પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૩
હિંદ છોડીને ચાલ્યા જાઓ

 અલ્લાહાબાદમાં મળનારી મહાસમિતિની બેઠકો માટે ગાંધીજીએ નીચે પ્રમાણેનો ઠરાવનો ખરડો મીરાબહેન સાથે મોકલી આપ્યો :

“સર સ્ટેફર્ડ ક્રિપ્સ બ્રિટિશ યુદ્ધપ્રધાનમંડળની જે દરખાસ્તો લઈને અહીં આવ્યા તેણે બ્રિટિશ સામ્રાજ્યશાહીને પહેલાં કદી નહીં પાડેલી એવા નગ્ન રૂપમાં ઉઘાડી પાડી છે. તેથી કૉંગ્રેસની આ મહાસમિતિ નીચેના નિર્ણયો ઉપર આવી છે :
“મહાસમિતિનો એવો અભિપ્રાય છે કે બ્રિટન હિંદુસ્તાનનું રક્ષણ કરવા અસમર્થ છે. તે જે કાંઈ કરે છે તે સ્વાભાવિક રીતે જ એકલા પોતાના રક્ષણને અર્થે કરે છે. હિંદુસ્તાનના અને બ્રિટનના હિતસંબંધ વચ્ચે સતત ઘર્ષણ રહેલું છે. એટલે બન્નેના સંરક્ષણ વિશેના ખ્યાલોમાં પણ ફરક રહે છે. હિંદુસ્તાનના કોઈ પણ રાજદ્વારી પક્ષ ઉપર બ્રિટિશ સરકારને વિશ્વાસ નથી. હિંદી લશ્કરને પણ હિંદુસ્તાનને પોતાની જંજીરોમાં જકડી રાખવા માટે જ આજ સુધી નિભાવવામાં આવ્યું છે. આમજનતાથી તેને પૂરેપૂરું અળગુ રાખવામાં આવે છે. હિંદુસ્તાનના લોકો એ લશ્કરને કોઈ પણ અર્થમાં પોતાનું કહી શકે એમ નથી. અવિશ્વાસની આ નીતિ હજી ચાલુ જ છે. એ જ કારણે રાષ્ટ્રના સંરક્ષણનું કામ હિંદી લોકોના ચૂંટેલા પ્રતિનિધિઓને સોંપવામાં આવતું નથી.
“જપાનનો ઝઘડો હિંદુસ્તાન સાથે નથી. એની લડાઈ બ્રિટિશ સામ્રાજ્ય સાથે છે. હિંદુસ્તાનને આ યુદ્ધમાં સપડાવવામાં આવ્યું છે તે પણ હિંદુસ્તાનના લોકોના પ્રતિનિધિઓની સંમતિ વિના કરવામાં આવ્યું છે. એ કેવળ બ્રિટને મનસ્વી રીતે કર્યું છે. હિંદુસ્તાન જો સ્વતંત્ર થાય તો કદાચ તેનું પહેલું કાર્ય જપાન સાથે વાટાઘાટો કરવાનું હોય. કૉંગ્રેસનો એ અભિપ્રાય છે કે જો અંગ્રેજો હિંદુસ્તાનમાંથી ખસી જાય અને જપાનીઓ અથવા તો બીજી કોઈ પણ સત્તા હિંદુસ્તાન ઉપર આક્રમણ કરે તો તેની સામે પોતાનું રક્ષણ કરવાને હિંદુસ્તાન સમર્થ થશે.
“તેથી આ મહાસમિતિનો એ અભિપ્રાય છે કે અંગ્રેજોએ હિંદુસ્તાનમાંથી ચાલ્યા જવું જોઈએ. હિંદના દેશી રાજાઓના રક્ષણને અર્થે પોતાને અહીં રહેવાની જરૂર છે એવી દલીલ કરવામાં આવે છે તેમાં કશું વજૂદ નથી. હિંદુસ્તાન ઉપર પોતાનો કાબૂ ચાલુ રાખવાના તેમના નિર્ણયની એ એક વધારાની સાબિતી છે. દેશી રાજાઓને નિઃશસ્ત્ર હિંદુસ્તાન તરફથી કશો ડર રાખવાની જરૂર નથી.
“બહુમતી અને લઘુમતીનો પ્રશ્ન એ બ્રિટિશ સરકારની જ પેદા કરેલી કૃતિ છે. તેમના અહીંથી ખસી જવાની સાથે જ એ પ્રશ્ન નાબૂદ થઈ જશે.
“આ બધાં કારણોથી આ મહાસમિતિ બ્રિટનને અપીલ કરે છે કે તમારી પોતાની સલામતી ખાતર, હિંદુસ્તાનની સલામતી ખાતર અને દુનિયાની શાંતિની ખાતર, એશિયામાંના અને આફ્રિકામાંના તમારા કબજાના મુલકો ભલે અત્યારે ન છોડવા હોય તો ન છોડો, પરંતુ હિંદુસ્તાન ઉપરનો તમારો કબજો તો છોડો જ.
“આ સમિતિ જપાની સરકારને અને જપાની લોકોને ખાતરી આપવા ઇચ્છે છે કે હિંદુસ્તાનને જપાન સાથે અથવા તો બીજા કોઈ ૫ણ દેશ સાથે