પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧૮
સરદાર વલ્લભભાઈ

હિંદ પ્રત્યે જ નથી, પણ આફ્રિકા, બ્રહ્મદેશ, સિલોન, દરેક પ્રત્યે છે. જાતિમદનું પ્રદર્શન કર્યા વિના આ દેશોનો કબજો રાખી શકાત જ નહીં.

"આ એક તીવ્ર રોગ છે. અને તેનો ઇલાજ પણ તીવ્ર લેવાવો જોઈએ. આ ઇલાજ હું બતાવું છું. તુરતાતુરત અને વ્યવસ્થિત રીતે અંગ્રેજોએ પૂરેપૂરા ચાલ્યા જવું જોઈએ, કમમાં કમ હિંદુસ્તાનમાંથી અને સાચું જોતાં તો સધળા બિનયુરોપિયન મુલકોમાંથી. અંગ્રેજોનું એ ભારે વીરોચિત અને શુદ્ધતમ કાર્ય થશે. એ વસ્તુ એક ક્ષણમાં મિત્રરાજ્યોના પક્ષને પૂર્ણ નૈતિક પાયા ઉપર મૂકી દેશે. સંભવ છે કે, સધળા લડનારા પક્ષેામાં એ માનભરી સુલેહ કરાવનારું પણ થાચ. સામ્રાજ્યવાદનો આવો શુદ્ધ અંત, ફાસીવાદ તથા નાઝીવાદનોયે કદાચ અંત લાવે. જે પગલું મેં સૂચવ્યું છે તે કમમાં કમ ફાસી અને નાઝી તલવારને બૂઠી તો કરી જ નાખશે. કારણ કે એ બંને સામ્રાજ્યવાદમાંથી જ ફૂટેલા ફણગા છે.

“ આથી મને લાગે છે કે, મારી સર્વ શક્તિ આ મહાન પગલું ભરાવવા માટે મારે ખર્ચવી જોઈએ. એ પગલું વિજય પહેલાં જ લેવાવું જોઈએ, વિજય પછી નહીં. હિંદુસ્તાનમાં અંગ્રેજોની હાજરી એ જપાનને હિંદુસ્તાન પર ચડાઈ કરવા નોતરું છે. તેઓ ચાલ્યા જાય તો ચડાઈની લાલચ દૂર થાય. પણ માનો કે લાલચ દૂર ન થઈ તો પણ આઝાદ હિંદ એ ચડાઈને વધારે સારી રીતે પહોંચી વળી શકશે. નિર્ભેળ અસહકાર તે વેળા પુરજોશમાં ચાલશે.” (તા. ૪-૫–'૪૨)



"અંગ્રેજો એશિયા તેમ જ આફ્રિકામાંથી ચાલ્યા જાય એમ હું માગું છું ખરો. પણ આ ક્ષણે હું એકલા હિંદુસ્તાનની જ વાત કરવા ઇચ્છું છું.” (તા. ૧૧–૫–'૪ર)



"મારો પૂરેપૂરો નૈતિક ટેકો બ્રિટનના પક્ષમાં છે એમ હું કહેતો. પણ મને કબૂલ કરતાં બહુ ખેદ થાય છે કે, આજે મારું મન એ નૈતિક ટેકો આપવાનું ના પાડે છે. હિંદુસ્તાન પ્રત્યેના બ્રિટનના વર્તનથી મને ભારે દુ:ખ થયેલું છે. મિ. એમરીનાં ભાષણો અને સર સ્ટેફર્ડ ક્રિપ્સની વિષ્ટિને માટે હું બિલકુલ તૈચાર ન હતો. એથી મારે મને બ્રિટનનો પક્ષ નૈતિક દૃષ્ટિએ અયોગ્ય ઠરે છે. હું બ્રિટનને અપમાન અને ભેાંઠપ વેઠવાં પડે એમ નથી ઇચ્છતો. તેની હાર થાય એમ પણ નથી ઇચ્છતો. તોપણ મારું મન તેને જરાયે નૈતિક ટેકો આપવાની ના પાડે છે.”

"બ્રિટન અને અમેરિકા બંનેને આ લડાઈમાં પડવા માટે કશો નૈતિક આધાર નથી – સિવાય કે તેઓ પોતાનાં ઘર વ્યવસ્થિત કરે, અને સાથે સાથે આફ્રિકા અને એશિયા બનેમાંથી પોતાની લાગવગ અને સત્તા ખેંચી લે, તથા રંગભેદ દૂર કરે. જ્યાં સુધી ગોરાઓના શ્રેષ્ઠત્વના ઝેરી કીડાનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં લગી તેમને લોકશાહીનું અને સંસ્કૃતિ તથા માનવી સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાની વાત કરવાનો કશો હક નથી.” (૧૮-૫-'૪૨ )