પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૫
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

“વસાહતો અને હિન્દ એ બેની વચ્ચે કશી સમાનતા નથી. હિન્દનો દાખલો તદ્દન સ્વતંત્ર અને નિરાળો છે એમ સમજીને એનો વિચાર કરવો જોઈએ. એ સ્પષ્ટ સમજવાની જરૂર છે કે જે કોયડા રજૂ કરવામાં આવે છે તે એકેએક બ્રિટને પેદા કરેલા છે. જે બન્યું છે તે બેશક સામ્રાજ્યશાહીને સારુ આવશ્યક હતું. પણ જો સામ્રાજ્યવાદ મરણ પામે તો બ્રિટને પેદા કરેલા કોયડા આપોઆપ ઊકલી જાય. દેશની રક્ષા એ એમનો મોટામાં મોટો કોયડો છે. પણ બ્રિટને હિંદને નિઃશસ્ત્ર શા સારુ કર્યું છે ? હિન્દી સિપાઈઓ તેમના પોતાના જ દેશમાં પરદેશી કેમ બની ગયા છે ? બ્રિટને રાજાઓને શા માટે નિપજાવ્યા અને કદી ન સાંભળેલી એવી સત્તાઓ તેમને શા સારુ આપી ? બેશક પોતાનો પગ કાયમનો કરવા માટે. જબરદસ્ત યુરોપિયન હિતો કોણે અને શા માટે પેદા કર્યાં ? આ ચાર સામ્રાજ્યશાહીના બુરજ હતા અને હજી છે. શબ્દોની કોઈ પણ જાતની જાળ કે પ્રપંચ આ નગ્ન સત્યને ઢાંકી શકે એમ નથી. બ્રિટન જ્યારે હિન્દ ઉપરનો પોતાનો અનીતિનો કબજો ભગીરથ પ્રયત્ન કરીને તજી દેવાનો નિરધાર કરશે ત્યારે અચૂક તેનો નૈતિક વિજય થશે. પછી, જેમ રાત પછી દિવસ આવે છે તેમ એનો બીજો વિજય પણ ખચીત થશે. કેમ કે એમ બનશે ત્યારે આખા જગતનો અંતરાત્મા એના પક્ષમાં ભળશે. આજે આપવા કાઢી છે એવી કોઈ પણ આળપંપાળ હિન્દના હૃદયને કે જગતના અંતરાત્માને હલાવી શકે એમ નથી.”

આ બધી વાટાઘાટોના સાર તા. ૧૦–૩–’૪૦ના રોજ નવસારીમાં આપેલા એક ભાષણમાં સરદારે પોતાની વિલક્ષણ ઢબે નીચે પ્રમાણે આપ્યો છે :

“જેને નાઝીઝમ કહે છે, જેમાં લોકશાસનનો નાશ રહેલો છે, તેનો વિજય હિન્દુસ્તાન નથી ઇચ્છતું. મિત્રરાજ્યોનો પરાજય પણ હિંદુસ્તાન નથી ઇચ્છતું. એટલે અમે વાઈસરૉયને યુદ્ધહેતુઓ વિષે પૂછવાનો નિર્ણય કર્યો. એનો જવાબ અત્યાર સુધી સીધો ન મળ્યો. પણ હવે મળવા લાગ્યો છે કે, તમે લાયક છો? જાઓ, મુસ્લિમો સાથે એટલે કે મુસ્લિમ લીગ સાથે ફેંસલો કરીને આવો. એ થાય તો પછી કહે કે, “રાજાઓ સાથે ફેંસલો કરી આવો.” એ થાય તો પછી અહીં અંગ્રેજોના આટલા બધા હિતસંબંધો છે, રેલવે છે, આટલું ધન ખરચ્યું છે એનું શું, એ વિચાર આવે. આમ બે બિલાડીઓની માફક, કોમ કોમને એ લડાવવા માગે છે.
“દુનિયામાં બીજે ક્યાંય નથી એટલા રાજાઓ અહીં છે, એ અમે કબૂલ કરીએ છીએ. હિન્દુ-મુસલમાન વચ્ચે મેળ નથી, એ પણ કબૂલ કરશું. હા, ધન અહીં દાટેલું છે. પણ એ તમારું કે અમારું ? આ બધા ઝઘડાનું મૂળ તમે છો. તમે એ દાખલા કર્યા છે. એ અમે દાખલા સાથે બતાવ્યું છે.
“કોમોનો ભેદ દાખલ કર્યો ત્યારે અમે ઘણો વિરોધ કરેલ કે, આ કોમી બટવારો એ ઝેરનો પ્યાલો છે. હવે મુસલમાનો આજે એમ કહે છે કે, આમાં અમને તો કશું મળતું નથી, હિન્દુઓનું જ ચાલે છે.
“અલ્લાહાબાદમાં હિંદુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી, બધા એકઠા થયા અને ફેંસલો કર્યો કે, આપણને કોમી મતદારમંડળો ન જોઈએ, અને મુસલમાનો જે માગે તે આપવું. પણ તરત જ ત્યાંથી હિંદી વજીરે મુસલમાનોને તાર કર્યો કે,