પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૭
ત્રિપુરી કૉંગ્રેસ


સરદારે જવાબ આપ્યો કે પ્રગટ કરવાને કશે વાંધો નથી.

સરદાર સાથે કુલ સાત સભ્યોની સહીથી ૨૪-૧-'૩૯ના રોજ બહાર પડેલું છાપાંગુ નિવેદન નીચે પ્રમાણે હતું :

“સુભાષબાબુનું નિવેદન અમે બહુ કાળજીપૂર્વક વાંચ્યું છે. અમે જાણીએ છીએ ત્યાં સુધી અત્યાર સુધી પ્રમુખની ચૂંટણી સર્વાનુમતે થતી આવી છે. સુભાષબાબુ નવો શિરસ્તો પાડવા માગે છે. તેમ કરવાનો તેમને પૂરેપૂરો હક છે. પણ તેમણે જે માર્ગ સ્વીકાર્યો છે, તે કેટલે દરજ્જે ડહાપણભરેલો છે તે તો અનુભવે જણાશે. અમને એ વિશે ભારે શંકાઓ છે. કૉંગ્રેસના સભ્યોમાં વધારે સંગઠન આવે, વધારે સહિષ્ણુતા આવે અને એકબીજાના અભિપ્રાય વિષે વધારે આદરની વૃત્તિ સેવાતી થાય ત્યાં સુધી પ્રમુખની ચૂંટણી માટે હરીફાઈ થાય એ અમને ઇષ્ટ લાગતું નથી. સુભાષબાબુના નિવેદન વિષે કાંઈ પણ કહેતાં અમને સંકોચ થાય છે. પણ આવતી કૉંગ્રેસના પ્રમુખ કોણ થાય એ વિષે અમારા અભિપ્રાય દૃઢ હોઈ અમને લાગે છે કે અમે કાંઈ ન બોલીએ તે અમારી ફરજ અમે ચૂકીએ.

“ મૌલાના સાહેબે આ હરીફાઈમાંથી નીકળી જવું યોગ્ય ધાયું છે, તે માટે અમને બહુ દુ:ખ થાય છે. એમણે નીકળી જવાનો છેવટનો નિશ્ચય કર્યો ત્યારે અમારામાંના કેટલાકની સાથે મસલત કરીને ડૉ. પટ્ટાભીની એમણે હિમાયત કરી છે. આ નિર્ણય સારી પેઠે મસલત કર્યા પછી લેવાયો છે. બહુ અપવાદરૂપ સંજોગો સિવાય ગઈ કૉંગ્રેસના પ્રમુખને ફરી વાર પ્રમુખ ન ચુંટવાના નિયમને વળગી રહેવું એ અમને બહુ ડહાપણભરેલી નીતિ લાગે છે.

" પોતાના નિવેદનમાં સુભાષબાબુ જણાવે છે કે પોતે સમૂહતંત્રના ભારે વિરોધી છે. કારોબારી સમિતિના બધા જ સભ્યો તેના વિરોધી છે. કૉંગ્રેસની નીતિ પણ એવી જ છે. તેમણે વિચારસરણીઓ, નીતિઓ અને કાર્ચક્રમની પણ વાત કરી છે. અમને લાગે છે કે કૉંગ્રેસના પ્રમુખની પસંદગીનો વિચાર કરવામાં આ વસ્તુઓ અપ્રસ્તુત છે. કૉંગ્રેસની નીતિ અને કાર્યક્રમનો નિર્ણય તેના દર વરસે ચૂંટાતા પ્રમુખોએ કરવાનો હોયો નથી. જો એમ હોત તો તો બંધારણ પ્રમાણે પ્રમુખના હોદ્દાની મર્યાદા એક વરસની રાખવામાં આવી ન હોત. કૉંગ્રેસની નીતિ અને કાર્ચક્રમો જ્યારે કૉંગ્રેસે પોતે નક્કી કરેલાં નથી હોતાં ત્યારે કારોબારી સમિતિ નક્કી કરે છે. પ્રમુખની સ્થિતિ તો સભાપતિ જેવી હોય છે. આ ઉપરાંત બંધારણીય રાજાની માફક પ્રમુખ એ રાષ્ટ્રની એકતા અને સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના પ્રતીકરૂપ હોય છે. તેથી જ એ પદ મોટા માનનું ગણાય છે અને દર વરસે ચૂંટણી કરીને રાષ્ટ્ર પોતાનાં પનોતાં સંતાનોને એ માન આપે છે.

“ એ ઉચ્ચ પદના ગૌરવને છાજે એવી રીતે પ્રમુખની ચૂંટણી હુંમેશાં સર્વાનુમતે થાય છે. એટલે નીતિ અને કાર્યક્રમના ભેદને કારણે પણ ચૂંટણી વિષે વાદવિવાદ થાય એ ઇચ્છવા જેવું નથી. અમે માનીએ છીએ કે કૉંગ્રેસના પ્રમુખપદ માટે ડૉ. પટ્ટાભી સુયોગ્ય પુરુષ છે. કૉંગ્રેસની કારોબારી સમિતિના જૂનામાં