પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૪
સરદાર વલ્લભભાઈ

માટે લાયક ગણાય એવાં નામો પસંદ કરીને પોતાને મોકલવામાં આવે. લાયકાતનું ધોરણ એ રાખવામાં આવ્યું હતું કે, તે રચનાત્મક કાર્યક્રમમાં માનતો હોવો જોઈએ અને નિયમિત કાંતતો હોવો જોઈએ. હિન્દુ હોય તો અસ્પૃશ્યતા તેણે પોતાના જીવનમાંથી કાઢી નાખેલી હોવી જોઈએ. અલબત્ત અહિંસાનું ચુસ્તપણે પાલન કરવાની શરત તો હતી જ. પ્રાંતિક સમિતિએ પસંદ કરેલી વ્યક્તિઓમાંથી ગાંધીજી જેમના નામને બહાલી આપે તેમણે જ સવિનય કાયદાભંગ કરવાનો હતો. ગાંધીજીની બહાલી મળી જાય ત્યાર પછી સત્યાગ્રહીએ પોતાના જિલ્લા મૅજિસ્ટ્રેટને નીચે પ્રમાણે કાગળ લખીને ખબર આપવાની હતી :

જિલ્લા મૅજિસ્ટ્રેટ સાહેબ,
મુ.
“વિનંતી જે મહાત્મા ગાંધીજીએ તેમને સોંપાયેલી સત્યાગ્રહીઓની યાદીમાંથી મારું નામ પસંદ કર્યું છે અને મારી સવડે સત્યાગ્રહ શરૂ કરવાની મને પરવાનગી આપી છે. તેથી આપ સાહેબને જણાવવા રજા લઉં છું કે તા. … ના રોજ … વારે … વાગ્યે … ગામે સત્યાગ્રહ શરૂ કરવાનો મારો ઇરાદો છે. હું ત્યાં જાહેરસભામાં યુદ્ધવિરોધી ભાષણ કરીને, સૂત્રો ઉચ્ચારીને અથવા પત્રિકાઓ લખી અને વહેંચીને યુદ્ધવિરોધી પ્રચાર કરવાનો છું.
સ્થળ :
તારીખ :
સહી
 


યુદ્ધવિરોધી સૂત્રમાં એટલું જ બોલવાનું હતું કે, “આ યુદ્ધમાં બ્રિટિશ સરકારને માણસો અગર નાણાં આપી મદદ કરવી એ હરામ છે.”

તે વખતે ગાંધીજીના દિલમાં અનશન કરવાના વિચારો પણ ઘોળાયા કરતા હતા. સરદારે પોતાના જેલ જવાની તારીખની ખબર આપતો તેમ જ અનશન કરવા માટે આ સમય અનુકૂળ નથી એમ જણાવતો નીચેનો કાગળ ગાંધીજીને તા. ૧૦-૧૧-’૪૨ના રોજ અમદાવાદથી લખ્યો :

“પૂ. બાપુજી,
“આજે સવારે મુંબઈથી અહીં આવ્યો. અહીં ચારપાંચ દિવસનું કામ છે તે પૂરું કરી તા. ૧પમીએ ગણેશપૂજન કરી અઢારમીએ યાત્રા શરૂ કરવાનો ઇરાદો છે. કાલે બધાને મળ્યા પછી એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો એકાદ દિવસનો ફેરફાર કરીશ. બાકી એ દિવસ કાયમ રાખવો છે. મહાદેવ દિલ્હીથી આવે તો તે દિવસે અહીં આવે તો સારું. અહીંનું થોડું વિચારી લેવાનું છે તેમાં પણ કામ આવશે.
“આ પ્રલયકાળમાં અનશનની ઉતાવળ ન કરતાં એ વસ્તુને ખરા સ્વરૂપમાં સમજવા જગતને અનુકૂળ સમય મળવો જોઈએ. આજે જગતમાં લોકો વિકરાળ