પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૨
સરદાર વલ્લભભાઈ

કામ ઊંધું ચાલી રહ્યું છે. એ જોયાં કરવું એ બરાબર નથી લાગતું. ભલે લોકો નિંદો કે વંદો.
“‘હરિજન’માં હું જે લખી રહ્યો છું એ ધ્યાનપૂર્વક વાંચો એમ ઇચ્છું છું.
“ઓરિસામાં … હુમલો થવાનો બહુ સંભવ લાગે છે. સરકારે ત્યાં લશ્કર ઠીક ભર્યું છે.”

તા. ૨૨-૪-’૪રના રોજ ગાંધીજી સરદારને ફરી લખે છે :

“તમારો કાગળ મળ્યો. મૌલાનાના તાર પરથી તમારે તો ગયે જ છૂટકો જણાય છે. તમે મક્કમપણે કામ લેજો. જો અહિંસક અસહયોગનો સ્પષ્ટ ઠરાવ ન કબૂલ થાય તો તમારો ધર્મ નીકળવાનો જ છે. ભૂમિ ઉજાડવાની નીતિનો અને બહારનાં લશ્કરો લાવવાનો પણ સખત વિરોધ થવો જ જોઈએ. મને બોલાવવાનો આગ્રહ ચાલે છે પણ મેં તો ના જ લખી છે.
“તમે પ્રયાગથી પાછા ફરો ત્યારે અહીં થઈને જજો. ભલે એક દિવસ જ આવો. પ્રયાગના કરતાં તો અહીં સો ગણું સારું છે. રાજેન્દ્રબાબુને પણ સાથે લાવજો ને દેવને પણ.”

અલ્લાહાબાદની બેઠકમાં બહુ મહત્ત્વના પ્રશ્ન વિષે કારોબારી સમિતિએ તેમ જ મહાસમિતિએ નિર્ણય કરવાનો હતો. દેશમાં ઘણા એવું માનનારા હતા કે આપણે તો કોઈ પણ રીતે બ્રિટિશરો અહીંથી જાય એ જોઈએ છે, ભલે જપાનીઓ અહીં આવે. આપણે પાછળથી એમની જોડે હિસાબ પતાવી લઈશું. એક વર્ગ એવું માનનારો પણ હતો કે, આપણે જપાનીઓને આવકારવા જોઈએ. તેમની મદદ લઈને અંગ્રેજોને ખસેડવામાં કંઈ નુકસાન થવાનું નથી. પરંતુ કારોબારી સમિતિના સભ્યોમાંથી અથવા તો મુખ્ય મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓમાંથી કોઈ જપાનને આવકારવા ઇચ્છતું નહોતું. તેનું કારણ એ નહોતું કે જપાન કરતાં બ્રિટિશરો સારા હતા, પણ જપાનને બ્રિટન કરતાં સારું ગણવા જેવું નહોતું. છેલ્લાં કેટલાંક વરસથી ચીનની સાથે તેણે જે વર્તાવ કર્યો હતો અને ચીનનો ઘણો ભાગ પડાવી લીધો હતો તે ઉપરથી એ સિદ્ધ થતું હતું કે જપાન પણ સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાવાળું હતું. એક સામ્રાજ્યમાંથી નીકળીને બીજાં સામ્રાજ્યને તાબે થવું એ તો ઓલામાંથી નીકળીને ચૂલામાં પડવા જેવું હતું. એ કે આપણી સ્વતંત્રતા છીનવી લીધી હતી અને આવી વિષમ વેળાએ પણ જપાન સામે લડવાને માટે આપણને સ્વતંત્ર થવા દેવા એ તૈયાર નહોતો. બીજો આપણી સ્વતંત્રતા છીનવી લઈને પોતાનું સામ્રાજ્ય જમાવવાની મહત્ત્વાકાંક્ષાવાળો હતો. એટલે આપણી દૃષ્ટિએ તે બંને સરખા હતા. બેમાંથી એકેનો વિશ્વાસ કરવા જેવું નહોતું. આપણી સ્વતંત્રતા આપણે પોતે જ મેળવવાની હતી, લોકોમાં આ જાતનો ઉત્સાહ પ્રગટાવવા ગાંધીજી ‘હરિજન’માં બહુ કડક લેખો લખતા હતા.