પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૧
હિંદ છોડીને ચાલ્યા જાઓ

કરે એટલા માટે સરકારે એ તમામ હોડીઓને જપ્ત કરવા માંડી. રક્ષણને ખાતર લેવામાં આવતાં આવાં બધાં પગલાંથી ગ્રામવાસીઓની હાડમારીનો પાર ન રહ્યો. કૉંગ્રેસ આ બધું જોયા કરે અને લોકોને કંઈ મદદ ન કરી શકે એ તેને માટે અસહ્ય હતું. આ સ્થિતિમાં જવાહરલાલજી કાંઈક ઉશ્કેરાઈ ગયા હોય એમ લાગે છે. બ્રિટિશ સરકાર જે આપણને ગૂંગળાવી રહી હતી તેની સામે તે શાંતિમય અસહકાર એ એક રસ્તો હતો. પણ જપાન ચડી આવે તો તેની સામે શું કરવું ? ક્રિપ્સના ગયા પછી તરત જ એક ભાષણમાં ધીખતી ધરાની અથવા તો ભૂમિ ઉજાડવાની નીતિ આપણે જપાનની સામે અજમાવવી જોઈએ એમ તેમણે કહ્યું. એ ભાષણમાં એમણે ગેરિલા લડાઈની પણ વાત કરી. તા. ૧૩–૪–’૪રના કાગળમાં ગાંધીજી સરદારને લખે છે કે,

“જવાહરે તો હવે અહિંસાને તિલાંજલિ દીધી જણાય છે. તમે તમારું કામ કર્યાં કરજો. લોકોને જાળવી શકાય તો જાળવજો. આજનું એનું ભાષણ ભયંકર લાગે છે. એને લખવા ધારું છું.”

ગાંધીજીએ ધીખતી ધરા કરવાની રીત તેમ જ ગેરિલા લડાઈ આપણા દેશને કંઈ પણ રીતે અનુકુળ આવે એમ નથી એ વિષે ‘હરિજન’માં લખવા માંડ્યું. અહિંસાની દૃષ્ટિએ તો આ વસ્તુ વાજબી નહોતી જ. પણ હિંસાઅહિંસાનો પ્રશ્ન બાજુએ રાખીએ તો પણ એ વસ્તુ શક્ય અને ઈષ્ટ નહોતી. ધીખતી ધરા કરવા માટે પણ બોમ્બ વગેરે સાધન જોઈએ, અને ગેરિલા લડાઈ કરવા માટે પણ લોકોને હથિયાર આપવાં જોઈએ. ધારો કે બ્રિટિશ સરકાર એવાં હથિયાર પૂરાં પાડે. પણ વાઈસરૉયે થોડા જ વખત ઉપર જાહેર કર્યું હતું કે અમારી પાસે લશ્કરી સિપાઈઓને આપવા માટે પણ પૂરતાં હથિયારો નથી. વળી સરકાર સાથે આપણો અસહકાર ચાલતો હોય તે વખતે આપણી દોરવણી નીચે ચાલતી ગેરિલા લડાઈ માટે સરકાર પાસેથી હથિયારની આશા રાખવી એ અનુચિત અને અશક્ય હતું.

આ સ્થિતિમાં કૉંગ્રેસે કયું પગલું લેવું એનો વિચાર કરવા અલ્લાહાબાદમાં તા ર૭મી એપ્રિલે કારોબારી સમિતિની બેઠક અને તા. ૨૯મીએ કૉંગ્રેસ મહાસમિતિની બેઠક બોલાવવામાં આવી. એ બેઠકો તા. ૨જી મે સુધી ચાલી. તા. ૧૪-૪-’૪૨ના રોજ ગાંધીજી સરદારને લખે છે :

“તમારો પાછો કોઈ કાગળ નથી. પ્રોફેસરે (કૃપાલાનીજીએ) બધું ભાગવત (ક્રિપ્સ વિષ્ટિનું) સંભળાવ્યું. તમારી તબિયત જવા લાયક ન હોય તો અલ્લાહાબાદ ન જતા. પણ તમારા વિચાર તમારે જણાવી દેવા જોઈએ. જો કૉંગ્રેસ હિંસા નીતિ અખત્યાર કરે તો તમારે નીકળી જવું જોઈએ એમ મને લાગે છે. આ સમય એવો નથી કે કોઈ પોતાના વિચાર દબાવી બેઠા રહે. ઘણી બાબતમાં