પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૪
સરદાર વલ્લભભાઈ


ઉપાડવાનો છે. તા. ૯-૨-'૩૯ના રોજ કારોબારી સમિતિની બેઠક વર્ધા મુકામે મળી. સુભાષબાબુને તાવ આવતો હોવાથી એ બેઠકમાં તેઓ હાજરી આપી શક્યા નહીંં. કારોબારી સમિતિના ૧૫ સભ્યોમાંથી ૧૩ સભ્યોએ એ બેઠકમાં જ પોતાનાં રાજીનામાં આપી દીધાં. સુભાષબાબુએ તા. ર૬-૨-'૩૯ના કાગળથી એ સ્વીકારી લીધાં.

પ્રમુખની ચૂંટણી પહેલાં અને પછીથી પણ, એ વિષે વર્તમાનપત્રોમાં જે ચર્ચા ચાલી તેથી કૉંગ્રેસીઓમાં તીવ્ર મતભેદ પડ્યા. નેતાઓમાં પણ એકબીજા પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. એવી દુ:ખદ પરિસ્થિતિમાં ત્રિપુરી કોંગ્રેસનું અધિવેશન ભરાયું. કમનસીબે તે વખતે જ સુભાષબાબુ બીમાર પડી ગયા હતા. તેઓ ત્રિપુરી પહોંચ્યા ત્યારે પથારીવશ હતા. તેમના સ્વાગત માટે આખા પ્રાંતમાંથી હાથીઓ ભેગા કરી, આ બાવનમું અધિવેશન હતું માટે, બાવન હાથી જોડેલા રથમાં તેમને બેસાડી તેમનું સરઘસ કાઢવાનું હતું. પણ સુભાષબાબુની સ્થિતિ રથમાં બેસી શકે અને સરઘસમાં ફરી શકે એવી નહોતી. એટલે રથમાં તેમની છબી મૂકીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. કારોબારી સમિતિએ રાજીનામાં આપી દીધાં હતાં એટલે એને તો મળવાપણું હતું જ નહીં. મહાસમિતિ અને વિષયવિચારિણી સમિતિની બેઠક થઈ. તેમાં વાદવિવાદવાળા ઠરાવો બે હતા. એક પ્રમુખ તરફનો સરકારને સવિનય ભંગની નોટિસ આપવાનો, અને બીજો જૂની કારોબારી સમિતિના બહુમતી સભ્યોનો. બીજો ઠરાવ પં. ગોવિંદ વલ્લભ પંતે રજૂ કર્યો અને વિષયવિચારિણી સમિતિએ મોટી બહુમતીથી એ પસાર કર્યો.

બીજે દિવસે કૉંગ્રેસનું ખુલ્લું અધિવેશન થયું. પણ સુભાષબાબુ બીમારીને કારણે તેમાં હાજરી આપી શક્યા નહીં. મૌલાના અબુલ કલામ આઝાદને કામચલાઉ પ્રમુખ નીમવામાં આવ્યા. સુભાષબાબુનું પ્રમુખ તરીકેનું ભાષણ વાંચી સંભળાવવામાં આવ્યું. ઠરાવોની બાબતમાં કેટલાક જણે એવી દરખાસ્ત કરી કે પ્રમુખ ગેરહાજર છે માટે ઠરાવો રજૂ કરવાનું માંડી વાળવામાં આવે. પણ આવડા મોટા અધિવેશનને મુલતવી રાખવાનું મૌલાના સાહેબને યોગ્ય ન લાગ્યું. એટલે તેમણે નિર્ણય આપ્યો કે ઠરાવો ભલે રજૂ કરવામાં આવે. પણ એના ઉપર વધારે વાદવિવાદ કરવાનું તથા મત લેવાનું બીજે દિવસે જ્યારે પ્રમુખ આવે ત્યારે કરવામાં આવે. આ વાત કેટલાકને ગમી નહી અને તેમણે ઘોંધાટ કરવા માંડ્યો. ઘોંધાટ કરનારાઓ જોકે થોડા હતા પણ તેમણે ધમાલ બહુ મચાવી. જવાહરલાલજી તે વખતે મંચ ઉપર ઊભા હતા તેમણે લોકોને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યો. બીજા લોકો શાંત થઈ ગયા એટલે હજારોની મેદની વચ્ચે આ ઘોંધાટ કરનારાઓ જુદા પડી