પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૮
સરદાર વલ્લભભાઈ

કરવાની તક મળે છે. રાજેન્દ્રબાબુ જેવા અહિંસક અસહકારીઓએ પણ ડરવાનું નથી. કારણ, જે દિવસે સરકાર સરખો જવાબ દે તે દિવસે જુદા પડવાની વાત છે ના? ત્યાં સુધી અહિંસાનું રાજ્ય ચાલુ છે જ.
“રાજેન્દ્રબાબુ અને સરદાર અહિંસાનો ઇચ્છે તેટલો પ્રચાર કરે. એમને કોઈ રોકવાનું નથી. એમને પણ આ ઠરાવ પૂરી છૂટ આપે છે. વળી આ ઠરાવમાં અને બીજા ઠરાવમાં લોકોને સૂચનાઓ આપી છે તે અહિંંસાને વધારવાવાળી છે.
“આજે તો આપણે સૌ એક વહાણમાં બેઠા છીએ. તો પછી તમે નવો ઠરાવ શા સારુ ઇચ્છો? તમે કોઈ અહિંસક મંડળ તૈચાર કરો, તો તે શું ‘વોટ’ થી ચાલવાનું છે? નાની નાની વાતો ‘વોટ’ થી ચાલે. પણ મોટી વાતો ‘વોટ’થી ચલાવવા જઈએ તો સંસ્થા તૂટી પડે.”

ગાંધીજીએ આ જાતનું વલણ લઈને અને મહાસમિતિને આ જાતની દોરવણી આપીને, હિંસા અહિંસાની મિથ્યા ચર્ચામાંથી દેશને ઉગારી લીધો. આ સમય પણ ચર્ચાનો નહોતો જ. જપાનનું ચીન ઉપરનું આક્રમણ તો ઘણાં વરસોથી ચાલુ હતું. પણ ચીનને અમેરિકાની મદદ મળતી હતી, તેનું જાણે વેર લેવાને અમેરિકાના ફિલિપાઈન ટાપુઓના પર્લ હાર્બર ઉપર જપાને એકાએક હલ્લો કર્યો. પછી ઝપાટાબંધ સિંગાપુર, મલાયા વગેરે લીધાં. અને બ્રહ્મદેશ ઉપર આક્રમણ શરૂ કર્યું. જપાન જો હિન્દ ઉપર આક્રમણ કરે તો ઇંગ્લંડની તે વખતે એવી તાકાત નહોતી કે હિન્દુસ્તાનનું તે બરાબર રક્ષણ કરી શકે. બ્રહ્મદેશમાંથી તેને રાતોરાત જે ભાગવું પડ્યું તે ઉપરથી લોકોને તેની તાકાતનો ખ્યાલ આવી ગયો હતો. એટલે હિન્દુસ્તાન માટે તો આત્મરક્ષણનો સવાલ સૌથી મોટો હતો. વર્ધાની મહાસમિતિની બેઠક પૂરી થયા પછી સરદારે તા. ૨૩-૧-’૪૨ના રોજ ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બારડોલીમાં બોલાવી. તેની આગળ ભાષણ કરતાં તેમણે કહ્યું કે,

“ગઈ મીટિંગમાં આપણે અહીંં મળ્યા ત્યારે મેં એક વાત કહેલી કે આપણે હિંસા અહિંસાની વાત બાજુ પર મૂકી દઈએ અને કૉંગ્રેસની મહાસમિતિ (વર્ધાની) જે ઠરાવ કરે તે ઉપર પણ બહુ ચર્ચા ન કરીએ; પણ જે મુખ્ય વસ્તુ છે અને જે બહુ ગંભીર છે, જેના ઉપર આપણી હસ્તીનો સવાલ છે તે પ્રશ્ન ઉપર ધ્યાન આપીએ. મુલકની અને પ્રાંતની હાલત ગંભીર બની રહી છે. એ સંબંધી શું કરવું એ કઠણ સવાલ છે. એનો આપણે ખૂબ વિચાર કરવો પડશે. એટલે વર્ધા પછી મેં સભા બોલાવવાનું કહેલું.
“મહિના પહેલાં જે પરિસ્થિતિ હતી, તે કરતાં આજે પરિસ્થિતિ બહુ ગંભીર બની છે. ગામડાંમાંથી જે અહેવાલ મળે છે તે ઉપરથી જણાય છે કે આપણે ઘટતું નહીં કરીએ તો પ્રાંતમાં અશાંતિ ખૂબ વધી પડશે. તેને માટે આપણે સૌએ જાગ્રત રહી લોકોમાં શાંતિ તેમ જ નીડરતાનું વાતાવરણ પેદા કરવા માટે જે જે કરવું પડે તે કરવા તૈયાર રહેવું જોઈશે. એમ કરતાં જો કોઈ કૉંગ્રેસી ખપી જાય તો કૉંગ્રેસે પોતાનું કાર્ય કર્યું હશે.