પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નિવેદન

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના જીવનચરિત્રનો પહેલો ભાગ सरदार वल्लभभाई (भाग पहेलो) એ નામથી ૧૯૫૦ની સાલમાં નવજીવન પ્રકાશન મંદિર તરફથી પ્રગટ કરતાં તેની સાથે જોડેલા ૧૦–૧૦–’પ૦ના મારા અંગત નિવેદનમાં મેં જણાવ્યું હતું કે

“આ પુસ્તકમાં એક રીતે કહીએ તો એ સાધનાના કાળની વિગતો જ આવી છે. એ સાધના મારફતે સરદારે જે જે શક્તિ કેળવી તેને લાભ હિંદની પ્રજાને કેવી રીતે મળ્યો અને દેશની સ્વતંત્રતાની લડત પાર પાડવામાં ને તે પાર પડ્યા પછી વસમા વખતમાં દેશનું સુકાન ધીરજથી તેમ જ દૃઢતાથી સંભાળી. આજે તે શક્તિઓનો તેઓ કેવો ઉપયોગ કરે છે તેની વિગતે હવે પછી પ્રગટ થનારા આ ચરિત્રના ઉત્તર ભાગમાં આવશે. એ ભાગ પૂરો કરી આપવાનું નરહરિભાઈએ માથે લીધેલું છે એ જાણીને વાચકો રાજી થશે.”

એ પ્રમાણે સરદારશ્રીના ચરિત્રનો આ બીજો ભાગ सरदार वल्लभभाई (भाग बीजो) એ નામથી બહાર પડે છે, પણ તે નિવેદનમાં કહેલી વાતમાં એક ફેર પડ્યો છે — કરવા પડ્યો છે. આ ભાગમાં ૧૯૩૦ની સવિનયભંગની લડતની શરૂઆતથી તે ૧૯૪રની ‘હિંદ છોડો’ ની લડતના આરંભ સુધીનાં બાર વર્ષના ગાળાનું ચરિત્ર જ આપવાનું બની શક્યું છે. તેનું કારણ એ કે સરદારશ્રીના પહેલા ભાગમાં આપેલા ચરિત્ર પછીનો તેમના અવસાન સુધીના જીવનનો ભાગ અનેક રીતે અત્યંત સમૃદ્ધ છે. અને તે બધી સમૃદ્ધિ એક પુસ્તકમાં સમાવી લેવાનું બને એવું ન લાગ્યું. તેથી પહેલા ભાગને જોડેલા નિવેદનમાં જેને ‘ઉત્તર ભાગ’ કલ્પ્યો હતો તેના બે ભાગ કરવા પડ્યા છે. એ ‘ઉત્તર ભાગ’નો ઉત્તર ભાગ હવે પછી આપવાની ઉમેદ છે.

જે સદ્‌ભાવથી અને ભક્તિથી ગુજરાતી જાણનારા વાચકોએ પહેલા ભાગને આવકાર્યો છે તે જ લાગણીથી આને પણ તેઓ આવકારશે એ ખાતરી રાખીને મારું નિવેદન હું પૂરું કરું છું.


૧૦-૧૨-’પર
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ