પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૬
સરદાર વલ્લભભાઈ

મોટા મોટા નેતાઓ એ ઠરાવમાં સામેલ છે અને તેમણે એ ઠરાવ વગર વિચાર્યે નથી કર્યો. આની સામે જો કઈ એમ માનનારા હોય કે અહિંંસા એ એક અણમૂલ મોતી છે, ને તેને જતી કરી શકાચ નહી, અહિંસા આપીને સ્વરાજ ખરીદાય નહીં, તો તેવાઓની સ્થિતિ જુદી જ છે. પણ જો તમારા મનમાં સંદેહ હોય, તમને એમ લાગતું હોય, કે અહિંસાને વળગવામાં તમે અહિંસા ગુમાવવાના — કેમ કે તે પાળવાની તમારી શક્તિ નથી — અને સ્વરાજ પણ ગુમાવવાના, એમ જો તમને લાગતું હોય કે ગાંધી સારો માણસ તો છે પણ તેની જોડે છેક સુધી ન જવામાં જ ડહાપણ છે, તો તમારે આ ઠરાવ સ્વીકારવો જોઈએ. તેનો અસ્વીકાર તેઓ જ કરે જેમના મનમાં દૃઢ પ્રતીતિ હોય કે શાણપણ, રાજદ્વારી કુનેહ, નીતિ એ બધાનો વિચાર કરતાં એ જ આવશ્યક છે કે, સ્વરાજને ખાતર પણ અહિંસાને ફગાવી ન દઈ શકાય. હવે જેઓ બારડોલી ઠરાવના પક્ષમાં હોય તેઓ હાથ ઊંચા કરે.”

છત્રીસ જણે હાથ ઊંચા કર્યો. ગાંધીજી કહે, “ભલે. હવે અહિંસાના આચાર્યો હાથ ઉંચા કરે.” આ વચનમાં રહેલો પડકાર મૂંઝવનારો હતો. છતાં સત્તાવીસ જણે અહિંસાના પક્ષમાં હાથ ઊંચા કર્યા. દસેક સભ્યો તટસ્થ હતા. તેઓ ગાંધીજીને પ્રશ્નો પૂછવા માગતા હતા. પણ ગાંધીજીએ કહ્યું કે, “સભાનું સહેજ વલણ જાણવાને જ આ મત લેવાયા છે. એટલે તટસ્થ સભ્યોએ કાંઈ તકલીફ લેવાની જરૂર નથી.”

સરદારે પ્રમુખ તરીકે ઉપસંહારનું ભાષણ કરતાં કહ્યું કે,

“હજી વધારે આકરો અને કસોટી કરે એવો કાળ આવવાનો છે. તે વખતે આપણે માથે ઘણી મોટી જવાબદારીઓ આવશે અને ઘણાં કામો આપણે કરવાનાં આવશે.
“સરકારની સામે જોવાનું આપણને પાલવશે નહીં. સરકારને તો પોતાની ચિંતા પડી છે. એટલે આપણે પોતાને માટે આપણે જ નિર્ણચ કરી લેવો પડશે.”

બારડોલીમાં ઠરાવ તો પસાર થઈ ગયો પણ કારાબારી સમિતિમાં એ વિષે ચોખ્ખો મતભેદ હતો. વળી ગાંધીજી કૉંગ્રેસને દોરવણી આપવાની જવાબદારીમાંથી ફરી મુક્ત થયા હતા. એટલે આખી પરિસ્થિતિનો વિચાર કરવા મહાસમિતિની બેઠક તા. ૧પ તથા ૧૬ જાન્યુઆરીએ વર્ધામાં બોલાવવામાં આવી. શરૂઆતમાં તો સરદાર વગેરે કારોબારી સમિતિના જે સભ્યો બારડોલીના ઠરાવ સાથે સંમત ન હતા તેમનો તથા ગાંધીજીનો પણ વિચાર મહાસમિતિમાં મત લેવડાવી એ ઠરાવ વિષે નિર્ણય કરાવવાનો હતો. પરંતુ પાછળથી ગાંધીજીએ પોતાનો વિચાર બદલ્યો. અને મહાસમિતિને એ ઠરાવ સ્વીકારી લેવાની સલાહ આપી. ગાંધીજીનું મહાસમિતિનું ભાષણ બહુ મહત્ત્વનું હોઈ, તેમાંથી કેટલાક ફકરા નીચે આપ્યા છે :