પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૭
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

રાજેન્દ્રબાબુએ સર સેમ્યુઅલના જવાબમાં એક જ વાત કહી :

“ બહારની કોઈ દખલગીરી વિના સર્વસંમત બંધારણ તૈયાર કરવાની બ્રિટિશ સરકાર હિન્દીઓ ઉપર જવાબદારીઓ નાખે અને એને કાયદાથી માન્ય કરવાનું વચન આપવામાં આવે તો એ ખરી દરખાસ્ત કહેવાય. એના વિના લઘુમતીઓને રક્ષણ આપવાની વાતો તો પોતાની સત્તા છે તેમ ચાલુ રાખવાના બહાના જેવી દેખાય છે. ”

૨૯
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધા પછી કૉંગ્રેસીઓ ખાસ કરીને જુવાન વર્ગ સ્વાભાવિક રીતે જ એવી માગણી કરવા લાગ્યો કે હવે કાંઈ જબ્બર પગલું આગળ ભરવું જોઈએ. ગાંધીજી પ્રજાની નાડ બરાબર હાથમાં પકડીને બેઠા હતા. તેમણે તા. ૩૦-૧૦-'૩૯ ના રોજ 'હવે પછી ?' એ નામનો લેખ લખી પરિસ્થિતિનું પૃથકકરણ કર્યું તથા એ વિષે પોતાનું વલણ શું છે એ જાહેર કર્યું :

"બ્રિટિશ સરકાર જોડે ઊભા થયેલા પ્રસંગને અંગે જવાબદારી જેવડો ભાર હું અત્યારે અનુભવી રહ્યો છું તેવડો અગાઉ કદી પણ મેં અનુભવ્યો નથી. કૉંગ્રેસ પ્રધાનમંડળનાં રાજીનામાં પડવાં જરૂરી હતાં, પણ આગળનું પગલું મને કોઈ રીતે સ્પષ્ટ કળાતું નથી. કોંગ્રેસીઓ જબ્બર પગલાંની અપેક્ષા રાખતા જોવામાં આવે છે. કેટલાક પત્રલેખકો મને જણાવે છે કે હું હાકલ કરું એટલી જ વાર છે. આખા દેશમાંથી અગાઉ કદી ન મળેલો એવો જવાબ મને મળશે. વળી તેઓ મને ખાતરી આપે છે કે લોકો અહિંસક રહેશે. એમનાં લખાણમાં અપાયેલી ખાતરી ઉપરાંત તેમના કથનના ટેકામાં મને બીજી કશી સાબિતી મળી નથી. એનાથી વિરુદ્ધનો પુરાવો મારી પાસે ઢગલા મોઢે પડ્યો છે. અહિંંસાને તેમાંથી ફલિત થતા તમામ અર્થ સાથે કૉંગ્રેસીઓ માને છે અને વખતોવખત મળનારી સૂચનાઓને તેઓ વગર આનાકાનીએ પાળવાના છે એવી મને ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતના સવિનય ભંગમાં હું હાથ નાખું તેમ નથી.

"કૉંગ્રેસીઓમાં અહિંસાના પાલનને અગેની અનિશ્ચિતતા હોવા ઉપરાંત બીજી મહત્ત્વની બીના એ છે કે મુસ્લિમ લીગ અત્યારે કૉંગ્રેસને મુસલમાનની શત્રુ ગણે છે. આ બીના સવિનય ભંગ મારફત સફળ અહિંસક ક્રાંતિ કરવાનું કોંગ્રેસને સારુ લગભગ અશક્ય કરી મૂકનારી છે. કારણ કે આનો અર્થ નક્કી હિન્દુ-મુસલમાન રમખાણો એ થાય છે. . . .

“હું ચોક્કસ માનું છું કે જેકે બ્રિટિશ સરકારે પોતાનાં કાર્યોથી લડાઈને અંગે સહકાર આપવાનું કૉંગ્રેસને સારુ અશક્ય કરી મૂક્યું છે, તો પણ કૉંગ્રેસે