પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૭
ત્રિપુરી કૉંગ્રેસ

અધિવેશનને બીજે દિવસે શરદબાબુએ પોતે રાજકુમારી અમૃતકોરને કહેલું કે સુભાષબાબુની તબિયત જોતાં બીજા બધા નેતાઓ તો મુખ્ય ઠરાવ મુલતવી રાખવાની તરફેણમાં હતા. પણ એકલો મારો જ તેમની સામે વાંધો હતો. મારું એ વલણ દ્વેષભરેલું હતું. પણ મેં રાજકુમારીને ખાતરી કરી આપી કે આ વસ્તુ તદ્દન ખોટી છે. ખરી વસ્તુસ્થિતિ શી હતી તે તેમને નજરે જોવા પણ મળી, ત્યારે તેઓ શરબાબુને મળ્યાં અને તેમને જણાવ્યું કે મારે વિષે તેમના ઉપર પડેલી છાપ તદ્દન ખોટી હતી. પછી શરદબાબુ મને મળ્યા ત્યારે તેમણે મને કહ્યું કે મને ખોટી માહિતી મળી હતી અને મેં તમને અન્યાય કર્યો તે માટે હું દિલગીર છું. . . . પ્રધાનો ઉપરનો તેમના આક્ષેપ ગંભીર છે. તેની તો બરાબર તપાસ થવી જોઈએ. પ્રધાનોએ પોતાના હોદ્દાની લાગવગ એક પક્ષે વાપરી એમ તેઓ કહે છે તેનો અર્થ હું સમજી શકતો નથી. તેમના ચારિત્ર્ય ઉપરનો આવા આક્ષેપ એમ ને એમ રહેવા દેવો જોઈએ નહીં. મેં તો આવો આક્ષેપ શરદબાબુના કાગળમાંથી પહેલી વાર જ જોયો. હું માની લઉં છું કે એ આક્ષેપ પુરવાર કરવાને એમની પાસે પૂરતી સાબિતીઓ હશે.”

જવાહરલાલજીએ પણ શરદબાબુને લાંબો જવાબ આપ્યો. ત્યાર પછી કારોબારી સમિતિની નિમણુક બાબત તથા કૉંગ્રેસના કાર્યક્રમ બાબત ગાંધીજી અને સુભાષબાબુની વચ્ચે લાંબો પત્રવહેવાર તથા તારવહેવાર ચાલ્યો. તા. ૩૧મી માર્ચે સુભાષબાબુને કાગળ લખીને ગાંધીજીએ પોતાનો છેવટનો અભિપ્રાય જણાવી દીધો. તેમાં લખ્યું કે :

"પં. ગોવિંદ વલ્લભ પંતના ઠરાવને તમે નિયમ બહારનો ગણો છો અને તેમાંના કારોબારી સમિતિની નિમણૂક બાબતના ભાગને તદ્દન ગેરબંધારણીય અને ગેરકાયદે ગણો છે એટલે તમારો માર્ગ તદ્દન સાફ છે. કમિટીની તમારી પસંદગીમાં કોઈની કશી દખલ હોવી જોઈએ નહીંં.

“ ગયા ફેબ્રુઆરી માસમાં આપણે મળ્યા ત્યાર પછી મારો એ અભિપ્રાય દૃઢ થયો છે કે જ્યાં સિદ્ધાંતની બાબતમાં મતભેદ હોય ત્યાં મિશ્ર કમિટી નીમવાથી નુકસાન છે. કૉંગ્રેસની મહાસમિતિમાં બહુમતી તમારી નીતિને ટેકો આપનારી છે એ ગૃહીત કરી લઈએ તો તમારી નીતિ સાથે જેઓ સંમત હોચ તેવાઓની જ કારોબારી સમિતિ તમારે નીમવી જોઈએ.

"ફેબ્રુઆરીમાં આપણે સેવાગ્રામમાં મળ્યા ત્યારે મેંં જે વિચારો દર્શાવેલા તેને આજે પણ હું વળગી રહું છું. તમારી જાત ઉપર દમન કરવામાં ભાગીદાર થવાનો ગુનો હું કદી કરું નહીંં. તમે સ્વેચ્છાએ શૂન્યવત બનવાનું પસંદ કરો એ જુદી વાત છે. પણ જે વિચારમાં દેશનું ઉત્તમ હિત રહેલું છે એમ દૃઢતાપૂર્વક તમે માનતા હો એ વિચારને તમે જતો કરવા તૈયાર થાઓ તેને હું આત્મદમન કહું છું. તમારે જો પ્રમુખ તરીકે કામ કરવું જ હોય તો તમને પૂરેપૂરી મોકળાશ હોવી જોઈએ. દેશની પરિસ્થિતિ જોતાં વચલા માર્ગને માટે અવકાશ નથી.

"ગાંધીવાદીઓ (એ ખોટા શબ્દનો પ્રયોગ કરું તો) તમારા માર્ગમાં અંતરાય નાખશે નહીં. જ્યાં તેમનાથી બની શકશે ત્યાં તમને મદદ કરશે. જ્યાં