પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૧
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

“આપણે જો પ્રજાશાહી સરકાર જોઈતી હોય તો એ આવશ્યક છે કે લઘમતીએ બહુમતીના શાસનને આધીન થવું જોઈએ. આપણા દેશમાં દરરોજ એ પ્રમાણે બને છે. આપણે પ્રજાશાહી સ્વીકારીએ, પ્રજાશાહી પદ્ધતિ સ્થાપિત કરીએ તો અમુક વર્ગ, અમુક પક્ષ કે અમુક જાત બહુમતીમાં આવવાની જ અને પ્રજાશાહી પદ્ધતિનું એ પરિણામ આપણે સ્વીકારવું જ પડવાનું. અત્યારે આપણને ગમતું હોય કે ન ગમતું હોય પણ બ્રિટિશ હિન્દમાં કૉંગ્રેસ પક્ષ બહુમતીમાં છે એ નિર્વિવાદ છે. …
“હું એમ કહેવા માગું છું કે આપણે એક તરફથી એવો દાવો કરીએ કે આ યુદ્ધ અમે સ્વતંત્રતા અને પ્રજાશાહીને માટે લડીએ છીએ; અને બીજી તરફથી બ્રિટિશ સામ્રાજ્યના અમુક ભાગને, જે આપણે કબૂલ કરીએ છીએ અને ગવર્નર જનરલ પોતે પણ કબૂલ કરે છે કે સ્વરાજ માટે પૂરેપૂરો લાયક છે, તેને એ વસ્તુ આપવાની ના પાડીએ, તો હિન્દુસ્તાનના લોકો જરૂર કહેશે કે અનેક દાખલાઓમાં આ એક વધારો થાય છે જ્યાં બ્રિટન કહે છે એક વસ્તુ અને કરે છે બીજી વસ્તુ.
“હિન્દી કૉંગ્રેસે આપણા યુદ્ધહેતુઓની અને હિન્દુસ્તાન વિષેના આપણા ઇરાદાઓની સ્પષ્ટતા કરવાની જે માગણી કરી છે તેને આપણે શું જવાબ આપવો જોઇએ ? હું સુચવું છું કે આપણો જવાબ નીચે મુજબનો હોવો જોઈએ, અને તે આપણે અત્યારે જ આપવો જોઈએ :
(૧) હુિન્દુસ્તાનના લોકોને ખાતરી આપવી જોઈએ કે હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનું આપણું તાત્કાલિક ધ્યેય છે.
(૨) બ્રિટિશ હિન્દુસ્તાન માટે નવી મધ્યવર્તી ધારાસભાની અત્યારે જ ચૂંટણી કરવાની આપણે સંમતિ આપવી જોઈએ. હું તેમાં કશી મુશ્કેલી જોતો નથી. એક નામદાર સભ્ય કહે છે કે હિન્દુસ્તાનમાં અત્યારે ચૂંટણી ન થઈ શકે. ક્વિબેકમાં જો અત્યારે ચૂંટણી થઈ શકી છે તો હિન્દુસ્તાનમાં કેમ ન થઈ શકે ? અમલદારો બીજા કામમાં રોકાયેલા હોય તો ચૂંટણી માટે થોડા નવા અમલદારો રાખો.
(૩) ધારાસભામાં જે પક્ષ બહુમતીમાં આવે તેણે સરકાર રચવી જોઈએ. વાઈસરૉયે એમને પોતાની કારોબારી કાઉન્સિલ તરીકે નીમવા જોઈએ.
(૪) એ વાત ખરી છે કે કાયદા પ્રમાણે અને અત્યારના બંધારણ પ્રમાણે કારોબારી સમિતિ એ પ્રધાનમંડળ ન કહેવાય. પણ બ્રિટિશ સરકાર એવી ખોળાધરી આપે કે ધારાસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી નિમાયેલી કારોબારી સમિતિને એ જાણે પ્રધાનમંડળ હોય એમ વાઈસરૉય બધી મહત્ત્વની બાબતમાં ગણશે. એટલે કે રાજા જેમ પ્રધાનમંડળની સલાહ સ્વીકારે છે તેમ વાઈસરૉય પણ આ કારોબારી સમિતિની સલાહ સ્વીકારશે. આમ કરતાં આ પૃથ્વી ઉપરની કઈ ચીજ આપણને રોકી શકે એમ છે ?


    ગણાવતા હોય એવા બધા વર્ગોને ગણીએ તો કૉંગ્રેસ જ બિનકૉંગ્રેસી બહુમતીના ભયમાં આવી પડવાનો ખરું જોતાં સંભવ છે.