પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૭
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

મેળવવામાં કેટલી મુશ્કેલી પડે છે એ તો મહાદેવને ખબર છે. પણ આ બધું મને કોઈ રીતે મૂંઝવી શકે એમ નથી એ તો તમે જાણો છો.
“મહાદેવ ને દેવદાસ મળી ગયા એથી ખૂબ જ આનંદ થયો.

“હું તો પેલા આંબા તળે લગભગ રાતદિવસ રહું છું. દિવસના માત્ર તાપ થાય ત્યારે કોટડીમાં થોડો વખત ભરાવું પડે. બાકી તો ત્યાં જ રાતદિવસ ગાળું છું. એટલે નિરંતર આપનું સ્મરણ અને એ વખતનાં જૂનાં ચિત્રો આંખ આગળ તરી રહે છે. કાંતવાનું પણ ઠીક ચાલી રહ્યું છે. હવે ભૂલાભાઈ નિયમિત અરધો કલાક કાંતે છે. અમે દોઢબે કલાક રોજ કાંતીએ છીએ. પણ હવે મારે જમણે હાથે કોણીના ઢેકા પર દુખાવો લાગુ છે એટલે ડાબે હાથે કાંતતાં શીખવું છે. એથી ડાબા હાથે કાંતવા માટેનું રેંટિયાનું મોઢિયું જોઈએ છે તે મોકલી આપો.
“છાપાં ઠીક મળે છે એટલે ઠીક ઠીક ખબરો મળે છે. અને હવે તો ‘હરિજન’ ચાલુ થવાનું એટલે એના ઉતારા તો છાપામાંથી જોવાના મળશે જ અને એ પણ મળવાની આશા તો છે જ.
“અમારી ચિંતા કરશો નહીં. અમે વખતનો ઠીક ઉપયોગ કરીએ છીએ. બાકી તો દુનિયાનો પ્રલયકાળ આવ્યો હોય એ રીતે જે સંહાર થઈ રહ્યો છે એ જોતાં ગીતાજીના અગિયારમા અધ્યાયના વિરાટ સ્વરૂપનું રાતદિવસ સ્મરણ થાય છે.”

આપણા દેશમાં ચાલેલી સત્યાગ્રહની બધી લડતોમાં આ લડત બહુ જ વ્યવસ્થિત અને શાંતિમય હતી. તેનું એક કારણ તો એ હતું કે તેમાં બ્રિટિશ સરકારને પજવણી અથવા મૂંઝવણ ન થાય એ જોવાની ખાસ કાળજી રાખવામાં આવી હતી. કૉંગ્રેસને આ યુદ્ધમાં ચોખ્ખો વિરોધ છે અને કશો સાથ નથી એ દુનિયાને બતાવવા માટે આ લડત એક પ્રતીકરૂપે હતી. બીજી વસ્તુ એ હતી કે, આ લડતમાં બધો વખત ગાંધીજી બહાર હતા અને સત્યાગ્રહીઓની પસંદગી ઉપર તેમનો સીધો અંકુશ રહેતો હતો. એ રીતે તેઓ જ લડતનું પ્રત્યક્ષ સંચાલન કરતા હતા. અમલદારોને પણ અગવડ ન પડે એટલા માટે, ધાર્મિક તહેવારના દિવસોએ તથા રવિવારની રજાને દિવસે સત્યાગ્રહ બંધ રાખવામાં આવતો. કેટલાક સત્યાગ્રહીઓને યુદ્ધવિરોધી પોકારો કરવા છતાં સરકાર પકડતી નહીં. તેમને એવી સૂચના આપવામાં આવતી કે તેઓ એક ગામથી બીજે ગામ ફરતા ફરતા દિલ્હી તરફ કૂચ કરે. રસ્તામાં યુદ્ધવિરોધી સૂત્રો પાકારે તથા રેટિયો ચલાવે, બીજાને શીખવે અને ખાદીનો પ્રચાર કરે. જેલમાં પણ અટકાયતી તેમ જ સજા પામેલા કેદીઓમાંનો મોટો ભાગ પીંજવા તથા કાંતવામાં ઘણી વખત ગાળતો, તેથી આ લડત દરમ્યાન ખાદીકામને બહુ જ વેગ મળ્યો. મિલનું કાપડ લશ્કરી સિપાઈઓ માટે જતું હોઈ, દેશમાં મિલના કાપડની તંગી બહુ વર્તાવા લાગી હતી. તે