પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૦
સરદાર વલ્લભભાઈ

તેમણે એ પ્રશ્ન ઊભો કર્યો હતો કે, “કૉંગ્રેસે ૨૦ વરસ સુધી પોતાની આંતરિક નીતિ તરીકે અહિંસાને અપનાવી છે. હવે એવો સમય આવી પહોંચ્યો છે જ્યારે કૉંગ્રેસે અહિંસાના પ્રયોગોનો વિસ્તૃત ક્ષેત્રમાં અમલ કરવાને તૈયાર થવું જોઈએ.” તેમણે કારોબારી સમિતિને કહ્યું કે, “તમારે જાહેર કરવું જોઈએ કે સ્વતંત્ર હિંદુસ્તાન પણ હિંસાને તિલાંજલિ આપશે અને દેશનું રક્ષણ કરવા માટે પણ લશ્કર રાખશે નહીં.” ગાંધીજીનો ઉદ્દેશ અહિંસાનો સંદેશ દુનિયાને પહોંચાડવાનો હતો, પોતાના દેશ પાસે જ તેઓ અહિંસા ન સ્વીકારાવી શકે તો પછી બીજાઓ આગળ એની વાત શી રીતે કરી શકે ? પણ કારોબારી સમિતિ આ સ્થિતિ સ્વીકારી શકે એમ નહોતું. તેમણે પોતાની મુશ્કેલીઓ ગાંધીજી આગળ મૂકી. એટલામાં મ્યુનિકના કોલકરારો થયા અને લડાઈ મુલતવી રહી, એટલે એ વાત એટલેથી અટકી. યુદ્ધ શરૂ થયા પછી ૧૯૩૯ના નવેમ્બર મહિનામાં જ્યારે ગાંધીજીને વાઈસરૉયને બીજી વાર મળવા જવાનું હતું ત્યારે તેમણે કારોબારીને ફરી કહ્યું કે કૉંગ્રેસને માર્ગદર્શન આપવાની જવાબદારીમાંથી તમારે મને મુક્ત કરવો જોઈએ, અને મને મારી ઢબે અહિંસાને રસ્તે જવા દેવો જોઈએ. કારોબારી સમિતિની વિનવણીથી ફરી તેમણે પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો. રામગઢ કૉંગ્રેસમાં પણ આ વાત નીકળેલી. પણ કારોબારી સમિતિના સભ્યોના આગ્રહથી મુલતવી રહેલી. પણ ફ્રાન્સના પતન પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે કૉંગ્રેસે તથા ગાંધીજીએ પોતપોતાની સ્થિતિ વિષે સ્પષ્ટ નિર્ણય કરી લેવો જોઈએ. વ્યક્તિગત રીતે કારોબારીના કેટલાક સભ્યો ગાંધીજીને સાથ આપવા તૈયાર થાય, પણ એમને લાગતું હતું કે દેશ અહિંસાને ઝીલવા તૈયાર નથી, અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી તેઓ છોડી શકે નહીંં, એટલે ગાંધીજીને પોતાને માર્ગે જવા દેવાની મોકળાશ આપવી એ તેમને યોગ્ય લાગ્યું. પોતાના ઠરાવમાં અહિંસાના પ્રશ્ર ઉપર તેમણે નીચે પ્રમાણે જાહેરાત કરી :

“જોકે કારોબારી સમિતિ માને છે કે કૉંગ્રેસે સ્વતંત્રતા માટેની પોતાની લડતમાં અહિંસાના સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહેવાનું ચાલુ રાખવું જોઈએ, છતાં જ્યાં સુધી કૉંગ્રેસે જનતા ઉપર પૂરતા પ્રમાણમાં અહિંંસક કાબૂ મેળવ્યો નથી અને પ્રજાએ પણ જ્યાં સુધી સંગઠિત અહિંસાનો પાઠ પૂરતા પ્રમાણમાં પચાવ્યો નથી ત્યાં સુધી જે માણસો જોડે એને કામ લેવું રહ્યું છે તેમની ત્રુટીઓ તથા અપૂર્ણતાઓ પ્રત્યે, તેમ જ સંક્રાતિના તથા ઊથલપાથલોના આ કાળમાં આવી પડે એવાં જોખમો અને ભયો પ્રત્યે તેનાથી આંખ મીંચી શકાય એમ નથી. આ પ્રમાણે ઊભી થયેલી ગૂંચ ઉપર કારોબારી સમિતિએ ખૂબ વિચારણા કરીને તે એવા નિર્ણય ઉપર આવી છે કે ગાંધીજી જોડે ઠેઠ સુધી તે ચાલી શકે તેમ નથી. આમ છતાં તે એ પણ સમજે છે કે એમને પોતાને એમના મહાન આદર્શનો