પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૭
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

એટલે યુદ્ધને લીધે પેદા થયેલી કટોકટી વિષે તથા સવિનય ભંગ વિષે રામગઢ કૉંગ્રેસના ઠરાવમાં નીચે પ્રમાણે જાહેર કરવામાં આવ્યું :

“યુદ્ધમાંથી હિન્દને અળગું રાખવા માટે અને પરદેશની ધૂંસરીમાંથી હિન્દને મુક્ત કરવાના કૉંગ્રેસના સંકલ્પનો અમલ કરવા માટે, જે પ્રાન્તોમાં કૉંગ્રેસની બહુમતી હતી તે પ્રાંન્તોના પ્રધાનો પાસે કૉંગ્રેસે રાજીનામાં અપાવ્યાં. આ પ્રારંભિક પગલાની પછી સ્વાભાવિક રીતે જ બીજું પગલું સવિનય ભંગનું આવે. એ માટે કૉંગ્રેસ બરાબર સંગ્રઠિત થઈ જાય કે તરત અથવા તો એવા સંજોગો ઊભા થાય જે એકદમ કટોકટી ઊભી કરે તો તેવે પ્રસંગે ખચકાયા વિના એ પગલું કૉંગ્રેસ લેશે. ગાંધીજીએ જાહેર કર્યું છે કે સવિનય કાયદાભંગ ઉપાડવાની જવાબદારી તેઓ ત્યારે જ લેશે જ્યારે તેમને ખાતરી થાય કે કૉંગ્રેસીઓ કડક રીતે શિસ્તનું પાલન કરવા અને સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞામાં દર્શાવેલું રચનાત્મક કાર્ય કરવા તૈયાર છે. એ વસ્તુ તરફ કૉંગ્રેસ સઘળા કૉંગ્રેસીઓનું ધ્યાન ખેંચે છે.
“કૉંગ્રેસના પ્રયત્ન બધા વર્ગના અને બધી કોમોના લોકોનું જાતિ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના પ્રતિનિધિત્વ કરવાનો અને તેમની સેવા કરવાનો છે. હિંદુસ્તાનના સ્વતંત્ર્ય માટેની લડત એ પ્રજા સમસ્તની મુક્તિ માટેની લડત છે. તેથી કૉંગ્રેસ એવી આશા સેવે છે કે બધા વર્ગો અને બધી કોમો તેમાં ભાગ લેશે. સવિનય કાયદાભંગનો હેતુ આખા રાષ્ટ્રમાં બલિદાન આપવાનો જુસ્સો પેદા કરવાનો છે.
“કૉંગ્રેસ મહાસમિતિને અને એવો પ્રસંગ ઊભો થાય અને જરૂર પડે તો કારોબારી સમિતિને સત્તા આપે છે કે ઉપરના ઠરાવનો અમલ કરવાને માટે પોતાને યોગ્ય લાગે તેવાં પગલાં પોતે લઈ શકે.”

કૉંગ્રેસનો ઠરાવ પસાર થઈ ગયા પછી પ્રમુખની વિનંતીથી ગાંધીજીએ આખી પરિસ્થિતિ ઉપર હૃદય હલાવી નાખે એવું ભાષણ કર્યું, એના છેવટના ભાગમાં કૉંગ્રેસીઓને તેમણે ગંભીર ચેતવણી આપી, તે ભાગ નીચે આપ્યો છે:

“હું જાણું છું કે મારા વિના તમે નહીં લડો. પણ તમે જાણી લેજો કે હું તો કરોડો દરિદ્રનારાયણોને ખાતર જ જીવું છું ને તેમને અર્થે જ મરવા ઇચ્છું છું. તેથી તેમના પ્રતિનિધિ તરીકે જ હું અહીં બેઠો છું ને તેમના પ્રતિનિધિ તરીકે જ હું લડી શકું. તેમના પ્રત્યેની મારી વફાદારી બીજી તમામ વફાદારીઓની ઉપર છે. તમે મારો ત્યાગ કરી કે મને પથરાથી છૂંદી છૂંદીને મારી નાખો તોપણ હું રેંટિયાને છોડવાનો નથી. કારણ કે હું જાણું છું કે રેંટિયાની શરત ઢીલી કરું તે જ ઘડીએ મૂંગા દરિદ્રનારાયણને માથે પાયમાલી ઊતરશે ને ઈશ્વર મારી પાસે એનો જવાબ માગશે. તેથી જો તમને રેંટિયામાં મારા જેવી શ્રદ્ધા ન ઊપજી શકતી હોય તો હું તમને વીનવું છું કે મને છોડો. રેંટિયો સત્ય અને અહિંસાનું બાહ્ય પ્રતીક છે. સત્ય અહિંસાની તમારા અંતરમાં પ્રતિષ્ઠા નહીં હોય તો રેંટિયો પણ તમને નહીં ખપે. યાદ રાખો કે બહારની તેમ જ અંતરની બંને શરતો તમારે પાળવાની છે. અંતરની શરત પાળશો તો વિરોધીનો દ્વેષ તમે છોડશો, એના નાશના રસ્તા નહીં તાકો, તે માટે નહીં