પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૪
સરદાર વલ્લભભાઈ

“જે બનાવ બન્યો છે તેને અંગે કેટલાક મુસલમાનોને પકડવામાં આવ્યા છે. મસ્જિદમાંથી મળેલાં હથિયારો કબજે કરવામાં આવ્યાં છે. પોલીસની દોડધામ અને તપાસ ચાલુ છે. આને અંગે કેસ ચાલશે અને કેટલાકને શિક્ષા થશે. પછી અરજીઓ થશે. પણ તેથી ગફલતમાં રહેશો નહીં. તમારે તો નિરંતર સાવધાન ને જાગ્રત રહેવાનું છે.”

આમ સને ૧૯૩૮-૩૯ ના વરસમાં આપણા દેશનાં ઘણાંખરાં દેશી રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર મેળવવાની જબરી ચળવળ ચાલી અને તેમાં સરદારે આગેવાનીભર્યો ભાગ લીધો એ આપણે જોઈ ગયા. ત્રણ વખત તો - વડોદરામાં, અમરેલીથી રાજકોટ પાછા જતાં અને ભાવનગરમાં – એમના જાન ઉપર પણ જોખમ આવ્યું. પણ ઈશ્વરે એમની રક્ષા કરી લીધી. આ ચળવળોનું પરિણામ તત્કાળ તો આપણને સંતોષ થાય એવું ન આવ્યું. પણ તેને લીધે દેશી રાજ્યોની પ્રજાનો અને દેશી રાજાઓનો જે અંગત પરિચય સરદારને થયો અને દેશી રાજાઓ પણ સરદારને બરાબર ઓળખી શક્યા, તે વસ્તુ ૧૯૪૭માં સ્વાતંત્ર્ય મળ્યા પછી દેશી રાજયોનો પ્રશ્ન ઉકેલવામાં સરદારને બહુ કામ આવી.


ર૭
ત્રિપુરી કૉંગ્રેસ

જે વખતે ગાંધીજી રાજકોટમાં ઉપવાસ કરી રહ્યા હતા તે વખતે ત્રિપુરી કૉંગ્રેસનું અધિવેશન ચાલતું હતું. હિંદુસ્તાનમાં આવ્યા પછી પોતે જેલમાં હોય તે સિવાય કૉંગ્રેસના અધિવેશનમાં ગેરહાજર રહેવાનો ગાંધીજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. સરદારનું દિલ પણ ગાંધીજીને ઉપવાસ કરતા છોડીને ત્રિપુરી જતાં ખૂબ કચવાતું હતું. પણ કર્તવ્ય તેમને ત્યાં ખેંચતું હતું. ગાંધીજીનો પણ આગ્રહ હતો કે તમારું સ્થાન અત્યારે ત્રિપુરીમાં જ છે.

ત્રિપુરીની કૉંગ્રેસ માટેની પ્રમુખની ચૂંટણીએ ત્રિપુરી કૉંગ્રેસને તે વખત પૂરતું તો એક વિશેષ મહત્વ આપ્યું. કૉંગ્રેસની કારોબારીના મોટા ભાગના સભ્યો મૌલાના અબુલ કલામ આઝાદને કેંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટવા ઈચ્છતા હતા. આની અગાઉની હરિપુરા કોંગ્રેસના પ્રમુખ સુભાષબાબુની પોતાની ઈરછા ફરી વાર પ્રમુખ ચૂંટાવાની હતી. તેઓ પોતાને ઉદ્દામ વિચારના માનતા હતા. અને સાથે એમ માનતા હતા કે કારોબારીના મોટા ભાગના સભ્ય નરમ વિચારના છે. પોતે જેમને નરમ વિચારની ગણતા હતા તે