પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૮
સરદાર વલ્લભભાઈ

મથો, પણ એને સારુ ઈશ્વરની કરુણા ભાખશો. સરકારનાં કુકર્મોની વહી વાંચવા પાછળ એકાગ્ર ન થજો. કારણ એના કરવૈયાઓનો આપણે હૃદયપલટો કરવો છે. તેમને પણ અંતે મિત્ર બનાવવા છે. સ્વભાવે કરીને તો કોઈ જ દુષ્ટ નથી. અને જો બીજા છે તો આપણે શું ઓછા છીએ ? આ મનોવૃત્તિ સત્યાગહના મૂળમાં રહેલી છે. એ તમને કબૂલ ન હોય તો હું તમને વીનવું છું કે મારો ત્યાગ કરો. કારણ કે મારા કાર્યક્રમમાં શ્રદ્ધા વિના અને મારી શરતો સ્વીકાર્યા વિના તમે આમાં પડશો તો મને બરબાદ કરશો, જાતે બરબાદ થશો અને દેશના કાર્યને બરબાદીએ પહોંચાડશો.”

આ જ અરસામાં બીજા બે મોટા બનાવો બન્યા તેની નોંધ લઈને આ પ્રકરણ પૂરું કરીશું.

રામગઢની કૉંગ્રેસ વખતે રામગઢમાં જ એક બીજી મોટી પરિષદ સુભાષબાબુની આગેવાની નીચે ભરાઈ. એનું નામ સમાધાન વિરોધી પરિષદ એવું રાખવામાં આવ્યું હતું. સુભાષબાબુના મત અને વિચારો જોડે જેમને કશી લેવાદેવા નહોતી એવા પણ ઘણા જાતજાતના એમાં એકઠા થયા હતા. એ બધાને કૉંગ્રેસની કારોબારી સમિતિ પ્રત્યે રોષ હતો. એટલે જ એનો વિરોધ કરવાની આ તક તેમણે સાધી હતી. એ લોકો કૉંગ્રેસ કારોબારી સમિતિની સામે એ પ્રચાર કરી રહ્યા હતા કે એ તો બ્રિટિશ સરકાર જોડે સમાધાન કરવાને ખડે પગે તૈયાર છે અને દેશના હિતને ભોગે પણ, એ સમાધાન કરી લેશે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે જે માનભરી રીતે અને દેશનું હિત સાધીને સમાધાન થતું હોય તો એવા સમાધાનનો કૉંગ્રેસને કશો વાંધો નહોતો. દેશનું ભલું કઈ રીતે થાય એટલી જ કૉંગ્રેસને તો ઈંતેજારી હતી. પણ વિરોધના પોકારો જ કરવાના હોય ત્યાં સ્વાભાવિક રીતે જ લોકોની કમી પડતી નથી. એટલે સુભાષબાબુવાળી પરિષદ સારી પેઠે ધામધૂમથી થઈ. અને તેણે કૉંગ્રેસનો પેટભરીને વિરોધ કર્યો. પણ સુભાષબાબુ પોકળ વિરોધ કરનારા નહોતા. આગળ ઉપર લાગ સાધીને તેઓ હિંદુસ્તાન બહાર ચાલ્યા ગયા અને હિંદને સ્વતંત્ર કરવાના ઉદ્દેશથી જર્મની તથા જાપાન સાથે ભળ્યા. ત્યાં તેમણે આઝાદ હિંદ ફોજ સ્થાપી. પણ છેવટે તેમનો પ્રયત્ન નિષ્ફળ ગયો. એ વિગતોમાં અહીં ઊતરવાની જરૂર નથી.

બીજી મહત્વની ઘટના તે આ જ અરસામાં લાહોર મુકામે મળેલી મુસ્લિમ લીગની પરિષદ હતી. જ. ઝીણા અને મુસ્લિમ લીગના બીજા આગેવાનો કેટલાક વખતથી મુસલમાનો અને હિંદુઓ એ બે ભિન્ન પ્રજાઓ છે અને હિંદુસ્તાનના બે ભાગલા પાડી નાખ્યા સિવાય દેશમાં શાંતિ સ્થપાઈ શકવાની નથી, એમ કહેતા હતા. લાહોરમાં મુસ્લિમ લીગના વાર્ષિક અધિવેશને આ વસ્તુ સ્વીકારી લીધી અને પાકિસ્તાનનો ઠરાવ કર્યો.