આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
ગાંધી-અર્વિન કરા૨ – લડતની તહકૂબી
- નથી. કોઈ સ્વયંસેવકોએ તમને એવી આશા આપી હોય તો તે વગર વિચાર્યે હતી એમ મારે કહેવું જોઈએ. એને માટે તમે સમિતિને કે મને કે સરદારને જવાબદાર ન ગણતા. દાંડીની યાત્રા પછી હું એ વાત કહેતો આવ્યો છું કે આ તો શિરસાટાની લડાઈ છે. આ લડાઈમાં ફના થવું પડશે, અને જે ફના થવા માગે છે તે નુકસાનીનો બદલો શેનો માગે ? તમારાં ઘરબાર લુંટાશે, તમે બૈરાંછોકરાં સાથે ખુવાર થશો, એમ તમને ઢોલ વગાડીને કહ્યું છે. એ સહન કરવું હોય તો લડાઈમાં પડજો, નહીં તો ન પડતા એમ તમને સાફ જણાવ્યું હતું.
- “આ સંધિ કરવી જોઈતી હતી કે નહીં એ જુદો સવાલ છે. પણ એમાં માથું નમાવવાપણું હતું ખરું ? હું કહું છું કે જરાયે નહોતું. તમે બદલો શેનો માગો ? જાનમાલ ખોયા હોય તોય બદલો તો છે જ, સ્વરાજને માટે આટલી નુકસાની ખમવાને તમે તૈયાર ન હો તો કહેવાશે કે બારડોલી, બોરસદના લોકો કંજૂસ હતા, લૂંટાવાને તૈયાર નહોતા. આપણે સ્વરાજ લઈને બેસશું ત્યારે આ નુકસાની આપવાની શક્તિ હશે તોપણ, તમે એ માગશો તો સ્વરાજના ઘાતક થવાના છો. હા, સરદારને અને મને એક વસ્તુ જરૂર માથાના ઘા જેવી લાગે. તમારી જે જમીન બીજાને અપાઈ ગઈ છે તે ખોવાની વસ્તુ નથી એ ચોક્કસ છે. નુકસાન થયું હોય તેનો બદલો ન મંગાય કારણ આપણે મરેલાની જિંદગી પાછી નથી માગતા કે કેદમાં જઈ આવેલાની કેદનો બદલો નથી માગતા, પણ આ જમીન તો મળવી જ જોઈએ. સરદારે તમને જમીનો પાછી અપાવવાની કબૂલાત કરી હતી ખરી, જોકે મેં નહોતી કરી. પણ એ જમીન તમને મળશે એને વિષે શંકા નથી. એ ક્યારે મળશે, કઈ રીતે મળશે, એ ન કહેવાય. પણ મળશે એ વાત સાચી છે. સરદારની અને મારી કસોટી કરવાને આટલી એક વાત બસ છે, તે એ કે ગયેલી જમીન પાછી મળવી જ જોઈએ. એ નથી મળી ત્યાં સુધી સ્વરાજ નથી મળ્યું. ત્યાં સુધી અમે તમારા સાચા સેવક નથી બન્યા એમ માનજો. એને માટે અમે ખાક થશું, અને તમને ખાક કરશું.”
સંધિ પછી તરત થોડા દિવસ ગાંધીજી અને સરદાર એકાદ અઠવાડિયું સાથે ફર્યા. ગામેગામ લોકોના કષ્ટસહનની સ્તુતિ કરતાં સરદાર કહેતા : “તમે સહન તો બહુ કર્યું. પણ તમે જેવડી ઈજ્જત કમાયા એવડી ઈજ્જત થોડા જ કમાઈ શકે એમ છે.” બારડોલીમાં ફરતા હતા ત્યારે ખેડા જિલ્લાના ઇસણાવ ગામમાં હિજરતીઓનાં અઢાર ઝૂંપડાં બળી ગયાના સમાચાર આવ્યા. તેમાં અનેક ઢોરો અને ચાર મનુષ્યો બળીને ખાક થઈ ગયાં હતાં. ગાંધીજીએ સરદારને કહ્યું. “એ લોકોને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે એવું કહેણ તો મોકલો ?” પોતાના ખેડૂતોને માટે ભારે અભિમાન ધરાવનારા સરદાર કહે, “એ લોકો જરાય ગભરાયા નહીં હોય મદદ લેવાની ના પડશે. છતાં દરબારસાહેબ, છગનલાલ જોષી વગેરે ત્યાં છે તે કરવાનું કર્યા વિના નહીં રહે.”