પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૦
સરદાર વલ્લભભાઈ

કર્યા વિના રહેવાય એમ નથી. બ્રિટિશ પ્રજા સામે તેમને કશો દ્વેષ હોઈ શકે નહી. તેને સંકડામણમાં નાખવાના ઇરાદાથી કાંઈ પણ કામ કરતાં કૉંગ્રેસને તેની સત્યાગ્રહની ભાવના રોકે છે. પણ આ સ્વેચ્છાએ સ્વીકારેલો સંયમ એટલી હદ સુધી ન લઈ જઈ શકાય કે જેથી કૉંગ્રેસની હસ્તી જ નાબૂદ થવા પામે. અહિંસા ઉપર રચાયેલી પોતાની નીતિને અનુસરવાની પૂરેપૂરી છૂટ પોતાને હોવી જોઈએ એવો આગ્રહ કૉંગ્રેસે રાખવો જ જોઈએ. છતાં જો અહિંસક પ્રતિકારની લડત અનિવાર્ય જ થઈ પડે તો તેને પ્રજાના સ્વાતંત્ર્યની રક્ષાને માટે આવશ્યક એટલી હદથી આગળ લઈ જવાને હાલ તુરત કૉંગ્રેસનો જરાયે ઇરાદો નથી.
“કૉંગ્રેસની અહિંસાની નીતિને વિષે અમુક ગેરસમજ પેદા થઈ છે તે જોતા આ મહાસમિતિ ફરી વાર સાફ સાફ કહેવા માગે છે કે આ ગેરસમજ જેના પરથી થવા પામી તે અગાઉના ઠરાવમાં ગમે તે કહેવાયું હોય તોપણ અહિંસાની નીતિ ચાલુ છે. આ સમિતિ દૃઢતાપૂર્વક માને છે કે અહિંસાની નીતિ અને તેનું આચરણ કેવળ સ્વરાજની લડત માટે જ આવશ્યક છે, એમ નથી, સ્વતંત્ર હિંદુસ્તાનમાં પણ જેટલે અંશે તેનો પ્રયોગ શક્ય હોય તેટલે અંશે કરવાનો જ છે. આ સમિતિની દૃઢ પ્રતીતિ છે, અને જગતના તાજેતરના બનાવોએ એ બતાવી આપ્યું છે, કે જગતે જ જાદવાસ્થળી કરીને આત્મનાશ ન કરવો હોય ને પાછા રાનટી દશાને ન પહોંચવું હોય તો જગતમાં સંપૂર્ણ શસ્ત્રસંન્યાસ અને નવી વધારે ન્યાયી એવી રાજકીય અને આર્થિક સમાજરચના આવશ્યક છે. તેથી સ્વતંત્ર હિંદુસ્તાન, જગતના શસ્ત્રસંન્યાસની તરફેણમાં જ પોતાનું બધું વજન નાખશે. તેણે જાતે આ કામમાં પહેલ કરવાને અને આગેવાની લેવાને તૈયાર રહેવું જોઈએ. બેશક, એવી આગેવાનીનો આધાર બહારની અને અંદરની પરિસ્થિતિ ઉપર તો રહેશે જ. પણ હિંદુસ્તાનની રાષ્ટ્રીય સરકાર શસ્ત્રસંન્યાસની આ નીતિનો અમલ કરવાને પોતાથી બનતો બધો પ્રયત્ન કરશે. અસરકારક શસ્ત્રસંન્યાસનો અને રાષ્ટ્રો વચ્ચેના વિગ્રહનો અંત આણીને વિશ્વશાંતિની સ્થાપના કરવાનો આધાર છેવટે તો એ વિગ્રહોનાં અને રાષ્ટ્ર રાષ્ટ્ર, વચ્ચેના સંઘર્ષનાં કારણોના નિવારણ ઉપર રહે છે. એક દેશની બીજા દેશ ઉપરની શિરજોરી અને એક પ્રજા કે વર્ગને હાથે થતું બીજાનું શોષણ અટકાવીને જ આ કારણો મૂળમાંથી નાબૂદ કરી શકાય. એ ધ્યેયની સિદ્ધિ માટે હિંદુસ્તાન શાંતિપૂર્વક મહેનત કરશે. એ ધ્યેયની સિદ્ધિ માટે જ હિંદુસ્તાનની પ્રજા મુક્ત અને સ્વતંત્ર રાષ્ટ્રનું પદ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. જગતની શાંતિ અને પ્રગતિની સિદ્ધિને અર્થે જગતનાં સ્વતંત્ર રાષ્ટ્રોના સંઘમાં નિકટપણે ભળવામાં હિંદની એ સ્વતંત્રતા મંગળાચરણરૂપ થઈ પડશે.”

ઉપરનો ઠરાવ પંડિત જવાહરલાલે રજૂ કર્યો અને સરદારે તેને ટેકો આપ્યો. પણ બેમાંથી એકેયે તેના ઉપર ભાષણ ન કરતાં, તે ઉપર બોલવા ગાંધીજીને વિનંતી કરી. ગાંધીજીએ બહુ લંબાણ વિવેચન કરીને લડાઈ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીનું કૉંગ્રેસનું વલણ બરાબર સમજાવ્યું. પોતે