પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩

છે. આજે બપોરે પરિષદની મહાસમિતિની બેઠકમાં ઠરાવ પસાર થયો છે કે એમનું પણ સ્મારક કરવું. ભાવનગરને શોભે એવું સ્મારક પરિષદ કે મહાજન કરે. પરિષદ મહાજનની છે અને મહાજન પરિષદનું છે.

“ અંદર અંદરના કજિયાકંકાસ સમાવીને આવાં તોફાની તત્ત્વોને અળગાં પાડી દબાવી દેવા આપણે કશું ન કરીએ તો આપણા આખા સમાજ ઉપર તેઓ ચડી બેસે. આ કાળ એવો છે કે, ગુંડાઓ નાનાં નાનાં રાજ્યોને તો દબાવી દે આજે બધે વાયુમંડળમાં ગુંડાગીરી જોર પકડી રહી છે.

"આ ક્ષણિક ક્રોધમાં આવીને કરેલું કામ નથી. આની પાછળ તો અગાઉથી ગોઠવાયેલી બુદ્ધિપૂર્વકની રચના છે. કોઈ તમને શાણી સલાહ આપતા હશે કે આ વસ્તુને ભૂલી જાઓ. એ શાણી સલાહ સાંભળવામાં વાંધો નથી, પણ આપણે મુરખમાં કે કાચરમાં ન ખપાવું જોઈએ. હું બધી કોમોની એકતા ચાહું છું. પણ જો સાચી એકતા સાચવવી હોચ તો જે માણસો આ કરપીણ બનાવોની પાછળ છે તેનો તાગ લેવો જોઈએ. એના હદયમાં જ્યાં સુધી પસ્તાવાની લાગણી પેદા ન થાય ત્યાં સુધી આ વાતને છોડવી જોઈએ નહીંં. આપણે મૂરખ છીએ, નબળા છીએ, એમ ન થવું જોઈએ.

"જો સ્થાનિક મુસલમાનોનો મોટો ભાગ આમાં સામેલ ન હોય તો તેમને એ સાબિત કરી દેવામાં વાંધો ન આવે. તેઓ સહેજે ખાતરી કરાવી આપશે કે તેમની કોમને આ બનાવ સાથે સંબંધ નથી.

“જે માણસો ખૂની માણસોને સંધરતા હોય, આશ્રય આપતા હોય, અથવા એમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તો એ પણ એના જેટલા જ ભયંકર છે. એવા માણસોની પણ જોખમદારી સરખી જ છે. એની સાથે મિત્રાચારી ક્યાં સુધી રાખી શકાય એ આપણે વિચારી લેવાનું છે. સાપના દરમાં ક્યાં સુધી હાથ ઘાલવો એનું જોખમ વિચારી લેવું જોઈએ. આજે આપણે જ્વાળામુખીના શિખર પર બેઠા છીએ. તે વખતે કેવળ રાજ્યસત્તા ઉપર ભરોસો રાખીને બેસવું એ આંખ મીંચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે.

"રાજ્યને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. મુસલમાન કોમના આગેવાન માણસોને અધિકારીઓએ બોલાવ્યા હતા. તેમણે રાજ્યને ખાતરી આપ્યા છતાં આ થયું તેનો અર્થ તો એ છે કે રાજ્ય સાથે દગો રમાયો છે. એ ભેદ શોધી કાઢવો એ રાજ્યનું કર્તવ્ય છે. રાજ્યની એવી ઈચ્છા કે આવા પ્રસંગો ભુલાઈ જાય તો સારું, પણ આમ ભીનું સંકેલી મેળ બાંધવા જતાં ભવિષ્યમાં વધારે મોટું ગાબડું પડવાનો સંભવ છે. એટલે ગુનેગારોને પકડી કાવતરું કરનાર તત્ત્વોને શોધી કાઢવાં જોઈએ.

“ આ અરાજકતાનું વાતાવરણ ભાવનગરમાં જ છે એમ નથી. આખા હિંદુસ્તાનમાં આવું વાયુમંડળ છે. મારા પર પડનારા ઘા કોઈ બચુભાઈ કે જાદવજી જેવા ભાઈઓ લઈ લે છે. શ્રી નાનાભાઈને ઈશ્વરી પ્રેરણા મળી અને મારા ઉપર પડનાર ઘા એમણે ઝીલી લીધો. મારે માટે આ પહેલો પ્રસંગ નથી. મારી આસપાસ તો આવા પ્રસંગો આજકાલ થયા જ કરે છે. પણ મારી રક્ષા ઈશ્વર કરી લે છે.