પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ગાંધી-અર્વિન કરાર — લડતની તહકૂબી

ગાંધીજી અને કારોબારીના સભ્યો બહાર આવ્યા, તે વખતે પંડિત મોતીલાલજી ગંભીર બીમાર હતા. એટલે ગાંધીજી તેમને મળવા માટે સીધા અલ્લાહાબાદ પહોંચ્યા. અલ્લાહાબાદ જઈને તેમણે કારોબારીના છૂટેલા તથા બહાર હતા તે બધા સભ્યોની સભા બોલાવી. બે કે ત્રણ દિવસમાં લગભગ ત્રીસેક સભ્યો ત્યાં પહોંચી ગયા અને હવે શું કરવું તેની મસલત શરૂ થઈ. ૫ં. મોતીલાલજી મસલતમાં ભાગ લઈ શકે એવી સ્થિતિમાં નહોતા. ગાંધીજીને તેમણે જણાવ્યું કે, “મહાત્માજી, હું તો હવે થોડી વારમાં ચાલ્યો. સ્વરાજ જોવાનું મારા નસીબમાં નથી. પરંતુ હું જાણું છું કે તમે તો તે જીતી ચૂક્યા છો, અને થોડા જ સમયમાં એ તમારા હાથમાં આવશે.” ફેબ્રુઆરીની છઠ્ઠીની સવારે ૫ં. મોતીલાલજીનો દેહાંત થયો. તે જ દિવસે ગોળમેજીમાં ગયેલા આપણા નેતાઓ મુંબઈને કિનારે ઊતર્યા. શ્રી શાસ્ત્રી તથા સપ્રુ મુંબઈથી સીધા અલ્લાહાબાદ પહોંચ્યા. તેઓએ લંડનમાં જે થયું હતું તેનો બધો હેવાલ કારોબારી સમિતિ આગળ કહી સંભળાવ્યો. કારોબારીના સભ્યોએ તેમની ઠીક ઠીક ઊલટતપાસ કરી. એને પરિણામે આમાંથી કશું નીપજવાનું નથી એવી કારોબારીના સભ્યોની ખાતરી થઈ, અને તા. ૨૧મી જાન્યુઆરીના રોજ કૉંગ્રેસની કારોબારીએ જે ઠરાવ કર્યો હતો તે જ ઠરાવ ઉપર બધા છૂટેલા સભ્યો પણ કાયમ રહ્યા. પેલા ભાઈઓએ ગાંધીજીને સૂચના કરી કે તમારે વાઈસરૉયને કાગળ લખી એક મુલાકાતની માગણી કરવી જોઈએ અને એમની સાથે ખુલ્લા દિલથી વાતચીત કરવી જોઈએ. કારોબારીના સભ્યો તથા ગાંધીજીને પણ આમાંથી કશું પરિણામ આવશે એવી આશા તો નહોતી, છતાં પોતાનું વલણ સામા પક્ષને સમજાવવાની એક પણ તક જતી ન કરવી જોઈએ એવી ગાંધીજીની કાર્યપદ્ધતિ અનુસાર તેમણે વાઈસરૉયને કાગળ લખ્યો. વાઈસરૉયનો જવાબ તાબડતોબ આવ્યો કે મળવા આવો. એટલે ગાંધીજી તા. ૧૬મી ફેબ્રુઆરીએ દિલ્હી ઊપડ્યા. કારોબારીને કહેતા ગયા કે સમાધાનની બાબતમાં વાઈસરૉય સાથે જરા પણ આશાપ્રદ વાતચીત થશે તો હું કારોબારીને દિલ્હી બોલાવી લઈશ. વાઈસરૉય સાથેની પહેલી મુલાકાતમાં જ ગાંધીજીને કાંઈક આશા બંધાઈ અને તેમણે કારોબારીને દિલ્હી બોલાવી. ત્યાર પછી ત્રણ અઠવાડિયાં સુધી વાઈસરૉય સાથેની વાટાઘાટો આશાનિરાશા વચ્ચે

૪૧