પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૩
ક્રિપ્સ વિષ્ટિ

લીધે મિ. ચર્ચિલની આ જાહેરાતથી હિંદુસ્તાનમાં કંઈક આશાની લાગણી પ્રગટી. તેઓ ર૩મી માર્ચે વિમાન માર્ગે નવી દિલ્હી આવી પહોંચ્યા. તે જ દિવસે તેમણે વર્તમાનપત્રોના પ્રતિનિધિઓને મુલાકાત આપી તથા બે દિવસ સુધી વાઈસરૉયના મહેલમાં રહી, વાઈસરૉય તથા પ્રાંતના ગવર્નરો, જેમને અગાઉથી ગોઠવણ કરી ખાસ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, તેમની સાથે મસલત કરી. કૉંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને ખાસ આંમત્રણ આપી તા. રપમી માર્ચે બોલાવવામાં આવ્યા. ક્રિપ્સે પોતાની સાથે આણેલી દરખાસ્તોનો ખરડો તેમને વાંચી બતાવ્યો. મૌલાનાને આ દરખાસ્તો બહુ સારી તો ન લાગી પણ સર સ્ટેફર્ડે કહ્યું કે, એમાં સૂચવાયેલી વાઈસરૉયની કાઉન્સિલ રાષ્ટ્રીય સરકારના જેવી જ હશે, અને કાઉન્સિલના મેમ્બરોને વાઈસરૉય સાથેનો સંબંધ બ્રિટિશ પ્રધાનમંડળનો ઇંગ્લંડના રાજા સાથે હોય છે તેવો જ હશે. ક્રિપ્સના આમ કહેવાથી મૌલાના સાહેબ આ દરખાસ્તોનો વિચાર કરવા માટે કારોબારી સમિતિની બેઠક બોલાવવાને લલચાયા. અને તા. ર૯મીએ કારોબારી સમિતિની બેઠક તેમણે નવી દિલ્હીમાં બોલાવી.

આ યુદ્ધમાં માણસની કે પૈસાની મદદ આપવાની વિરુદ્ધ હોઈ ગાંધીજીને ક્રિપ્સને મળવાનો કશો રસ નહોતો. પણ ક્રિપ્સે બહુ આગ્રહ કર્યો એટલે તા. ૨૮મીએ તેઓ એમને મળવા નવી દિલ્હી ગયા. એણે આણેલી દરખાસ્ત વાંચીને જ તેમણે તો ક્રિપ્સને કહી દીધું કે આવી હાસ્યાસ્પદ, મોઘમ અને અનેક જાતના અનર્થો ઊભા કરે એવી દ૨ખાસ્ત તમારા જેવા માણસ લઈ ને આવે એ ભારે કમનસીબ બીના છે. તમારે એટલું તો જાણવું જોઈતું હતું કે કમમાં કમ કૉંગ્રેસ તો, ભલેને બીજી જ ક્ષણે હિંદુસ્તાનને સામ્રાજ્યથી છૂટા પડવાનો હક્ક બક્ષવામાં આવતો હોય તોપણ, આવી જાતના ડોમિનિયન સ્ટેટસની સામે જોશે પણ નહીં. તમારી બીજી વસાહતોના જેવી હિંદુસ્તાન એ વસાહત (ડોમિનિયન) છે જ નહીં. તમારે એ પણ જાણવું જોઈતું હતું કે આ દરખાસ્તોમાં હિંદુસ્તાનને ત્રણ કકડાઓમાં વહેંચી નાખવાની કલ્પના રહેલી છે. એ કોઈ સ્વીકારી શકે એમ નથી. એમાં પાકિસ્તાનની કલ્પના છે છતાં મુસ્લિમ લીગ પણ એથી રીઝવાની નથી. કારણ લીગ ઈચ્છે છે તેવું પાકિસ્તાન એમાં નથી. અને આ બધી તો તમારી ભવિષ્યની યોજનાઓ છે. અત્યારે તો ભવિષ્ય ભારે અનિશ્ચિત છે. એટલે તે યોજનાઓનો આજે વિચાર કર્યે શું વળે ? તમે તત્કાળ શું કરવા માગો છે એ જ ખરું મહત્ત્વનું છે. અને અત્યારે જે આપવાની વાત તમે કરો છો તે તે કેવળ ફોસલાવવાની વાત છે. અમારા દેશની રક્ષા