પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૦
સરદાર વલ્લભભાઈ

બંધ થશે. તે વખતે ગાંધીજીને યાદ કરશો. એ તો વીસ વરસથી કહે છે કે રેંટિયો કાંતો. ગામ પોતે સ્વાશ્રયી બને અને સલામતી માટે પણ બીજાના તરફ જોવું ન પડે એનું નામ સ્વરાજ.”

આ બધો વખત સરદારની તબિયત નરમ જ ચાલતી હતી. આંતરડાંના દરદનું કશું ઠેકાણું પડતું નહોતું. એટલે લગભગ સવા મહિનો હજીરા રહેવા જઈ આવ્યા. એટલા વખતમાં તો પરિસ્થિતિ વધારે બગડી હતી. લોકો બહુ ભયભીત દશામાં હતા. એટલે હજીરાથી આવ્યા પછી ગુજરાતમાં દસેક દિવસ ફરીને લોકોને ધીરજ આપી અને શૂરાતનનો પાનો ચડાવ્યો. તા. ૭-૩-’૪રના રોજ આણંદ મુકામે આપેલા ભાષણમાં કહ્યું :

“મહાભારતના યુદ્ધની કથાઓ આપણે સાંભળી છે. પણ મહાભારતનું યુદ્ધ આ વિશ્વયુદ્ધ આગળ કંઈ નહોતું. તે વખતે યોદ્ધાઓ નક્કી કરેલા ક્ષેત્રમાં લડતા હતા. આજની લડાઈનું મેદાન જ્યાં લડાઈઓ ચાલતી હોય તેટલું જ નથી રહ્યું. જેટલા દેશ તેમાં સંડોવાયેલા છે તે બધા લડાઈનું મેદાન છે. આભમાં પણ લડાઈ થાય છે. પાતાળ પાણીમાં પણ લડાઈ થાય છે. પરિણામ શું આવશે એ લડનારાને ખબર નથી. લડનારા બે લબાડ છે. બંને ઈશ્વરને નામે લડે છે. બંને ઈશુને પૂજનારા છે. તેઓ પોતાને સુધારક કહે છે, અને જંગલી પ્રજાઓને બોધ આપે છે. પણ આખરે ઇતિહાસમાં લખાશે કે, બીજાને જંગલી કહેનાર પોતે જાનવર કરતાં પણ ભૂંડા હતા.
“દુનિયામાં આવું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે એક માણસ ધરતી ઉપર પગ રાખી કહે છે કે, જે માણસો તલવારથી લડે છે એ તલવારથી જ પડવાના છે. એના હાથ હેઠા પડશે ત્યારે આખરે સ્વીકારશે કે અહિંંસા એ જ પરમ ધર્મ છે.
“આપણે તો ભગવાનને ખોળે બેઠેલા છીએ. આપણા જેવા કોઈ સુખી નથી. આપણે કોઈનું કશું પડાવી લીધું નથી એટલે આપણું શું જવાનું છે? પણ આપણે એક વસ્તુ સમજી લેવાની છે. ગમે તેટલી અવ્યવસ્થા થાય તોયે કૂતરાંબિલાડાને મોતે નથી મરવું. ગાંધીજી પાસેથી એક વસ્તુ શીખવાની છે — નિર્ભયતા. આ જિંદગીમાં તમારી સામે જે અવસર આવ્યો છે તેવો કોઈ ભવમાં નહીં આવે.
“ગોળીઓની સામે બહાદુરીથી ઊભા રહીને મરતાં ન આવડે તોપણ કાય૨ થઈને ભાગવું તો ન જ જોઈએ. અહિંસાથી કે હિંસાથી સામનો કરતાં શીખવું જોઈએ.”

પોતાના વતન કરમસદમાં ભાષણ કરતાં આપણા લોકોમાં રહેલી ઈર્ષા, કુળનાં ખાટાં અભિમાન વગેરે વિષે બોલતાં તેમણે કહ્યું :

“હું નાતજાતને ભૂલી ગયેલો માણસ છું. આખું હિન્દુસ્તાન મારું ગામ છે. અઢારે વર્ણ મારાં ભાઈભાંડુ છે. તમને મહાસાગરનું દર્શન કરાવું એ ઉમેદથી હું અહીં આવ્યો છું. આપણાં ગુણગાન કરવાની જરૂર નથી. એ તો એની મેળે બોલે છે. પણ દોષો વધારે બળવાન છે. આપણે પાડોશીનું છાપરું, પાડોશીની