પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સરદાર વલ્લભભાઈ


ઝોલાં ખાતી ચાલી. એ બધો વખત કારોબારી દિલ્હીમાં જ રહી. વાઈસરૉય પાસેથી આવીને ગાંધીજી થયેલી બધી વાતો કારોબારીને કહી સંભળાવતા અને તેમનો અભિપ્રાય જાણી લેતા. કોઈ કોઈ વાર તો વાઈસરૉય સાથેની મુલાકાત પૂરી કરીને ગાંધીજી મધરાતે પોતાના મુકામે પાછા ફરતા. તે વખતે પણ બધા સભ્યોને જગાડી વાઈસરૉય સાથે થયેલી બધી વાતચીત તેમને કહી સંભળાવતા.

આ બધો વખત દેશમાં લડત તો ચાલુ જ હતી. જોકે કાર્યકર્તાઓને એવી ખાનગી સૂચનાઓ આપવામાં આવી હતી કે જે પ્રવૃત્તિઓ ચાલુ હોય તે ન અટકાવવી, પણ લડતના કોઈ નવા કાર્યક્રમ ઉપાડવા નહીંં, છતાં પોલીસનો મિજાજ અને તેના જુલમો એવા હતા કે કૉંગ્રેસવાળા ન ઇચ્છતા હોય તો પણ તેમને લડત આપવી પડે. ખેડૂતોની કનડગત, જપ્તીઓ, ઊભા પાક સાથે જમીનોનાં વેચાણ, પાક ઉપર પોલીસના પહેરા, પાક લેવાનો પ્રયત્ન કરનારને મારઝૂડ, એ બધું પૂરજોશમાં ચાલુ હતું. દારૂના પીઠાં તથા પરદેશી કાપડની દુકાનો ઉપર ચોકી કરવાનું પોતાનું કામ બહેનો ખૂબ જ શાંતિપૂર્વક છતાં એટલા આગ્રહપૂર્વક કરતી કે પોલીસથી તે સહ્યું જતું નહોતું. એને અંગે બહેનો ઉપર પોલીસના ઘાતકી હુમલાનો એક બનાવ ગાંધીજીને અને કારોબારીને છોડવામાં આવી તેના થોડા જ દિવસ અગાઉ એટલે તા. ર૧મી જાન્યુઆરીએ બોરસદમાં બન્યો. ત્યાંની સ્થાનિક બહેનોની મદદમાં સાબરમતી આશ્રમની કેટલીક બહેનોએ બોરસદ પાસે ગાયકવાડી હદમાં છાવણી નાખી હતી. એક બહેન જે શાંતિથી પિકેટિંગ કરતી હતી. તેને પોલીસે પકડ્યા પછી તમાચા માર્યા. આની સામે બોરસદની બહેનોએ આશ્રમનાં શ્રી ગંગાબહેન વૈદની આગેવાની નીચે એક સરઘસ કાઢવાનું નક્કી કર્યું. આ સરઘસનો કાર્યક્રમ શાંતિથી પાર ઊતરે તો તો પોલીસની આબરૂ જાય, એટલે લાઠીધારી પોલીસની મોટી ટુકડી સરઘરસને રોકવા તૈયાર થઈ ને ઊભી. સરઘસ નીકળ્યું કે તરત પોલીસે તેને આગળ જતું અટકાવીને વિખેરાઈ જવાનો હુકમ કર્યો. બહેનો વિખેરાઈ ન જતાં ત્યાં જ બેસી ગઈ અને રાષ્ટ્રગીત ગાવા લાગી. પોલીસ વરુની માફક આ બહેનો ઉપર તૂટી પડી. તેમની ઉપર લાઠીઓનો વરસાદ વરસાવ્યો, અને લાઠીથી ઘાયલ થઈને પડેલી બહેનોને રસ્તા ઉપરથી ખેંચી ખેંચીને બાજુએ નાખવા માંડી. ગંગાબહેન સખત ઘાયલ થયાં અને લોહીથી રંગાઈ ગયાં. આ હકીકત જાહેર થતાં દેશમાં બહુ હાહાકાર થયો.

વાટાઘાટો દરમ્યાન પોલીસના આ અને બીજા ઘાતકી વર્તન સંબંધી તપાસ થવી જોઈએ એની વાત નીકળી. તપાસ થવી જ જોઈએ એવો