પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૩
યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે

ભીડનો ખોટો લાભ લેવો એ તો ગાંધીજીના સત્યાગ્રહી સ્વભાવને જરા પણ રુચે એમ હતું જ નહીં. કેટલાકે તો એવી પણ સૂચના કરી કે અત્યારે વડી ધારાસભાના સઘળા કૉંગ્રેસી સભ્યોએ રાજીનામાં આપવાં જોઈએ અને યુદ્ધવિરોધના મુદ્દા ઉપર ફરી ચૂંટણી લડીને પ્રજામત યુદ્ધના વિરોધમાં છે એવું દુનિયા આગળ આપણે પુરવાર કરી આપવું જોઈએ. આ બધી વસ્તુઓનો વિચાર કરવા માટે તા. ૧૯મી ઑક્ટોબરે જેઓ જેલમાં નહોતા એવા કેટલાક નેતાઓ વર્ધામાં એકઠા થયા. કૉંગ્રેસની કારોબારી સમિતિના અગિયાર સભ્યો તે વખતે બહાર હતા. તેમાંના શ્રી ભૂલાભાઈ દેસાઈએ ગાંધીજી આગળ ખૂબ દલીલ કરી કે હવે આપણે સવિનય ભંગ બંધ કરવો જોઈએ. કારણ યુદ્ધ આપણા દેશની નજીક આવતું જાય છે તે વખતે કૉંગ્રેસના સઘળા નેતાઓ અને કાર્યકર્તાઓ બહાર છૂટા હોય એ જરૂરનું છે. વર્ધામાં જે વખતે આ ચર્ચાઓ ચાલતી હતી તે જ વખતે વાઈસરૉયે પોતાની વિસ્તૃત કારોબારી સમિતિની રચના કરી. સ્વાભાવિક રીતે જ તેમાં કૉંગ્રેસ વિરોધી સભ્યો દાખલ થયા. ગાંધીજી ઉપર આ દલીલોની કે આ સૂચનાઓની કશી અસર થઈ નહીં અને તા. ર૧મી ઑક્ટોબરે તેમણે ભારપૂર્વક જાહેર કર્યું કે, છૂટેલા સત્યાગ્રહીએ છૂટવાની તારીખથી એક અઠવાડિયાની અંદર ફરી સત્યાગ્રહ કરવા.

થોડા વખત પછી હિંદ સરકાર તરફથી છાપાંજોગી એક નીચેની યાદી બહાર પડી :

“હિંદુસ્તાનનો તમામ જવાબદાર લોકમત આપણી જીત થતાં સુધી યુદ્ધપ્રયત્નમાં મદદ કરવાને દૃઢ નિશ્ચયવાન છે, એવી હિંદ સરકારને ખાતરી હોવાથી, તે એવા નિર્ણય ઉપર આવી છે કે, સવિનય કાચદાભંગ કરનારા જે કેદીઓનો ગુનો માત્ર ઔપચારિક અથવા તો પ્રતીકરૂપ હોય તેમને છોડી મૂકવા. આમાં ૫. જવાહરલાલ નેહરુ તથા મૌલાના અબુલ કલામ આઝાદનો પણ સમાવેશ થાય છે.”

તા. ૩–૪ ડિસેમ્બરે બધા કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. એ વિષે ગાંધીજીએ કહ્યું કે,

“કેદીઓને છોડ્યા પહેલાં મેં જે કહ્યું હતું તે જ વસ્તુ છોડ્યા પછી પણ કહું છું કે મને લાગેવળગે છે ત્યાં સુધી સત્યાગ્રહી કેદીઓની મુક્તિથી મારા હૃદયમાં સરકાર પ્રત્યે કદરદાનીનો એકે સૂર ઊઠતો નથી. પરંતુ હવે કૉંગ્રેસના પ્રમુખ બહાર આવ્યા છે એટલે તેમણે કૉંગ્રેસની કારોબારી સમિતિની અથવા તો મહાસમિતિની બેઠક બોલાવીને ભવિષ્યમાં કૉંગ્રેસે કયો માર્ગ કરવો એ નક્કી કરવું જોઈએ. દરમ્યાન સવિનય કાયદાભંગની પ્રવૃત્તિ કશાય અંતરાય વિના ચાલુ રહેવી જોઈએ. માત્ર કારોબારી તથા મહાસમિતિના સભ્યોએ તેમ જ જેઓ મુંબઈની મહાસમિતિને ઠરાવ ફેરવવાના વિચારના હોય તેમણે મહાસમિતિની બેઠક મળે ત્યાં સુધી સવિનય કાયદાભંગ ન કરવો.