પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૨
સરદાર વલ્લભભાઈ

 પરિષદની સત્કાર સમિતિએ તરત જ એક જાહેર પત્રિકા કાઢી. તેમાં જણાવ્યું કે,

“ સરદાર સાહેબ તથા પરિષદની સત્કાર સમિતિ મૃત્યુ પામેલા તથા ઘાયલ થયેલા ભાઈઓ તરફ તથા તેમનાં કુટુંબ તરફ દિલસોજી પ્રદર્શિત કરે છે. કેટલાક મુસ્લિમ ભાઈઓ જેમણે એકાએક સરધસ ઉપર હુમલો કર્યો અને જેઓ આ ખેદજનક બનાવ માટે જવાબદાર છે તેમણે પોતાની કોમની સેવા તો નથી જ કરી. એમની કોમના આગેવાન પરિષદમાં જોડાયેલા છે. મુસ્લિમ કોમના આગેવાન પ્રતિષ્ઠિત વેપારીઓ તો સરદાર સાહેબનો સત્કાર કરવામાં અને તેમને હાર પહેરાવવામાં પણ હતા. આ કૃત્યથી તેઓ સૌ જરૂર દુ:ખી હશે. જેમણે આ ગાંડપણથી નિર્દોષ સ્વયંસેવકના પ્રાણ લીધા અને કેટલાકને ઘાયલ કર્યા તેમણે પ્રજાની ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે અને પોતાની કોમની બદનામી કરી છે.

"પરિષદનું કામકાજ રીતસર સાંજે ચાલુ થશે. સાંજે સાત વાગ્યે પરિષદના મંડપમાં તેની ખુલ્લી બેઠક શરૂ થશે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાઈ ગયાં છે. રાજ્ય તરફથી પણ પાકો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માટે ભાવનગરના શહેરીઓ તથા આવેલા મહેમાનોએ નિ:શંકપણે પૂરા ઉત્સાહથી પરિષદમાં ભાગ લેવા પધારવાનું છે. થોડા અવળે માર્ગે ચડેલા આપણા જ ભાઈઓના કૃત્યને કારણે, અથવા તો આપણા જુવાન સ્વયંસેવકો અને આગેવાનોના લોહીના શુદ્ધ બલિદાનને કારણે આપણે જે પવિત્ર યજ્ઞ પ્રજાહિતને માટે આરંભ્યો છે એ અટકવો જોઈએ નહીંમ્. તેમાં કોઈ જાતનું વિઘ્ન આવવું જોઈએ નહીંં. પરિષદનું કામકાજ સફળતાપૂર્વક પૂરું કરવામાં મદદગાર થવા રાજ્યના પ્રજાજનોને વિનંતી છે.”

બીજે દિવસે એટલે તા. ૧૫-૫-'૩૯ના રોજ ભાવનગરના મુસલમાનોની એક જાહેર સભા થઈ. તેમાં નીચે પ્રમાણે હરાવ પસાર થયો :

“ ભાવનગરના મુસ્લિમોની આ જાહેર સભા ગઈ કાલે બની ગયેલ બનાવ તરફ રોષની લાગણી જાહેર કરે છે અને માર્યા ગયેલનાં કુટુંબીજનો પ્રત્યે દિલસોજી પ્રગટ કરે છે. ભાવનગર રાજ્યમાં હિંદુમુસલમાન ભાઈ તરીકે રહેતા આવ્યા છે અને હજી ભાઈઓ જ છે.”

તા. ૧૪મી તથા ૧૫મીના રોજ પ્રજાપરિષદની બેઠક નિર્વિઘ્ને પૂરી થઈ. તા. ૧૬-૫-'૩૯ના રોજ સમોસરણના વંડામાં આ તોફાનો વિષે તથા તેમાં શહીદ થયેલા બે ભાઈઓનું સ્મારક કરવા માટે એક જાહેર સભા થઈ તેમાં સરદારે કરેલા ભાષણમાંથી મહત્ત્વના ફકરા નીચે આપ્યા છે :

"આજે આપણે અહીં આવ્યા છીએ તેનાં કારણો તમે જાણો છો. જે કમનસીબ બનાવ બન્યો તેને પરિણામે બચુભાઈનું મૃત્યુ થયું. શ્રી નાનાભાઈ વગેરે જેઓ ઘાયલ થયા તેમાં ભાઈ જાદવજીની સ્થિતિ પહેલેથી જ ગંભીર હતી. એનો ધા એટલે ઊંડો હતો કે એના મગજનો કેટલોક ભાગ બહાર નીકળી ગયો હતો. દાક્તરોએ સારી પેઠે એની સારવાર કરી, મહેનત કરી, પણ ભાઈ જાદવજી આજે ભાવનગરની સેવા કરતા ચાલ્યા ગયા. ગઈ કાલે બચુભાઈના સ્મારકનો પરિષદે ઠરાવ કર્યો. એ જ પ્રસંગે અને એ જ નિમિત્તે ભાઈ જાદવજીના પણ પ્રાણ ગયા