પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૮
સરદાર વલ્લભભાઈ

તેને લડાઈ ચલાવવાના કામમાં મૂંઝવવી ન જોઈએ. . . . મારા અત્યારના અભિપ્રાયને વળગી રહીને મને સવિનય ભંગ શરૂ કરવાની ઉતાવળ નથી. હાલ તુરતને માટે કૉંગ્રેસીઓને મારી સુચના એટલી છે કે તેઓ કૉંગ્રેસમાંથી તેની નબળાઈઓને દૂર કરીને તેના તંત્રને મજબૂત બનાવે. હું તો હજુયે કોમી એકતા, અસ્પૃશ્યતાનિવારણ અને રેંટિયાના જૂના કાર્યક્રમમાં જેવો ને તેવો ચુસ્તપણે માનું છું. પહેલા બે સિવાય અહિંસાનું પાલન અશકય છે એ દેખીતું છે. વળી જો ભારતવર્ષનાં ગામડાં બચવાનાં ને સુખી થવાનાં હશે તો રેંટિયો પણ ઘેરે ઘેર ગુંજ્યે જ છૂટકો છે. રેટિયો અને તેની પાછળ રહેલી તમામ વસ્તુઓ, એટલે કે ગામડાંની કળાકારીગરીના ઉદ્ધાર સિવાય ગ્રામસંસ્કૃતિ અશક્ચવત છે. આમ રેંટિયો એ અહિંસાનું સર્વોપરી પ્રતીક છે. તેની આરાધનામાં કૉંગ્રેસીઓ પોતાના બધો સમય રોકી દે તેમાં કશું જ અજુગતું નથી. જો આ વસ્તુ તેમના હૈચાને ન હલાવી શકે, તો કાં તો તેમનામાં અહિંસા નથી, અથવા તો હું અહિંસાનો કક્કો જાણતો નથી. રેંટિયાનો પ્રેમ એ જો મારી એક નબળાઈ જ હોય તો તે પ્રેમ એવો તો સર્વોપરી છે કે તે મને સેનાપતિપણું કરવાને સારુ નાલાયક કરી મૂકે. મારી નજરમાં રેંટિયો સ્વરાજની યોજના જોડે – ખરેખર જીવન જોડે એકરૂપ થઈ ગયો છે. સ્વરાજની આખરી અને નિર્ણયાત્મક ઠરે એવી આ લડતને આરંભકાળે આખું ભારતવર્ષ મારી લાચકાત બરાબર સમજી લે એ યોગ્ય છે.”

ત્યાર પછી તા. ૧લી નવેમ્બરે વાઈસરૉયે ગાંધીજીને મુલાકાત માટે બોલાવ્યા. રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુને તથા જનાબ ઝીણાને પણ તેમણે આમંત્રણ આપ્યું. આ મુલાકાતમાં વાઈસરૉયે એક નવી જ સુચના કરી. તેમણે કહ્યું કે, “તમે તમારી અંદર અંદર મસલત કરીને પ્રાન્તિક સરકારો પરત્વે કોઈ પણ જાતની સમજૂતી ઉપર આવવાના રસ્તા શોધી કાઢો, અને તે વિષેની દરખાસ્તો મારી આગળ મૂકો. તેમાંથી તમારી બંને કામના પ્રતિનિધિઓને કારોબારી સમિતિના સભ્ય તરીકે મધ્યવર્તી સરકારમાં ભાગ લેવાનું બની શકશે.” જોકે એવું સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું નહોતું પણ એનો અર્થ ઉધાડો હતો કે પ્રાંતોમાં તમે સંયુક્ત પ્રધાનમંડળ રચો તો મધ્યવર્તી સરકારમાં પણ સંયુક્ત કારોબારી સમિતિ બનાવવાનું સહેલું પડે.

ત્યાર પછી વાઇસરૉયે તા. ૫મીએ રેડિયો ઉપર ભાષણ કર્યું. તેમાં લઘુમતીઓને રક્ષણ આપવાની બ્રિટિશ સરકારની જવાબદારીનું જૂનું ગાણું ગાયું. વળી રાજેન્દ્રબાબુ અને જનાબ ઝીણા સાથે પોતાનો થયેલો પત્રવ્યવહાર પ્રાસ્તાવિક ટીકા સાથે પ્રગટ કર્યો. તેનો જવાબ આપતાં તા. ૮-૧૧-'૩૯ના રોજ ગાંધીજીએ જણાવ્યું કે,

"હિંદ પર બ્રિટનના યુદ્ધહેતુઓની સ્વીકારવા જોગ ચોખવટ ન થાય ત્યાં સુધી કશો ઉકેલ અશક્ય છે. અત્યાર સુધી કરવામાં આવેલી જાહેરાતો અહીં શુંં કે વિલાયતમાં શું-જૂની ઘરેડની જ છે. સ્વાતંત્ર્યપ્રેમી હિંદ તેને શકની નજરથી જુએ છે. તેને ભરોસો પડતો નથી. જો સામ્રાજ્યવાદ સાચે જ