પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
ગાંધી-અર્વિન કરા૨ – લડતની તહકૂબી

કારોબારી સમિતિનો મક્કમ અભિપ્રાય હતો, જ્યારે લડત દરમ્યાન સરકારી અમલદારો તથા પોલીસોએ કરેલા કોઈ પણ કૃત્ય સંબંધી તપાસ કરવા વાઈસરૉય બિલકુલ તૈયાર નહોતા. એટલે આ મુદ્દા ઉપર વાટાઘાટો પડી ભાંગે એવી સ્થિતિ ઊભી થઈ. ગાંધીજીએ કારોબારીને કહ્યું કે તોડી નાખવાની હદ સુધી આ મુદ્દો પકડી રાખવાનું મને ઠીક લાગતું નથી, પણ કારોબારીનો એવો આગ્રહ હોય તો હું આનંદપૂર્વક કારોબારીના એજન્ટ તરીકે વર્તીશ અને સમાધાની તૂટી પડતી હોય તો તોડીને વાઈસરૉય પાસેથી પાછો આવીશ. ગાંધીજીનું આવું વલણ જોઈ કારેબારીએ પોતાનો આગ્રહ છોડી દીધો.

બીજો એવો જ મુશ્કેલ પ્રશ્ન ખેડૂતોની ખાલસા થયેલી જમીનો બાબતનો હતો. આ બાબતમાં સરદારને માન્ય ન હોય એવી કોઈ પણ સમાધાની ગાંધીજી સ્વીકારવા તૈયાર નહોતા, અને સરદારનો આગ્રહ હતો કે ખાલસા થયેલી જમીનો બધી પાછી મળવી જ જોઈએ. જે જમીન બીજા આસામીને વેચાઈ ગઈ ન હોય તે પાછી આપવા વાઈસરૉય તૈયાર હતા, પણ વેચાઈ ગયેલી જમીનોની બાબતમાં વાઈસરૉયને પોતાની મુશ્કેલી હતી, કારણ બારડોલીમાં અને બોરસદમાં નાકરની લડત જોશમાં ચાલતી હતી તે વખતે વાઈસરૉયે મુંબઈ સરકારને કાગળ લખીને ખાતરી આપી હતી કે કોઈ પણ સંજોગોમાં વેચાઈ ગયેલી જમીને ખેડૂતોને પાછી આપવાનું પોતે કહેશે નહીં. ગાંધીજીએ કહ્યું કે, “વેચેલી જમીનની બાબતમાં કશું ન બને તો મારે વાટાઘાટો તોડવી પડશે. આ બાબતમાં કૉંગ્રેસ કારોબારીનો હુકમ (મૅન્ડેટ) લઈને હું આવ્યો છું. વળી સરદાર વલ્લભભાઈના તેજે હું તો ગુજરાતમાં પ્રકાશું છું, એટલે આ પ્રશ્નમાં તો મારે સરદારથી જ દોરવાવું જોઈએ. જેમાં તેઓ સંમત ન થઈ શકે એવું સમાધાન મારાથી કબૂલ રાખી શકાય નહીં.” છેવટે આ પ્રશ્નનો તોડ એવી રીતે નીકળ્યો કે કોઈ ત્રાહિત માણસ વચ્ચે પડીને ખરીદનાર પાસેથી ખેડૂતોને જમીન પાછી અપાવે તો સરકાર વાંધો લેશે નહીં, એટલું જ નહીં પણ બને તેટલી અનુકૂળતા કરી આપશે.

ગાંધીજીનો ખાસ આગ્રહ તો એ હતો કે પરદેશી કાપડ ઉપર અને દારૂના પીઠાં ઉપર શાંત ચોકી કરવાનો આપણો હક સ્વીકારાવો જ જોઈએ. વળી જે પ્રદેશમાં મીઠું કુદરતી રીતે જ મળી આવતું હોય તે પ્રદેશના લોકોને એ મીઠું લેવાનો હક હોવો જોઈએ. એમનો બીજો આગ્રહ એ પણ હતો કે જે અમલદારો અને પટેલતલાટીઓએ લડતને અંગે પોતાની નોકરીનાં રાજીનામાં આપ્યાં હોય તેમને સરકારે નોકરી ઉપર પાછા લેવા જોઈએ. આ મુદ્દાઓ ઉપર તડજોડ કરવામાં મુશ્કેલી ન આવી.