પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૬
સરદાર વલ્લભભાઈ

સ્વતંત્રતા અને રક્ષણ માટે આપણે લડીએ છીએ એવો ઉત્સાહ પ્રગટે એવું કશું નહોતું. ભવિષ્યની વસાહતી દરજ્જાની જે યોજના હતી તેમાં પણ જુદી જુદી કોમોની વચ્ચે તથા બ્રિટિશ હિંદુસ્તાન અને દેશી રાજ્યો વચ્ચે કલહનાં બીજ સિવાય કશું નહોતું. અને દેશી રાજ્યોની પ્રજાને તો સાવ વિસારી જ દેવામાં આવતી હતી, એટલે કારોબારી સમિતિએ આ દરખાસ્તોને નકારતો ઠરાવ કરીને તા. ૧લી એપ્રિલે ક્રિપ્સને મોકલી આપ્યો. પણ ક્રિપ્સ સાહેબ વાતો કરવામાં બહુ મીઠા હતા. કારોબારી સમિતિને તેમણે કહ્યું કે, આ દરખાસ્તો નકારવાનો ઠરાવ તમે હમણાં બહાર ન પાડો અને આપણે હજી વધારે વાટાઘાટો કરીએ અને કાંઈક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીએ. કારોબારી સમિતિએ એમની વાત સ્વીકારી. પણ પાણીને ગમે તેટલું વલોવીએ તોયે તેમાંથી માખણ તો નથી જ નીકળતું તેમ આ વાટાઘાટોમાંથી કશો સાર નીકળ્યો નહીં. ઊલટું જેમ જેમ વાટાઘાટો લંબાઈ તેમ તેમ એમાંથી વધારે ને વધારે વિષ જ નીકળતું ગયું. વાઈસરૉયની કાઉન્સિલનો દરજ્જો બ્રિટિશ પ્રધાનમંડળ જેવો હશે એમ ક્રિપ્સ સાહેબે આવ્યા તેવા પોતાની ગાંઠની સાકર પીરસેલી તે બદલ વિલાયતથી તેમને ઠપકારવામાં આવેલા હોવા જોઈએ. તેમને એવી ચેતવણી આપવામાં આવેલી હોવી જોઈએ કે દરખાસ્તોના ખરડાની બહાર મુદ્દલ ન જવું. વળી પૂર્વના પ્રદેશોના સરસેનાપતિ લૉર્ડ વેવલ અને વાઈસરૉય અલ લિનલિથગો આ કટોકટીને વખતે પોતાના હાથમાંની જરાયે સત્તા છોડવાથી યુદ્ધ પ્રયાસમાં શિથિલતા આવશે એમ માનતા હતા. તેમની આગળ સર સ્ટેફર્ડનું કશું ચાલે તેમ નહોતું. એટલે ક્રિપ્સે બધું ફેરવી તોળવા માંડ્યું, અને ઘણી બાબતોમાં તો વાઈસરૉયનો હવાલો આપવા માંડ્યો; એટલું જ નહીં પણ જોકે પોતે જ રાષ્ટ્રીય સરકાર અને ઇંગ્લંડના જેવા પ્રધાનમંડળની વાત કરી હતી છતાં કૉંગ્રેસ ઉપર એવો આરોપ મૂક્યો કે,

“તેઓ તો એવી રાષ્ટ્રીય સરકાર બનાવવામાં આવે, જેમાં વાઈસરૉયના અથવા તો બ્રિટિશ સરકારના કશા અંકુશ વિનાનું હિન્દી નેતાઓનું પ્રધાનમંડળ રચવામાં આવે તો એમાં આવવા ઇચ્છે છે. આ વસ્તુનો શો અર્થ થાય તેનો વિચાર કરો. હિંદમાંના પક્ષોએ નીમેલા અમુક માણસોની હિન્દની સરકાર બને. તે અચોક્કસ મુદત માટેની હોય, વળી તે કોઈ ધારાસભા અથવા તો મતદાર મંડળને જવાબદાર ન હોય, એમાં કશો ફેરફાર ન થઈ શકે, એટલે તેમાંની બહુમતી વિશાળ લઘુમતીઓ ઉપર જોહુકમી સત્તા ચલાવવાની સ્થિતિમાં આવે.”

બીજો આક્ષેપ એ મૂક્યો કે,

“કૉંગ્રેસે છેક છેલ્લી ઘડીએ બંધારણમાં તત્કાળ ફેરફાર કરવાની વાત કરી. હવે યુદ્ધ ચાલે છે તે દરમ્યાન આવા ફેરફાર કરવાનું તદ્દન અશક્ય છે.”