યા હતા તેમની પાસે પણ જઈ આવ્યા. ત્યાંથી જ તે દિવસનો પરિષદનો કાર્યક્રમ રદ કરવાનો હુકમ આપ્યો. તોફાની લોકો એ ધારેલો મુખ્ય શિકાર આમ અકરમાત છટકી ગયો.

સરદારે ઉતારે પહોંચી ભાવનગરની પ્રજાજોગ નીચેનો સંદેશ બહાર પાડ્યો:

"ભાવનગરના પ્રજાજનોએ જે પ્રેમ અને ઉમંગથી મારું સ્વાગત કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું.

"આજના દુ:ખદ બનાવથી રોષે ભરાવાનું કે ગભરામણમાં પડવાનું કારણ નથી. જેઓએ સરઘસ ઉપર હુમલો કરી નિદોંષ માણસો ઉપર ઘા કર્યા તેએાએ ભાન ભૂલી કેવળ ગાંડપણથી જ આ કામ કરેલું છે. એમને જ્યારે ભાન આવશે ત્યારે પોતાની મૂર્ખાઈ માટે પસ્તાવો થવો. આપણે ભૂલવું ન જોઈએ કે કેટલાયે મુસલમાન આગેવાન પરિષદના સ્વાગત મંડળમાં જોડાયેલા છે. સરઘસમાં અને સ્વાગતમાં સામેલ થઈ તેમણે પરિષદને સહકાર અને સાથ આપેલ છે. આવાં નિર્દોષ બલિદાન ઉપર જ પ્રજાઘડતરની ઇમારત રચાય છે. જે ઘાયલ થયા છે અને જેમના પ્રાણ ગયા છે તેમના પ્રત્યે આપણી પવિત્ર ફરજ છે કે તેમના નિર્દોષ બલિદાનને આપણે રોષે ભરાઈ દૂષિત ન કરવું. સૌએ શાંતિ રાખવી. પરિષદના કાર્યમાં વધારે ઉત્સાહ અને પ્રેમથી ભાગ લઈ પરિષદ શાંતિથી અને સફળતાથી પૂર્ણ કરવી.”

ગાંધીજી તે વખતે રાજકોટ હતા. તેમને સરદારે નીચે પ્રમાણે તાર કર્યો :

“ સવારે અહીં પહોંચ્યો. બધા વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. મોટું સરધસ-મસ્જિદ આગળથી લગભગ પસાર થઈ ગયું હતું તે વખતે થોડા મુસલમાનો, મારી મોટર ત્યાં આવી પહોંચી હશે એમ માની પહેલેથી નક્કી કરેલી યાજના પ્રમાણે ધસી આવ્યા અને લાઠી, કુહાડી, તથા છરા વડે સરધસ પર હુમલો કર્યો. નાનાભાઈ મારી મોટરની આગળ હતા. તેમને મેલી રમતની કાંઈક ગંધ આવી. એટલે તેઓ મસ્જિદ આગળ ઊભા રહ્યા. પેલાઓએ તેમને ચાલ્યા જવાનું કહ્યું. પણ સરદારની મોટર સહીસલામત પસાર થઈ જાય નહીં ત્યાં સુધી ત્યાંથી ખસવા તેમણે ના પાડી. તરત જ તેમના માથા ઉપર લાઠીનો ફટકો પડ્યો. પછી લોહી નીતરતે માથે તેઓ મારી મોટર પાસે આવ્યા. બીજા ચારને પણ સખત ઈજા થઈ છે. એક મૃત્યુ પામ્યા છે. બીજા એકની સ્થિતિ બહુ ગભીર છે. સરઘસ અટકાવીને નાનાભાઈને મોટરમાં લઈ લીધા અને હોસ્પિટલ તરફ મોટર હુંકારાવી. ધા ઉપ૨ પાટો બંધાવ્યો. હવે સ્થિતિ સારી છે. પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે.”

બાપુએ આ તારનો જવાબ નીચે પ્રમાણે આપ્યો :

"( તાર વાંચી ) આભો બની ગયો. ઈશ્વર આપણને દોરશે. આશા રાખું છું નાનાભાઈ અને બીજા હવે સારા હશે. વધારે વિગતોની રાહ જોઉં છું.”