પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે

શિયાળા દરમ્યાન યુરોપની લડાઈ કાંઈક ધીમી ચાલતી હતી, પણ ૧૯૪૦ના એપ્રિલ મહિનાના આરભમાં જર્મનીએ પશ્ચિમ ઉપર જબરદસ્ત આક્રમણ શરૂ કર્યુંં. બેલ્જિયમ, હોલૅન્ડ, ડેનમાર્ક અને નૉર્વે એ દેશોએ એક પછી એક થાડા જ દિવસોમાં શરણાગતિ સ્વીકારી. પછી ફ્રાન્સ ઉપર તેણે ચડાઈ કરી. એની મદદમાં ઇંગ્લંડે પોતાની તૈયાર રાખેલી તમામ ફોજ ફ્રાન્સમાં ઉતારી. પણ ફ્રાન્સ અને ઇંગ્લંડનાં લશ્કરો જર્મની સામે ઝીક ઝીલી શક્યાં નહીં. ચૌદમી જૂને ફ્રાન્સ પડ્યું. બ્રિટિશ ફોજ બહુ ખુવારી વેઠીને ડંકર્કથી મહામુસીબતે ઈગ્લંડ ભેગી થઈ શકી. ઇંગ્લંડમાં ભારે ખળભળાટ થયો. ચેમ્બરલેન પ્રધાનમંડળે રાજીનામું આપ્યું અને બધા પક્ષનું મિશ્ર પ્રધાનમંડળ રચવામાં આવ્યું. મિ. વિન્સ્ટન ચર્ચિલ વડા પ્રધાન થયા. મિ. એમરી હિન્દી વજીર થયા. જર્મનીએ ઇંગ્લંડ ઉપર ભારે હવાઈ આક્રમણ શરૂ કર્યું, અને ઇંગ્લંડ ઘેરાય જેવી દશામાં આવી પડયું. છતાં ઇંગ્લંડના આ નવા પ્રધાનમંડળના હિન્દ પ્રત્યેના વલણમાં કશો ફેર પડ્યો નહીં.

આ સ્થિતિમાં કૉંગ્રેસે કેવું વલણ લેવું એ નક્કી કરવાનો મોટો પ્રશ્ન કારોબારી સમિતિ આગળ આવ્યો. તેની બેઠક જૂનની ૧૭મીએ વર્ધામાં થઈ. ઈંગ્લંડ પોતે જ જર્મની સામે ટકશે કે કેમ એ, તે વખતે શંકાસ્પદ હતું. એટલે પરદેશી આક્રમણ અને અંદરની અનવસ્થા સામે પોતાનો બચાવ પોતે જ કરી લેવાની તૈયારી રાખવી જોઈએ એવી હિન્દની સ્થિતિ હતી. કૉંગ્રેસે બ્રિટિશ પાસેથી સ્વરાજ મેળવવા માટે અહિંસાની નીતિ સ્વીકારેલી હતી પણ પોતાના હાથમાં રાજસત્તા આવે તે વખતે અથવા તો દેશના રક્ષણને માટે અથવા તો પરદેશી આક્રમણ સામે દેશનો બચાવ કરવા અથવા તો આંતરિક અંધાધૂંધી સામે લોકોનું રક્ષણ કરવા તે લશ્કરનો ઉપયોગ ન જ કરે એવું કંઈ કૉંગ્રેસે નક્કી કરેલું નહોતું.

ગાંધીજીની સ્થિતિ જુદી હતી. અહિંસા તેમને માટે એક નીતિ નહોતી પણ ધર્મ હતો. હર કોઈ હાલતમાં તેઓ અહિંસાને વળગી રહેવાના નિશ્ચયવાળા હતા. અને દેશની આમજનતા તેમાં એમને પૂરો સાથ આપશે એ તેમને વિશ્વાસ હતો. ૧૯૩૮ના સપ્ટેમ્બરમાં જ્યારે યુરોપમાં લડાઈના ભણકારા સંભળાતા હતા ત્યારે દિલ્હીમાં મળેલી કારોબારી સમિતિ આગળ

૪૬૯