પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૩
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

પ્રશ્નને તેમણે પૂરેપૂરો જાણ્યો. વાતચીતનો આરંભ કરતાં જ ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે કૉંગ્રેસની કારોબારી સમિતિ તરફથી તેઓ કોઈ આદેશ લઈને આવ્યા નહોતા. એટલે તેને બંધનરૂપ થઈ પડે એવી કશી વાત કરવાની તેમને સત્તા નહોતી. તેઓ પોતાના વ્યક્તિગત નાતે જ વાત કરી રહ્યા હતા.
“ના. શહેનશાહની સરકારની દરખાસ્ત અને ઈરાદાઓ ના. વાઈસરૉયે કંઈક વિગતથી રજૂ કર્યા. પ્રથમ તો તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે હિંદુસ્તાનને વહેલામાં વહેલી તકે વસાહતી દરજ્જો (ડોમિનિઅન સ્ટેટસ) મળે એવી બ્રિટિશ સરકારની અંતરની ઇચ્છા છે અને એ દરજ્જો પ્રાપ્ત થાય તે માટે પોતાની સત્તામાં હોય તે બધા ઉપાયો તે લેવા તૈયાર છે. પણ આ બાબતમાં કેટલાક મુદ્દાઓનું નિરાકરણ કરવામાં, ખાસ કરીને રક્ષણના મુદ્દાની બાબતમાં, મુશ્કેલીઓ અને ગૂંચવણો રહેલી છે તે તરફ તેમણે ધ્યાન ખેંચ્યું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વખત આવશે ત્યારે હિંદુસ્તાનમાંના બધા પક્ષો અને બધાં હિતોના પ્રતિનિધિઓની સાથે સલાહમસલત કરીને અને પ્રશ્ન તપાસી જવા માટે ના. શહેનશાહની સરકાર બહુ તૈયાર છે. વચગાળાનો સમય ટૂંકાવવાની અને શક્ય તેટલી સફળતાથી તે ઓળંગી જવાની ના. શહેનશાહની સરકારની બહુ આતુરતા છે.
“ના. વાઈસરોયે એ વસ્તુ તરફ પણ ધ્યાન ખેંચ્યું કે વડોદરાના ભાષણમાં તાજેતરમાં જ પોતે જણાવ્યું હતું તેમ ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટની સમૂહતંત્રની યોજના જોકે હાલતુરતને માટે મુલતવી રાખવામાં આવી છે, તોપણ તેમાં વસાહતી દરજ્જા માટે ઉતાવળામાં ઉતાવળું પગલું સમાયેલું છે. તેની સાથે હિતસંબંધ ધરાવતા સઘળાની સંમતિથી તેનો સ્વીકાર થાય તેમાં આ વસ્તુને લગતા ઘણા પ્રશ્નોનું નિરાકારણ સમાયેલું છે.
“તેમણે એ પણ ઉમેર્યું કે ગયા નવેમ્બરમાં ગવર્નર જનરલની કારોબારી સમિતિનો, તે વખતે દર્શાવેલા ધોરણે વિસ્તાર કરવાની જે ઑફર તેમણે કરી હતી તે હજી પણ ખુલ્લી જ છે, અને ના. શહેનશાહની સરકાર તેને તત્કાળ અમલમાં મૂકવા તૈયાર છે.
“લાગતાવળગતા પક્ષોની સંમતિને આધીન રહીને ના. શહેનશાહની સરકાર સમૂહતંત્રની યોજનાની વાત ફરી ઉઘાડવા પણ તૈયાર છે. જેથી કરીને યુદ્ધ પછી વસાહતી દરજ્જાની સ્થાપના ત્વરિત કરી શકાય અને તેમાંથી ઊભા થતા મુદ્દાઓનું નિરાકરણ સહેલું થઈ શકે.
“ગાંધીજીએ આ દરખાસ્તો જે વૃત્તિથી મૂકવામાં આવી હતી તે વૃત્તિ પ્રત્યે કદ૨ વ્યક્ત કરી પણ તેની સાથે સાફ જણાવ્યું કે પોતાના વિચાર પ્રમાણે કૉંગ્રેસની પૂરેપૂરી માગણીને તે પહોંચી વળતી નથી. તેમણે સૂચવ્યું અને ના. વાઈસરૉયે સ્વીકાર્યું કે આ સંજોગોમાં, ઊભી થયેલી મુશ્કેલીઓનું નિરાકરણ શોધવાના હેતુથી વધુ વાટાઘાટો કરવાનું હાલ તુરત માટે બંધ રાખવામાં આવે એ પસંદ કરવા જોગ છે.”

મુલાકાતને બીજે દિવસે એટલે છઠ્ઠી ફેબ્રુઆરીએ ઇંગ્લંડ અને અમેરિકાના પત્રકારોનું મોટું મંડળ ગાંધીજીને મળ્યું. એ પત્રકારોમાં