પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સરદાર વલ્લભભાઈ


ખેડૂતો પાસેથી કામ લેવાની સરદારની પદ્ધતિ ગાંધીજીના કરતાં કાંઈક જુદી પડતી હતી તેનો ધ્વનિ બારડોલીના હિજરતીઓ આગળ આ વખતે કાઢેલા સરદારના નીચેના ઉદ્‌ગારોમાં આપણને સંભળાય છે. એક સવારે ગાંધીજી સાથે હિજરતી ગામો જોવા ગયેલા ત્યાં સરદાર બોલ્યા :

“ગાંધીજી તો તકલી ચલાવી ભાષણ આપે. એમને હવે બોલવાનું કશું રહ્યું નથી. ખેડૂતો એ સમજે પણ શું ? માટે તમારે મારું કહ્યું માનવું. એમની પાસેથી શીખવાનું મેં શીખી લીધું છે. હવે તમારે મારી પાસેથી શીખવાનું છે.”

આપણે આગળ જોઈશું કે સંધિના અમલની બાબતમાં સરદારને ઘણી અકળામણ થતી અને ખેડૂતોનો સ્વભાવ તથા ખેડૂતોની મુશ્કેલીઓ ગાંધીજી નથી સમજી શકતા એમ એમને લાગતું. તેની આગાહી ઉપરના ઉદ્‌ગારોમાં છે.

પણ આ સંધિ પછી લોકો રાહત મેળવવાની આશા કરતા થઈ જાય એ ગાંધીજીને અને સરદારને બન્નેને જરાયે પસંદ નહોતું. બ્રિટિશ મુત્સદ્દીઓ સ્વરાજની વાટાઘાટ કરવા માટે હાથ લાંબો કરતા હતા તે સ્વીકારવા માટે આ સંધિ હતી, લડતમાં જેમણે ગુમાવ્યું હતું તેમને રાહત આપવા માટે કે અપાવવા માટે નહોતી. વળી સ્વરાજ માટે લોકોમાં કામ કરવાની કૉંગ્રેસને તક મળે તે હેતુ પણ હતો. પણ આપણે આગળના પ્રકરણમાં જોઈશું કે જે ઉદારતા અને સદ્‌ભાવથી પ્રેરાઈને ગાંધીજી અને વાઈસરૉય લૉર્ડ અર્વિન આ સંધિ કરવા પ્રેરાયા હતા તે ઉદારતા અને સદ્‌ભાવનો છાંટો પણ હિંદુસ્તાનમાંના બ્રિટિશ અમલદાર વર્ગમાં ઊતર્યો નહોતો. એટલે ગાંધીજીના, સરદારના અને બીજા કાર્યકર્તાઓના કાળજાતૂટ પ્રયત્નો છતાં સંધિમાંથી કાંઈ નીપજ્યું નહીં.