પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૬
સરદાર વલ્લભભાઈ

 તા. ૨૧મી જાન્યુઆરીએ પોત્ પ્રમુખ શા માટે થાય છે તે વિષેનું પોતાનું નિવેદન સુભાષબાબુએ બહાર પાડ્યું. સરદારને લાગ્યું કે કારોબારી સમિતિએ એ નિવેદનનો વિરોધ કરવો જોઈએ. એટલે એમણે કારોબારી સમિતિના બધા સભ્યોને નીચે પ્રમાણે તાર કર્યો :

“મને લાગે છે કે પ્રમુખપદની ચૂંટણી વિષેના સુભાષબાબુના નિવેદનની સામે કારોબારી સમિતિના જે સભ્યોને એમ લાગતું હોય કે એમને ફરીને બીજી વાર પ્રમુખ ચૂંટવા એ આવશ્યક નથી તેમણે નિવેદન બહાર પાડવું જોઈએ. મેં એક ટૂંકું નિવેદન તૈયાર કર્યું છે. તેમાં જણાવ્યું છે કે અપવાદરૂપ સંજોગોમાં જ એ ને એ વ્યક્તિની પ્રમુખ તરીકે ફરી ચૂંટણી થઈ શકે. સુભાષબાબુને ફરી ચૂંટવા માટે એવા કશા સંજોગો નથી. વળી સુભાષબાબુએ સમૂહતંત્ર વગેરે વિષે જે આક્ષેપો કર્યા છે એનો તેમાં રદિયો આપેલો છે. એમ પણ કહ્યું છે કે કૉંગ્રેસના કાર્યક્રમ અને કૉંગ્રેસની નીતિ પ્રમુખે નક્કી કરવાની નથી હોતી પણ કૉંગ્રેસે અથવા તો કૉંગ્રેસની મહાસમિતિએ નક્કી કરવાની હોય છે. આ નિવેદનમાં ડો. પટ્ટાભીને ચૂટવાની ભલામણ કરી છે અને સુભાષબાબુને અપીલ કરી છે કે પ્રમુખની ચૂંટણીના પ્રશ્ન ઉપર કૉંગ્રેસીઓમાં ભેદ ન પડાવે. નિવેદન ઉપર સહી મૂકવાની તમારી સંમતિ તારથી આપો.”

ઉપરના તારના જવાબમાં કારોબારી સમિતિના બીજા છ સભ્યોની સંમતિ આવી ગઈ. પણ શરદબાબુએ વાંધો લીધો. તા. ૨૪મીએ તેમણે સરદારને નીચે મુજબનો તાર કર્યો :

"આજે સવારે તાર મળ્યો. મૌલાના તથા સુભાષનાં નિવેદનો સિલહટ જતાં વાંચ્યાં. મારો મત એવો છે કે મૌલાનાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી ડૉ. પટ્ટાભીને ઊભા કરવા એ ઇચ્છવાજોગ નથી. આવતું વરસ ૧૯૩૭ના કરતાં બધી દૃષ્ટિએ વધારે કટોકટીનું અને અપવાદરૂપ છે. મારી દૃઢ માન્યતા છે કે કારોબારી સમિતિના કોઈ સભ્ય સાથીઓ વચ્ચેની હરીફાઈમાં કોઈનો પક્ષ લેવો જોઈએ નહીંં. તમે કાઢવા ધારેલું નિવેદન નરમ પક્ષ અને ગરમ પક્ષ વચ્ચેના કજિયાને જેને ટાળવો જોઈએ, તેને વધારનારું થશે. ડૉ. પટ્ટાભી આવતી લડતમાં દેશન્ વિશ્વાસ મેળવી શકશે નહીં. મહેરબાની કરીને કૉંગ્રેસમાં ફૂટ ન પડાવો.”

તે જ દિવસે સરદારે એમને તારથી નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“ તમારા તારની કદર કરું છું. કેવળ ફક્ત કર્તવ્યબુદ્ધિ જ નિવેદન બહાર પાડવાની ફરજ પાડે છે. વિરોધ વ્યક્તિનો નથી પણ સિદ્ધાંતનો છે. જો હરીફાઈ અનિવાર્ય જ હોય તો હું આશા રાખું છું કે કશી કડવાશ વિના અને હેતુઓનું આરોપણ કર્યા વિના એ થશે. એના એ પ્રમુખને બીજી વાર ચૂંટવા એ દેશના હિતમાં નુકસાનકારક છે.”

તા. રપમીએ શરદબાબુએ નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“ ગઈ રાત્રે તમારે તાર મળ્યો. આજે સવારનાં પત્રોમાં તમારું અને કારોબારીના છ સભ્યોનું નિવેદન જોયું. આપણી વચ્ચે થયેલો તારવહેવાર છાપાંમાં આપવા માગું છું. આશા રાખું છું કે તમને વાંધો નહીં હોય.”