પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કરાંચી કૉંગ્રેસના પ્રમુખ

જે વખતે વાઈસરોય સાથે વાટાઘાટો ચાલતી હતી તે વખતે જ કારોબારીના સભ્યો આવતી કૉંગ્રેસ ક્યાં અને કયારે ભરવી તેનો વિચાર કરી રહ્યા હતા. લાહોરની કૉંગ્રેસમાં ઠરાવ્યું હતું કે દર વરસે નાતાલના દિવસોમાં કૉંગ્રેસ ભરાય છે તે દિવસોમાં ટાઢ બહુ હોય છે, તેથી માર્ચ માસમાં ઋતુ સમધારણ હોય તે વખતે કૉંગ્રેસ ભરવી. આ વર્ષે લડત ચાલતી હતી એટલે દરેક પ્રાંતની કૉંગ્રેસ સમિતિઓ પ્રમુખની તેમ જ પ્રતિનિધિઓની ચૂંટણી રીતસર કરી શકે તેમ નહોતું. એટલે કારોબારીએ ઠરાવ્યું કે જો સમાધાની થઈ જાય તો કરાંચીમાં કૉંગ્રેસ ભરવી અને તેનું પ્રમુખપદ સરદારને આપવું. પ્રતિનિધિઓની બાબતમાં ઠરાવ્યું કે દરેક પ્રાંતની પ્રાંતિક સમિતિ પોતાને માટે ઠરેલી સંખ્યામાંથી અડધા પોતાના સભ્યોમાંથી ચુંટવા અને અડધા પોતાના પ્રાંતમાંથી જેલ ગયેલાઓમાંથી ચૂંટે.

સમાધાની પાંચમી માર્ચે થઈ, અને માર્ચના છેલ્લા અઠવાડિયામાં કૉંગ્રેસ ભરવાનું નક્કી કર્યું; એટલે કરાંચીના લોકોને તૈયારી કરવાને માટે બહુ થોડા દિવસ હતા. પણ ત્યાંની મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી જમશેદ મહેતાના સહકારને લીધે અને સ્વાગત પ્રમુખ ડૉ. ચોઈથરામ તથા સિંધના નિરાભિમાની અને નિષ્ઠાવાન કાર્યકર્તા શ્રી જયરામદાસજીની વ્યવસ્થાશક્તિને લીધે કરાંચી કૉંગ્રેસની વ્યવસ્થા બહુ સુંદર થઈ શકી. કરાંચીમાં વસતા ગુજરાતીઓએ પણ તેમાં ભારે ફાળો આપ્યો. તૈયારી માટે પૂરો એક મહિનો પણ નહોતો મળ્યો છતાં હજાર માણસોને રહેવાની, નાહવાધોવાની, ખાવાપીવાની તથા પાયખાનાપેશાબની લગભગ આદર્શ ગણાય એવી વ્યવસ્થા તેઓએ કરી. પહેલાંની કૉંગ્રેસો કરતાં આ કૉંગ્રેસથી એક નવો શિરસ્તો એ પડ્યો કે કૉંગ્રેસની મુખ્ય બેઠક માટે મંડપ બાંધવાને બદલે આકાશના છત્ર નીચે જ બેસવાનું ઠરાવ્યું. એ આકાશ-છત્રવાળા મંડપની રચના, તેની અંદરના ધ્વનિવર્ધકોની વ્યવસ્થા, બેસવાની ગોઠવણ અને ત્રિરંગી દીપમાળ એ બધું કળાપૂર્ણ હતું.

કરાંચીની આ કૉંગ્રેસ બહ ક્ષુબ્ધ વાતાવરણમાં ભરાઈ હતી. સરકાર સાથે કરવામાં આવેલી સમાધાનીથી નવજુવાન વર્ગને ભારે અસંતોષ હતો. સમાધાની પ્રમાણે જેઓ છૂટવા જોઈતા હતા તેવા બધા કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજી છૂટ્યા નહોતા. વળી બંગાળ તથા બીજા કેટલાક