પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨૦
સરદાર વલ્લભભાઈ


અંગ્રેજોને હિંદ છોડીને ચાલ્યા જવાનું કહેવું એ બહુ નવી અને વિચિત્ર લાગે એવી વાત તો હતી જ, એટલે ગાંધીજીએ તે માટે લોકમત તૈયાર કરવાને, કાંઈ નહીં તો દુનિયાને પોતાની વાત સમજવવાને તનતોડ પ્રયત્નો કર્યા. પણ હિંદુસ્તાન ઉપર જોખમ દિનપ્રતિદિન વધતું જતું હતું. કૉંગ્રેસ કાંઈ પણ ચોક્કસ ઉપાય ન લે તો એક મહાન લોકસંસ્થા તરીકે તેની હસ્તી હવે ટકી શકે તેમ નહોતું. વળી ગાંધીજીને પોતાને માટે એમ લાગતું હતું કે, જો આ વિકટ પ્રસંગે પોતાનો અહિંસક અસહકાર તેઓ ન અજમાવી શકે તો એ પોથીમાંનાં રીગણાં જેવો થઈ જાય. એટલે એમને લાગ્યું કે. અંગ્રેજો જો હિંદ ન છોડી જાય તો બ્રિટિશ સરકાર સામે 'કરેંગે યા મરેંગે’ની જીવ સટોસટની લડત ચલાવવી જ જોઈએ. રાજાજી ગાંધીજીની ચોજનાઓથી તદ્દન જુદું જ વલણ ધરાવતા હતા. તેમણે તો અલ્લાહાબાદની મહાસમિતિમાં એવો ઠરાવ રજુ કર્યો કે પાકિસ્તાનની વાત મંજાર કરીને પણ મુસ્લિમ લીગ સાથે સમાધાન કરી નાખવું, જેથી બ્રિટિશ સરકાર કૉંગ્રેસ ને મુસ્લિમ લીગની સંયુક્ત માગણી નકારી શકે નહીં, અને યુદ્ધમાં હિંદુસ્તાન મિત્રરાજ્યોની સાથે રહીને લડી શકે, પણ એમનો ઠરાવ ભારે બહુમતીથી (૧૨૦ વિ૦ ૧૫) નામંજૂર થયો. એ ઠરાવ પોતે રજૂ કરી શકે એટલા માટે એમણે કારોબારી સમિતિના સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. એમનો ઠરાવ નામંજૂર થયો એટલે એમણે એ વિષે જાહેરમાં ચળવળ કરવા માંડી. પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે સરદારે એમને સલાહ આપી કે, મદ્રાસ ધારાસભાના સભ્ય રહીને તમે આવી ચળવળ ચલાવી શકો નહી એટલું જ નહીં પણ તમારી ચળવળ કૉંગ્રેસની સ્પષ્ટ અને મહત્ત્વની નીતિથી વિરુદ્ધ હાઈ તમે કૉંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ રહી શકો નહીં. સરદારનો કાગળ મળતાં જ તા. ૧પમી જુલાઈ એ રાજાજીએ પોતાનાં રાજીનામાં આપી દીધાં અને કૉંગ્રેસમાંથી છૂટા થયા.

સરદાર, રાજેન્દ્રબાબુ, કૃપાલાની વગેરે કારોબારીના કેટલાક અન્ય ગાંધીજી જે કાર્યક્રમ દેશ આગળ મૂકે તેમાં એમને પૂરેપૂરો સાથ આપવાના મતના હતા. પણ જવાહરલાલજી તથા અબુલ કલામ આઝાદને આવે વખતે સરકારની સામે સત્યાગ્રહની લડત ઉપાડવી એ યોગ્ય લાગતું નહોતું. ગાંધીજીએ તેમની સાથે દિવસોના દિવસો સુધી ચર્ચા કરી. આખરે વર્ધામાં કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી. તા. ૬ઠ્ઠી જુલાઈથી ૧૪મી જુલાઈ સુધી એ બેઠક ચાલી. દિલ વલોવી નાખનારી આઠે આઠે દિવસની ચર્ચાઓને અંતે કારોબારી સમિતિના સઘળા સભ્યો ગાંધીજી સાથે સંમત થયા. અને બ્રિટિશ સરકાર જો કૉંગ્રેસની વાત ન માને તો તેની સામે પ્રચંડ અને દેશવ્યાપી