પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧૭
હિંદ છોડીને ચાલ્યા જાઓ



અથવા તો દરખાસ્ત પર વિચાર કરવાનું કૉંગ્રેસને માટે અશક્ય છે. કેવળ હિંદુસ્તાનનું જ ભલું નહીં પણ બ્રિટનની સલામતી તથા દુનિયાની શાંતિ ને સ્વતંત્રતા માગી લે છે કે, બ્રિટને હિંદુસ્તાન ઉપરનો કાબુ છોડવો જોઈએ. કેવળ સ્વતંત્રતાના મુદ્દા ઉપર જ હિંદુસ્તાન, બ્રિટન અથવા બીજા રાષ્ટ્રો સાથે વાતચીત કરી શકે એમ છે.

“ આ મહાસમિતિ એ વસ્તુનો ઇનકાર કરે છે કે કોઈ પણ પરદેશી રાષ્ટ્ર ભલે તે ગમે તેવાં વચનો આપતું હોય અથવા દાવા કરતું હોય તોપણ, તેની ચડાઈ અથવા દરમ્યાનગીરીથી હિંદુસ્તાનને સ્વતંત્રતા મળી શકે. એટલે જો કદાચ એની ચડાઈ આવે તો એનો સામનો કરવા જ જોઈએ. આવો સામનો અહિંસક અસહકારની રીતે જ થઈ શકે એમ છે. કારણ બ્રિટિશ સરકારે કોઈ પણ બીજી રીતે રાષ્ટ્રનું રક્ષણ કરવાની વ્યવસ્થા કરવાનું લોકોના હાથમાં રહેવા જ દીધું નથી. એટલે હિંદુસ્તાનના લોકો પાસેથી આ મહાસમિતિ એવી અપેક્ષા રાખે છે કે, તેમણે ચડી આવનારાં લશ્કરો સામે સંપૂર્ણ અહિંસક અસહકાર કરવો અને તેમને કોઈ પણ જાતની મદદ આપવી નહીં.



ગાંધીજીના લેખોની સામે અને કૉંગ્રેસ મહાસમિતિના આ ઠરાવની સામે આપણા દેશનાં ઍંગ્લો ઈન્ડિયન વર્તમાનપત્રો તથા પરદેશી વર્તમાનપત્રો એવી ટીકા કરવા લાગ્યાં કે, અંગ્રેજોને સત્તા છોડી દેવાનું અથવા ચાલ્યા જવાનું કહીને તમે જપાનને હિંદુસ્તામાં આવવાનું આમંત્રણ આપો છો. ઈંગ્લંડ અને અમેરિકાનાં ઘણાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ પણ ગાંધીજીની મુલાકાત લેવા આવવા લાગ્યા. ટીકાકારોને આપેલા ખુલાસાઓમાંથી તથા તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાંથી સારરૂપ ફકરા નીચે આપ્યા છે :

“ મારી ખાતરી છે કે લડાઈ પૂરી થાય પછી નહીં, પણ તે દરમ્યાન જ અંગ્રેજોએ અને હિંદીઓએ એકબીજાથી તદ્દન જુદા પડવાની વાતને માની લેવાનો સમય આવી પહોંચ્યો છે. તેમાં અને તેમાં જ બંનેની સલામતી - અને જગતનીયે સલામતી - રહી છે. હું તો ખુલ્લી આંખે જોઉં છું કે, હિંદીઓમાં અંગ્રેજો પ્રત્યેનું વૈમનસ્ય વધતું જાય છે. હિંદીઓ માને છે કે, સરકારનું એકેએક પગલું તેના પોતાના સ્વાર્થ અને સલામતીની દૃષ્ટિએ લેવાય છે અને મને પણ લાગે છે કે તદ્દન વાજબી રીતે એમ મનાય છે. બંનેના ભેળા અને સામાન્ય હિત જેવી કોઈ વસ્તુ છે જ નહીં. એક અંતિમ દાખલાથી સમજાવું તો અંગ્રેજોની જપાન પર જીત થાય તો તેનો અર્થ હિંદુસ્તાનની જીત નહીં હોય. પણ આ તો નજીકના ભવિષ્યની વાત ન કહેવાય. અત્યારે, વિદેશી સિપાઈઓની હિંદમાં ભરતી, હિંદી અને ગોરા હિજરતીઓ (બ્રહ્મદેશના) પ્રત્યેના વર્તનમાં ભેદભાવ થયાની કબૂલાત, અને લશ્કરી સિપાઈઓનું ઉધાડું મદમસ્ત વર્તન – એ બધું બ્રિટનના ઇરાદાઓ અને જાહેરનામાંઓ વિષેના અવિશ્વાસમાં ઉમેરો કરે છે. મને લાગે છે કે તેઓ પોતાના લાંબા વખતના સ્વભાવને એકાએક બદલી નહીં શકે. પોતાના જાતિમદને તેઓ દુર્ગુણ રૂપે નહીં, પણ ગુણ રૂપે ગણે છે. આવું કેવળ